ભારત-બાંગ્લાદેશ વચ્ચે વ્યાપાર ચાલુ થયો છે, ભારત ટેક્ષ ૨૦૨૫થી સંબંધો સુધરશે ?
- દિલ્હીમાં 14થી 17 ફેબ્રુઆરી દરમિયાન કાપડ તથા રેડીમેઈડ કપડાનું પ્રદર્શન થશે, તેમાં બાંગ્લાદેશના ઉદ્યોગપતિઓ ભાગ લેશે
ઢાકા : બાંગ્લાદેશમાં પાકિસ્તાન પ્રેરિત રમખાણો શમી ગયા છે. બાંગ્લાદેશના યુવાનો બેકારીથી ત્રસ્ત છે. કુટુમ્બે બે આંક વટાવી ગયેલા ઇન્ડેક્સ (મોંઘવારીથી) ત્રસ્ત છે. રમખાણો દરમિયાન દેશના ધંધા-ધાબા બંધ રહેતા અને હજી પણ અર્થતંત્ર પાટે નહીં ચઢતાં બેકારીનું પ્રમાણ વધી રહ્યું છે. જ્યારે ઉત્પાદન ઠપ્પ સમાન રહેતા મોંઘવારી કૂદકેને ભૂસકે વધી રહી છે. હવે યુવાનોને અને જનસામાન્યને યુનુસ સરકારનાં ઠાલાં-વચનોમાં વિશ્વાસ રહ્યો નથી. ભારત-વિરોધ તેમને ભારે પડયો હતો કારણ કે ભારત સાથેનો વ્યાપાર બંધ થઈ ગયો હતો, પરંતુ હવે ધીમે ધીમે વ્યાપાર ચાલુ થતાં અર્થતંત્રને થોડી કળ વળી છે.
દરમિયાન દિલ્હીમાં તા. ૧૪ ફેબ્રુઆરીથી ૧૭ ફેબ્રુઆરી સુધી ભારત ટેક્ષ ૨૦૨૫ નામક કાપડ ઉદ્યોગ તથા તૈયાર કપડાં માટેનું ભવ્ય પ્રદર્શન સાથે વેચાણ પણ યોજાવાનું છે. તેમાં ભાગ લેવા ઢાકા સ્થિત ભારતના હાઈકમિશનર પ્રણય વર્માએ બાંગ્લાદેશના ઉદ્યોગપતિઓને આમંત્રણ આપ્યું છે. તેઓએ સોમવારે બાંગ્લાદેશના મિલ ઉદ્યોગના અગ્રણીઓ અને તૈયાર કપડા બનાવતા વ્યાપારીઓની એક બેઠક યોજી તે સર્વેને ભારતમાં (દિલ્હીમાં) યોજાનારાં તે એક્ઝિબિશન કમ સેલમાં ભાગ લેવા આમંત્રણ આપ્યું છે. તેઓ તે માટે સંમત પણ થયા છે.
આ ઉપરથી નિરીક્ષકો કહે છે કે આ પગલું બંને દેશો વચ્ચેના સંબંધો સુધારવા માટે મહત્ત્વનું બની રહેશે.