'યુક્રેનમાં શાંતિ સ્થાપવા ભારત પર ટેરિફ જરૂરી', અમેરિકાની કોર્ટમાં ટીમ ટ્રમ્પની દલીલ
Donald Trump Tariff: અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સરકારે ટેરિફને ગેરલાયક ગણાવવાના અપીલ કોર્ટના ચુકાદા સામે ટેરિફને યોગ્ય ઠેરવવા સુપ્રીમ કોર્ટમાં અમુક દસ્તાવેજો રજૂ કર્યા છે. જેમાં ઍલર્ટ આપ્યું છે કે, ભારત સહિત અન્ય દેશો પર લાગુ ટેરિફ દૂર કરવાથી અમેરિકાએ વેપારમાં નુકસાનો સામનો કરવો પડશે, તેમજ વિદેશમાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયાસ પણ નબળા પડશે.
સુપ્રીમ કોર્ટમાં ટ્રમ્પના વહીવટીતંત્ર તરફથી સોલિસિટર જનરલ જ્હોન સાયરે જસ્ટિસને ટેરિફ જાળવી રાખવા અપીલ કરી છે. અપીલ કોર્ટે ટેરિફને ગેરકાયદે ઠેરવ્યો હતો. જેને પડકારતાં SGએ કહ્યું કે, આ મામલે ઘણુ બધુ દાવ પર લાગ્યું છે. દસ્તાવેજમાં ટેરિફને 'યુક્રેનમાં શાંતિના પ્રયાસોનો મહત્ત્વનો ભાગ' તેમજ 'આર્થિક નુકસાનથી બચાવનારી ઢાલ' તરીકે રજૂ કર્યો છે. ટ્રમ્પ સરકારે કહ્યું કે, અમે હાલમાં જ રશિયા-યુક્રેન યુદ્ધ મુદ્દે નેશનલ ઈમરજન્સીના ભાગરૂપે ભારત પર ટેરિફ લાદવામાં આવ્યા છે. કારણકે, તે રશિયા પાસેથી ક્રૂડ ખરીદે છે. આ ટેરિફ દૂર કરવાથી અમેરિકા આર્થિક તબાહીની કગાર તરફ ધકેલાઈ જશે.
હાલમાં ઑગસ્ટમાં જ અમેરિકાએ ભારતને ટેરિફનો કિંગ ગણાવતાં તેના પર 25 ટકા ટેરિફ લાદ્યો હતો.બાદમાં રશિયા સાથે ક્રૂડ વેપાર કરવા બદલ વધારાનો 25 ટકા ટેરિફ લાગુ કર્યો હતો. આમ અમેરિકા હાલ ભારત પાસેથી સૌથી વધુ 50 ટકા ટેરિફ વસૂલી રહ્યું છે.
આ પણ વાંચોઃ મણિપુરમાં શાંતિ સ્થાપિત થવાના એંધાણ, કુકી સમુદાય સાથે સરકારે કરી મોટી ડીલ
અપીલ કોર્ટે ટેરિફને ગેરલાયક ઠેરવ્યો
ટ્રમ્પ સરકારની ટેરિફ નીતિને અપીલ કોર્ટે ગેરકાયદે ઠેરવ્યો હતો. જેમાં અમેરિકાની ફેડરલ સર્કિટ કોર્ટ ઑફ અપીલ્સે કહ્યું હતું કે, ટ્રમ્પ ઈમરજન્સી આર્થિક શક્તિઓનો ઉપયોગ કરી વ્યાપકપણે ટેરિફ લાદવાની પોતાની અધિકાર મર્યાદા વટાવી ગયા છે. તેમનો ટેરિફનો નિર્ણય તદ્દન ગેરકાયદે અને ગેરમાન્ય છે. અપીલ કોર્ટના આ ચુકાદા પર ટ્રમ્પ સરકારે બચાવ કર્યો હતો કે, આ પગલું શાંતિ અને અભૂતપૂર્વ આર્થિક સમૃદ્ધિ લાવી રહ્યું છે. વોશિંગ્ટન સાથે નવા વેપાર ઢાંચામાં ઢાળી રહ્યું છે.
ટ્રમ્પ સરકારનો તર્ક
ટ્રમ્પ સરકારે રજૂ કરેલા દસ્તાવેજમાં જણાવ્યું કે, ટેરિફની સાથે અમેરિકા એક અમીર દેશ છે, જ્યારે ટેરિફ વિના તે ગરીબ દેશ છે. જો આ ડ્યુટી દૂર કરવામાં આવી તો અમેરિકાનું સંરક્ષણ-ઔદ્યોગિક માળખું નબળું પડશે. વાર્ષિક 1.2 લાખ કરોડ ડૉલરની વેપાર ખાધ પર અસર થશે. વિદેશો સાથે વાતચીત પર અનિશ્ચિતતાના વાદળો છવાઈ જશે.