- યુએસની ચિંતા તાઈવાન છે : તેથી બીજે યુદ્ધો બંધ કરાવવા માગે છે
- એવું મનાય છે કે ટ્રમ્પ રશિયાએ કબ્જે કરેલા પ્રદેશો તેની પાસે રહેવા દેશે : પુતિન- ઝેલેન્સ્કી મંત્રણા વખતે તેઓ હાજર રહેશે
Trump Putin Meeting: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વ્લાદિમીર પુતિનને શુક્રવારે આલાસ્કામાં મળવાના છે. આલાસ્કા રશિયાના પૂર્વોત્તર ભાગથી થોડું જ દૂર છે. વિશ્વ સમસ્તની નજર તે મંત્રણા પર રહેલી છે. એવું મનાય છે કે, આ મિટિંગના અંતે રશિયા-યુક્રેન યુદ્ધ બંધ કરવા માટે કોઈ એલાન થઈ શકશે. આ મિટિંગ પહેલા ટ્રમ્પે પોતાની યોજના દર્શાવી છે, તે પ્રમાણે મિટિંગ ચાલશે તો બીજી મિટિંગ પુતિન અને ઝેલેન્સ્કી વચ્ચે થશે. તે અંગે ટ્રમ્પે તેમ પણ કહ્યું હતું કે, તે સમયે જો જરૂર લાગશે તો તેઓ પણ ઉપસ્થિત રહેશે.
મીડિયા સાથેની વાતચીતમાં પ્રમુખ ટ્રમ્પે કહ્યું હતું કે, ટૂંક સમયમાં જ એક વધુ મિટિંગ થશે. જેમાં તેઓ ઝેલેન્સ્કીને તેમ સમજાવવા માગે છે કે રશિયાએ અત્યારે કબજે કરેલા પ્રદેશો તેની પાસે જ રહેવા દે. જો કે પ્રમુખ ટ્રમ્પે તે જણાવ્યું ન હતું કે તે મિટિંગ ક્યારે થશે.
આ સાથે ટ્રમ્પે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી કે, જો પુતિન તે માટે સહમત નહીં થાય અને યુદ્ધ બંધ નહીં કરે તો તેનાં પરિણામો તેણે ભોગવવા પડશે. જો કે પ્રમુખે તે સ્પષ્ટતા કરી ન હતી કે, તેઓ રશિયા સામે શા પગલા લેશે ? સંભવત: ટ્રમ્પ તેમના યુરોપીય સાથી દેશો સાથે તેની ચર્ચા કરશે. આ અનુમાન સાચુ પડયું છે. ટ્રમ્પે યુરોપીય યુનિયનના નેતાઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા મંત્રણા કરી હતી. તેમજ યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી સાથે પણ વાત કરી હતી.
કેટલાક નિરીક્ષકોનું માનવું છે કે, અમેરિકાની ચિંતા તાઈવાન અંગે છે. તેને ભીતિ છે કે, તાઈવાન પર સામ્યવાદી ચીન હુમલો કરી તે હાથ કરે તો પૂર્વ પેસિફિકમાં ચીન માટેનાં દ્વાર ખુલી જાય. જે અમેરિકા માટે આફતરૂપ બની રહે. માટે પશ્ચિમે ઇઝરાયલ-હમાસ યુદ્ધ અટકાવવા જે લગભગ ખતમ થવા આવ્યું છે - તે, અને ઉત્તરે રશિયા-યુક્રેન યુદ્ધ અટકાવવા તેઓ આતુર છે.


