Get The App

ટ્રમ્પ સરકારે વિદેશી વિદ્યાર્થીઓના લીગલ સ્ટેટસ રદ કરવા નવા ગતકડાં શરૂ કર્યા

Updated: May 2nd, 2025

GS TEAM


Google News
Google News
ટ્રમ્પ સરકારે વિદેશી વિદ્યાર્થીઓના લીગલ સ્ટેટસ રદ કરવા નવા ગતકડાં શરૂ કર્યા 1 - image


- વિદેશી વિદ્યાર્થી SEVISમાંથી બહાર થયો તો તાત્કાલિક ડિપોર્ટ કરાશે

- ટ્રમ્પે વિદેશી વિદ્યાર્થીઓ ફરતે ગાળિયો વધારે મજબૂત બનાવ્યો: એફ-વન વિઝા છીનવવાનો બેઝ વિસ્તાર્યો

વોશિંગ્ટન : ટ્રમ્પ તંત્રએ કોઈને કોઈ રીતે દેશમાંથી વિદેશી વિદ્યાર્થીઓની વિદાયનો તખ્તો ઘડી જ લીધો લાગે છે. થોડા સમય પહેલા વિદ્યાર્થીઓનું લીગલ સ્ટેટસ છીનવવાનો વિવાદ હતો, હવે જો કોઈ વિદેશી વિદ્યાર્થીને સ્ટુડન્ટ એન્ડ  એક્સ્ચેન્જ વિઝિટર ઇન્ફોર્મેશન સિસ્ટમ (સેવિસ)માંથી બહાર થયો તો તરત તેનો સ્ટુડન્ટ વિઝાનો દરજ્જો અને લીગલ સ્ટેટસ બંને છીનવાશે તથા તેને ડિપોર્ટ કરી શકાશે. 

આ ટ્રમ્પ તંત્રએ કોઈને કોઈ રીતે વિદેશી વિદ્યાર્થીને અમેરિકામાં ન રહેવા દેવા તથા તેને સતત હેરાન કરતા રાખવાનું આ નવું ગતકડું શોધી કાઢ્યું છે, જેથી તે હેરાનગતિના કારણે પણ અમેરિકા છોડી દે. સેવિસને યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા જાળવવામાં આવે છે. તે વિદેશી વિદ્યાર્થીના અને એક્સ્ચેન્જ વિઝઇટર્સના ઇમિગ્રેશન સ્ટેટસનો ટ્રેક રાખે છે.

આઇસીઇ હેઠળ આવતા બધા સેવિસ કર્મચારીને પણ મેમો પાઠવવામાં આવ્યો છે કે તેઓએ વિદેશમાં જન્મેલા વિદ્યાર્થીનો અમેરિકામાં લીગલ સ્ટેટસ દૂર કરવા માટે માપદંડની વિસ્તારવામાં આવેલી યાદી બતાવવી. તેની સાથે નવા મેમોમાં આઇસીઇએ વિદેશી વિદ્યાર્થીઓને ચેતવણી જારી કરી છે કે જો તેમના રેકોર્ડમાં ગેપ્સ દેખાશે તો પણ તેમણે તકલીફોનો સામનો કરવો પડશે. બીજા શબ્દોમાં કહીએ તો જો આ વિદ્યાર્થી અહીં ભણ્યો હોવા છતાં પણ કામધંધા વગરનો હોય કે જોબલોસ થવાના કારણે લાંબા સમય સુધી નોકરી વગરનો રહે તો તેના સેવિસમાં જોવા મળેલા ગેપના આધારેે તેને ડિપોર્ટની નોટિસ મળી શકે છે. 

મોટાભાગના કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે વિદ્યાર્થીઓ પાસેથી જ્યારે પણ કોઈ સ્ટેટસ લઈ લેવામાં આવે છે તો તેના માટે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવામાં આવે છે.નવા મેમો હેઠળ સેવિસમાં તમારું નામ નીકળી જાય તો તરત જ તમારી પાસેથી વિદ્યાર્થીઓ માટેનો સ્ટુડન્ટ વિઝાનો અને લીગલ સ્ટેટસ બંને છીનવાઈ શકે છે. તેને ડિપોર્ટ કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ શકે છે. અહીં ફખ્ત રાહત એ છે કે વિદ્યાર્થીનું નામ જેવું સેવિસમાંથી બહાર નીકળે તે જ દિવસથી તેની સામે ડિપોર્ટની કાર્યવાહી નહી થઈ શકે. 

Tags :