World

ટ્રમ્પે ભારત સાથે સારા સંબંધો હોવાનું જણાવ્યું, સાથે ટેરિફ યોગ્ય હોવાનું પણ દોહરાવ્યું

By GS TEAM
3 Sep 20251 min read
ટ્રમ્પે ભારત સાથે સારા સંબંધો હોવાનું જણાવ્યું, સાથે ટેરિફ યોગ્ય હોવાનું પણ દોહરાવ્યું

ન્યૂયોર્ક,૩ સપ્ટેમ્બર,૨૦૨૫,મંગળવાર 

અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટેરિફ નાખતા બંને દેશો વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળે છે. અમેરિકાએ ભારત સાથેના વેપારને એક તરફી ગણાવીને ઉંચુ ટેરિફ વાજબી ગણાવ્યું છે.

ટ્રમ્પ પ્રશાસન દ્વારા ભારત પર ટેરિફનો કેટલો દર ઘટાડવામાં આવી રહયો હોવાના સવાલનો જવાબ આપતા ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં મીડિયા પર્સનને જણાવ્યું હતું કે અમારા ભારત સાથેના સંબંધો સારા છે જો કે  ટેરિફને લઇને ટ્રમ્પે ભારત પરના આરોપોને દોહરાવ્યા હતા.ભારતે દુનિયામાં સૌથી વધારે ટેકસ લગાવ્યા જયારે અમેરિકાએ ભારતીય ચીજવસ્તુઓને કોઇ પણ પ્રકારના અવરોધ વિના અનુમતિ આપી હતી. તેઓ ભારે પ્રમાણમાં માલ સામાન અમેરિકા મોકલતા હતા પરંતુ અમે કશું મોકલી શકતા ન હતા કારણ કે અમારા પર ૧૦૦ ટકા ટેરિફ દર હતો.

ટ્રમ્પે અયોગ્ય વેપાર અને ટેરિફ દર માટે હાર્લે ડેવિડસનનું ઉદાહરણ આપ્યું હતું. ટ્રમ્પે ઉમેર્યુ હતું કે હાર્લે ડેવિડસન ભારતમાં પોતાની મોટર સાઇકલ વેચી શકતું ન હતું. મોટર સાઇકલ પર ૨૦૦ ટકા જેટલું ટેરિફ રહેતું હતું. હાર્લે ડેવિડસને ભારતમાં જઇને મોટર સાઇકલ પ્લાન્ટ ખોલ્યો ત્યાર પછી ટેરિફમાંથી મુકિત મળી હતી. ૨૭ ઓગસ્ટથી અમેરિકામાં ભારતીય વસ્તુઓ પર ૫૦ ટકા આયાત શૂલ્ક લાદવામાં આવ્યું છે. નવી દિલ્હીએ ટ્રમ્પના ટેરિફની નિંદા કરીને અયોગ્ય અને આકરું ગણાવ્યું છે.