ટ્રમ્પના ટેરિફ વોરનો બદલો લેશે કેનેડા, 125 અબજ ડૉલરની પ્રોડક્ટ્સ પર લાદશે 25 ટકા ટેરિફ
Canada Retaliatory Plan for USA Tariff War: અમેરિકાએ કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાદવાની ખાતરી આપતાં જ કેનેડાની સરકારે પણ અમેરિકાની પ્રોડક્ટ્સ પર કાઉન્ટર ટેરિફ લાદવાનો નિર્ણય લીધો છે. કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ જણાવ્યું હતું કે, કેનેડા આ અન્યાયી ટેરિફ વલણનો જવાબ આપશે. ટ્રમ્પે કેનેડા પર ટેરિફ લાદવાની જાહેરાત કરતાં જ કેનેડાએ પણ કાઉન્ટર ટેરિફ લાદવાની તૈયારીઓ કરી દીધી છે.
125 અબજ ડૉલરની આયાત પર ટેરિફ લાદશે
કેનેડાએ જણાવ્યું છે કે, અમેરિકામાંથી આયાત થતી 125 અબજ ડૉલરની પ્રોડક્ટ્સ પર જવાબી ટેરિફ લાગુ કરશે. જેની શરુઆત આજે મંગળવારથી જ થશે. પ્રારંભિક સ્ટેજ પર 30 અબજ કેનેડિયન ડૉલર (20.6 અબજ ડૉલર)ની અમેરિકન પ્રોડક્ટ્સ પર 25 ટકા ટેરિફ લાદશે. ત્રણ સપ્તાહમાં કુલ 125 અબજ કેનેડિયન ડૉલરની પ્રોડક્ટ્સ પર 25 ટકા ટેરિફ લાગુ કરવામાં આવશે.
ટ્રમ્પે ટેરિફ સિવાય કોઈ રસ્તો ન હોવાનું જણાવ્યું
અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કેનેડા અને મેક્સિકો પર કડક વલણ દર્શાવતાં હાલમાં નિવેદન આપ્યું હતું કે, કેનેડા અને મેક્સિકો પર ટેરિફ લાગુ કર્યા સિવાય છૂટકો નથી. આ બંને દેશો અમેરિકાની માગણી અને ચેતવણીઓને ગંભીરતાપૂર્વક લઈ રહ્યા ન હોવાથી અમેરિકા તેમના પર ટેરિફ લાદશે. વધુમાં ચીન પર પણ 10 ટકા ટેરિફ લાગુ કરવાની જાહેરાત કરી છે. ટ્રમ્પે એક ફેબ્રુઆરીથી કેનેડા અને મેક્સિકો પર 25 ટકા ટેરિફ લાદવાના એક્ઝિક્યુટીવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા હતા.
બંને દેશોના સંબંધ બગડશે, અમેરિકામાં મોંઘવારી વધશે
અમેરિકાની સૌથી વધુ પ્રોડક્ટ્સ ખરીદતા દેશમાં કેનેડા અગ્રેસર છે. કેનેડા અમેરિકામાંથી વાર્ષિક ધોરણે અંદાજે 900 અબજ ડૉલરની આયાત કરે છે. આ ટેરિફ વોરના કારણે બંને દેશો વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો વણસી શકે છે. કેનેડા દ્વારા ટેરિફ લાગુ કરવાથી અમેરિકાની પ્રોડક્ટ્સના ભાવ વધી શકે છે. જેનાથી ફરી પાછો ફુગાવો વધવાની ભીતિ પણ વધી છે. મેક્સિકોએ પણ અમેરિકાના ટેરિફ વોરનો જવાબ આપવાની તૈયારીઓ દર્શાવી છે. ચીને પણ અમેરિકા પર ટેરિફ લાદવાની જાહેરાત કરવાની સાથે ડબ્લ્યૂટીઓમાં અમેરિકાના ટેરિફ વલણ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.