World

અમેરિકાના હુમલામાં ઇરાનના અણુ મથકો ખતમ ન થયાના અહેવાલથી ટ્રમ્પ ભડક્યા

By GS TEAM
26 Jun 20252 mins read
અમેરિકાના હુમલામાં ઇરાનના અણુ મથકો ખતમ ન થયાના અહેવાલથી ટ્રમ્પ ભડક્યા

- ઇરાન પરમાણુ કાર્યક્રમ શરૂ કરશે તો ફરીથી હુમલો કરીશું : અમેરિકા

- હિરોશિમા-નાગાસાકી પરના હુમલાથી બીજું વિશ્વયુદ્ધ પૂરુ થયું, અમારા હુમલાથી ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં અટક્યું : ટ્રમ્પ

- ઇરાનના પરમાણુ ઉર્જાના કાર્યક્રમ માટે અત્યંત આવશ્યક ઉપકરણ સેન્ટ્રીફ્યુજ સલામત હોવાનો પણ દાવો કરાયો

વોશિંગ્ટન : અમેરિકાના ઇન્ટેલિજન્સ રિપોર્ટે જણાવ્યું હતું કે અમેરિકાના હુમલા છતાં ઇરાનના પરમાણુ મથકો ખતમ થયા નથી. બસ તેનો પરમાણુ કાર્યક્રમ થોડા મહિના પાછો જ ઠેલાયો છે, સીએનએનના ઇન્ટેલિજન્સને ટાંકીને આ પ્રકારે લીક થયેલા અહેવાલથી ટ્રમ્પ અને ઇઝરાયેલના પ્રમુખ નેતન્યાહુ બંને ભડક્યા છે અને તેમણે આ અહેવાલ ફગાવી દીધા છે. 

આશ્ચર્યની વાત એ છે કે ડિફેન્સ ઇન્ટેલિજન્સ એજન્સી (ડાઆઇએ)એ સોમવારે ટ્રમ્પ અને ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુના પરમાણુ મથક અંગેના દાવાથી વિપરીત નિવેદન આપ્યા છે. સીેનએને અને ન્યૂયોર્ક ટાઇમ્સે જણાવ્યું હતું કે અમેરિકાના હુમલામાં ફોર્ડો, નતાંઝ અને ઇસ્ફાહન ખાતેના પરમાણુ કેન્દ્રોને નુકસાન પહોંચ્યું છે, પરંતુ સંપૂર્ણ નાબૂદ થઈ ગયા નથી.

એજન્સીની સમીક્ષાની જાણકારી ધરાવતા બે જણાનું કહેવું છે કે ઇરાનના સમૃદ્ધ યુરેનિયમ ભંડારને નષ્ટ કરવામાં આવ્યો નથી. એક સૂત્રએ જણાવ્યું હતું કે સેન્ટ્રીફ્યુજ મહદ અંશે યથાવત્ છે. જ્યારે એક સૂત્રનું કહેવું છે કે અમેરિકાના હુમલા પહેલા જ ઇરાને પરમાણુ મથકના સ્થળેથી સંવર્ધિત થયેલુ યુરેનિયમ હટાવી દીધું હતું. 

વ્હાઇટ હાઉસે પણ ડીઆઈએના રિપોર્ટને નકારી કાઢ્યો હતો. ટ્રમ્પે હોલેન્ડમાં નાટો સમિટમાં હાજરી આપવા દરમિયાન જણાવ્યું હતું કે ઇન્ટેલિજન્સની માહિતી અપૂરતી છે. ટ્રમ્પના ખાસ પ્રતિનિધિ સ્ટીવ વિટકોફનો દાવા કર્યો હતો કે આ હુમલાના કારણે ઇરાન હવે પરમાણુ શસ્ત્રો વિકસાવવાની ક્ષમતાથી વંચિત થઈ ગયું છે. 

ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ યુદ્ધવિરામ પર સંમતિ દર્શાવતા તેને ઐતિહાસિક જીત ગણાવી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે તેમના કટ્ટર દુશ્મન ક્યારેય પરમાણુ ક્ષમતા હાંસલ નહીં કરી શકે. બીજી બાજુએ ઇરાને તેના પરમાણુ મથકોને નોંધપાત્ર નુકસાન થયાનું સ્વીકાર્યુ છે. 

ટ્રમ્પે ઇરાન-ઇઝરાયેલ વચ્ચેના યુદ્ધમાં અમેરિકાએ પરમાણુ મથકો પર કરેલી હુમલા ૧૯૪૫ના હીરોશિમા-નાગાસાકી પરના હુમલા સાથે કરી હતી. તેણે જણાવ્યું હતું કે અમેરિકાના તે પરમાણુ હુમલાએ બીજું વિશ્વયુદ્ધ ખતમ કર્યુ હતુ,  જ્યારે ઇરાનના પરમાણુ મથકો પરના હુમલાએ ત્રીજું વિશ્વયુદ્ધ શરૂ થતાં અટકાવ્યું હતું. આ ઉપરાંત ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ઇરાન ફરીથી યુરેનિયમ સંવર્ધન ચાલુ કરશે તો અમે તેના પર ફરીથી હવાઈ હુમલો કરીશું. 

અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે જણાવ્યું હતું કે કદાચ ઇરાન પાસે ૪૦૮ કિલોગ્રામ યુરેનિયમ હોય તો પણ તે પરમાણુ શસ્ત્રો ક્યારેય નહીં બનાવી શકે, કારણ કે તેમની પાસે ૬૦ ટકા સુધી જ સંવર્ધિત થયેલું યુરેનિયમ છે. જ્યારે પરમાણુ શસ્ત્રો બનાવવા યુરેનિયમને ૯૦ ટકા સુધી સંવર્ધિત કરવું પડે. યુએન નિરીક્ષકનું કહેવું છે કે જો એક પરમાણુ બોમ્બ બનાવવો હોય તો ૪૨ કિલોગ્રામ યુરેનિયમ પૂરતુ છે, પરંતુ તે ૯૦ ટકા સુધી સંવર્ધિત થયેલું હોવું જોઈએ.