'ભારત ટેબલ પર આવી રહ્યું છે', ટ્રેડ ડીલ મુદ્દે મંત્રણા પહેલા નવારોનો નવો દાવો
Peter Navaaro: અમેરિકા અને ભારત વચ્ચે ટેરિફના કારણે સર્જાયેલા તણાવ બાદ પ્રથમ વખત વેપાર મંત્રણા થવા જઈ રહી છે. આ મંત્રણાની પહેલાં જ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટ્રેડ એડવાઇઝર પીટર નવારોએ નિવેદન આપ્યું છે કે, 'ભારત ટેબલ પર આવી રહ્યું છે.' ટ્રમ્પ સરકારના કેટલાક અધિકારીઓ આજે રાત્રે નવી દિલ્હી આવી રહ્યા છે. તેઓ આવતીકાલે ભારત સાથે વેપાર કરાર સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કરવા બેઠક યોજશે.
ટ્રમ્પે રશિયા પાસેથી ક્રૂડ ખરીદવા બદલ ભારત પર વધારાનો 25 ટકા ટેરિફ ઉપરાંત પેનલ્ટી લાદી છે. અમેરિકાના આ આકરા વલણના કારણે દેશની અમેરિકા નિકાસ ઑગસ્ટમાં નવ માસના તળિયે નોંધાઈ હતી. ટ્રમ્પના ટેરિફના કારણે બંને દેશો વચ્ચે ચાલી રહેલા વેપાર મંત્રણા પણ અટકી હતી.
બંને દેશ ઝડપથી વેપાર મંત્રણા પૂરી કરવા માગે છેઃ વાણિજ્ય મંત્રાલય
વાણિજ્ય મંત્રાલયના ચીફ નેગોશિએટર અને સ્પેશિયલ સેક્રેટરી રાજેશ અગ્રવાલે આ બેઠક મુદ્દે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે, અમેરિકા અને ભારત ઝડપથી વેપાર મંત્રણા પૂર્ણ કરશે. યુએસના સાઉથ એશિયા માટેના વેપાર પ્રતિનિધિ બ્રેન્ડન લિન્ચ આ ચર્ચા માટે નવી દિલ્હીની મુલાકાત લેવાના છે.
ભારતને ટેરિફનો મહારાજા કહ્યો હતો
નવારોએ અગાઉ એક સપ્તાહ પહેલાં ભારત વિરોધી નિવેદન આપ્યું હતું કે, ભારતે અમેરિકા સાથે વેપાર મંત્રણા કરવા કોઈપણ રીતે માનવું જ પડશે. નહીં તો તે દિલ્હી માટે નુકસાનકારક સાબિત થશે. ભારત સરકાર અમારાથી નારાજ છે. પણ તેમણે વેપાર મંત્રણા મુદ્દે વાત કરવી જ પડશે. નાવારોએ વધુમાં કહ્યું હતું, 'અમેરિકા પાસેથી વિશ્વના અન્ય મોટા દેશ કરતાં ભારત સૌથી વધુ ટેરિફ વસૂલે છે. આપણે તેનો સામનો કરવો પડશે. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો તે પહેલાં, ભારતે ક્યારેય મોસ્કો પાસેથી ક્રૂડ ખરીદ્યું ન હતું અને પછી તેઓ નફાખોરીની આ પદ્ધતિમાં લાગી ગયા, રશિયન રિફાઇનરીઓ ભારતમાં આવી નફાખોરી કરે છે. જ્યારે અમેરિકન કરદાતાઓ ભારતને ટેરિફ પેટે વધુ પૈસા ચૂકવે છે.'