હોંગ કોંગમાં 'ટાવરિંગ ઇન્ફર્નો' 160ના મૃત્યુ

હોંગ કોંગના બહુમાળી એપાર્ટમેન્ટમાં નવીનીકરણ ચાલતું હોઇ લાકડા અને રંગ, સહીત સહેલાઈથી આગ પ્રસરે તેવી ચીજવસ્તુઓ હતી. બેદરકારથી લાગેલી આગે ઝડપથી ઇમારતને લપેટમાં લઇ લીધી. આગની ચેતવણી આપતો એલાર્મ આઠ બ્લોકમાં ચાલતો જ નહોતો. આગ એ હદે ફેલાઈ હતી કે ૪૩ કલાકે તો કાબુમાં આવી હતી. ૧૬૦ રહીશોના મૃત્યુ થયા હતાં. ૮૦ જણા દાઝી ગયા છે.
થાઈલેન્ડમાં ભારે વર્ષા : 1200ના મૃત્યુ
થાઈલેન્ડ, મલેશિયા, ઇન્ડોનેશિયા અને ફિલિપાઈન્સ જેવા બેલ્ટમાં કુદરતી પ્રકોપ જોવા મળ્યો. ભારે વરસાદ, પર્વતો ધસી આવવા, દરિયાઈ ઉછળતા મોજા જેવી સ્થિતિને લીધે પુર અને વાવાઝોડા પણ આવ્યા કુલ ૧૨૦૦થી વધુના મૃત્યુ થયા અને હજારો નાગરિકો બેઘર બન્યા હતાં.
અફઘાનિસ્તાનમાં ધરતીકંપ : 2200ના મૃત્યુ
અફઘાનિસ્તાનમાં અવારનવાર ધરતી કંપની ઘટના બને છે પણ આ વર્ષે ૩૧ ઓગસ્ટની મઘરાતે આવેલ ધરતીકંપ એ હદે ભીષણ હતો કે ૨૨૦૦ના મૃત્યુ થયા હતાં. ૫૦ કિલોમીટર વિસ્તારમાં ૧૩,૦૦૦ મકાનો તૂટી પડયા હતાં. કેટલાક ગામડાઓના તો ૯૦ ટકા મકાનો બેસી પડયા હતાં. ગરીબીને લીધે મકાનો માટીના કે ઇંટના બનેલા હોય છે તેથી તૂટી પડે છે. નાની શેરીઓમાં સૌથી વધુ જાનહાની થાય છે.
વોશિંગટનમાં હેલીકૉપ્ટર પ્લેન જોડે અથડાતા ૬૪ના મૃત્યુ
અમેરિકાના વોશિંગટન ડી. સી.ના રેગન એરપોર્ટ પર એક પેસેન્જર પ્લેન ઉતરાણ કરવા નીચી ઊંચાઈએ ઉડી રહ્યું હતું ત્યારે રાત્રીના સમયમાં આકાશી કવાયત (ડ્રિલ) કરી રહેલ બ્લેક હોલ હેલીકાપ્ટર વિમાન જોડે અથડાતા ૬૭ પ્રવાસીઓના મૃત્યુ થયા હતા. વિમાનનો કાટમાળ અને હેલીકાપ્ટર પોટોમેક નદીમાં ખાબક્યા હતા.
ઢાકાની શાળા પર ફાઇટર વિમાન પડયું :31ના મૃત્યુ
બાંગ્લા દેશના ઢાકામાં માઈલસ્ટોન નામની શાળા પર બાંગ્લા દેશ એરફોર્સનું ચેન્ગડુ ફાઈટર વિમાન ક્રેશ થતા ૩૬ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા અને ૧૭૨ ઘાયલ થયા હતાં.
લોસ એંજલેસનું દાવાનળ સેલિબ્રિટીઓના ભવ્ય બંગલાને ભરખી ગયું
અમેરિકાના કેલિફોર્નિયાના ગાઢ અને માઈલો સુધી ફેલાયેલા જંગલોમાં દાવાનળની અગન જવાળાઓનું રૌદ્ર સ્વરૂપ નવી વાત નથી પણ આ વખતે આ આગ લોસ એંજલેસમાં કુદરતી વાતાવરણ અને જંગલ નજીક આવેલ હોલીવુડની ૪૪ સેલિબ્રિટીઓના મહેલ જેવા બંગલાઓને પણ ભરખી ગઈ. જેમાં મેલ ગીબ્સન,પેરિસ હિલ્ટન, બીલી ક્રાઇસ્ટલ, યુજિન લેવી જેવા કલાકારોના બંગલાનો સમાવેશ થાય છે. તેઓને અન્ય સ્થળે રહેવા જવાનુ અગાઉથી કહી દેવાયેલ. જો કે તેઓએ તેમની કિંમતી ઘરવખરી ગુમાવી હતી.
મ્યાનમારમાં ધરતીકંપ, 5500ના મૃત્યુ
મ્યાનમારના ઇતિહાસનો ૧૯૧૨ પછીનો સૌથી ગમખ્વાર ધરતીકંપ ૨૮ માર્ચના રોજ આવેલ. ૭.૯થી ૮.૨ની તીવ્રતા સાથેના આ ધરતીકંપને લીધે ૫૫૦૦ના મૃત્યુ થયા હતા અને ૧૧,૦૦૦થી વધુ ઈજાગ્રસ્ત થયા હતા. ૪૦૦ જેટલાં એપાર્ટમેન્ટ જમીનદોસ્ત થયા હતા.અંદાજે ૯૫૦૦ કરોડ રૂપિયા જેટલું નુકશાન થયું હોવાનું મનાય છે.
ખાલિસ્તાન વિરોધી માર્ક કાર્ની કેનેડાના વડા પ્રધાન બન્યા
ટ્રુડો પછી લીબરલ પક્ષના જ માર્ક કાર્ની વડા પ્રધાન તરીકે પસંદગી પામ્યા. તેમણે ભારતને ખાતરી આપી છે કે ખાલીસ્તાનની પ્રવૃત્તિને તે સમર્થન નહીં આપે. જો કે ટ્રમ્પ જેવી વિદેશી વિદ્યાર્થીઓ અને ઈમિગ્રન્ટ્સ પર કડકાઈ ધરાવે છે. તેઓ યુક્રેનના સમર્થક છે. ટ્રમ્પ જોડે સારા સબંધ નથી.
કાશ પટેલે ભગવદ્દ ગીતા પર હાથ મૂકી એફ. બી. આઈ.ના ડાયરેક્ટર તરીકે શપથ લીધા
કાશ પટેલ કે જેનું સાચું નામ કશ્યપ છે તેમના પૂર્વજો ગુજરાતનાં આણંદના ભાદરણના છે. તેમના પિતા યુગાંડાથી સરમુખત્યાર ઇદી અમીનના જુલમને લીધે ત્યાંથી નાસીને પછીથી અમેરિકામાં સ્થાયી થયા હતા.૪૫ વર્ષીય કાશ પટેલ રિચમંડ યુનિવર્સિટીમાં ક્રિમિનલ જસ્ટિસ એન્ડ હિસ્ટ્રી વિષયમાં ટોપર રહેલા. ટ્રમ્પના વિશ્વાસુ છે અને તેમની પ્રથમ ટર્મ વખતે અમેરિકામાં મદ્ય પાન, તમાકુ, શસ્ત્રો અને વિસ્ફોટકના લાયસન્સ આપવાની જવાબદારી સંભાળતા હતા. ટ્રમ્પે તેમને ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના વડા બનાવ્યા છે. હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પ્રત્યે ગૌરવ વ્યક્ત કરતા તેમણે ભગવદ્દ ગીતા પર હાથ મૂકીને શપથ લીધા હતા.
કેનેડાના વડા પ્રધાન જસ્ટિન ટ્રુડોનાં દાયકાના શાસનનો અંત
કેનેડાના વડાપ્રધાન તરીકે ૨૦૧૫થી ૨૦૨૫ સુધી પકડ જાળવી શકેલ જસ્ટિન ટ્રુડોએ ૬ જાન્યુઆરીએ રાજીનામુ આપવાની જાહેરાત કરી કે નવા વડા પ્રધાન માર્ચ મહિનામાં ચૂંટાશે તે સાથે તેઓ તેમનું પદ ત્યાગશે. લીબરલ પાર્ટીના પણ તેઓ અધ્યક્ષ હતા. છેલ્લા વર્ષોમાં તેમની લોકપ્રિયતામાં સતત ઘટાડો જોઈ શકાતો હતો.૫૩ વર્ષીય જસ્ટિન ટ્રુડોને રાજીનામું આપવા પક્ષના સભ્યો તરફ્થી પણ દબાણ હતું. ફરી તેઓ નહીં જ ચૂંટાય તેવી તેમને પણ ખાતરી હતી.
સાનાએ તાકાયચી જાપાનના સૌપ્રથમ મહિલાવડા પ્રધાન બન્યા
જાપાનના વડાપ્રધાન તરીકે ૬૫ વર્ષીય સાનાએ તાકાયાચી સંસદના ઉપલા ગૃહમાં માત્ર એક મતની(કુલ ૧૨૫ મત મળ્યા) બહુમતીથી અને નીચલા ગૃહમાં અનિવાર્ય હોય તેના કરતા ચાર વધુ (કુલ ૨૩૭ મત મળ્યા ) મતથી જીત્યા.સાનાએ ભૂતકાળમાં કેન્દ્રીય મંત્રી રહી ચુક્યા છે. તેઓએ શીંગેરું ઇશિબાએ વડા પ્રધાન તરીકે રાજીનામુ આપ્યું તે પછી જીત મેળવી. લીબરલ ડેમોક્રેટિક પક્ષ પાસે જ સત્તા રહી.
ભારતીય માતા પિતાના સંતાન મમદાની ન્યુ યોર્કના મેયર બન્યા
૩૪ વર્ષના ઝોહરન મમદાની ન્યુ યોર્કના પ્રથમ મુસ્લિમ અને એશિયા અમેરિકન બન્યા છે. ટ્રમ્પ કે જેઓ રીપબ્લિકન છે તે મમદાની કે જે ડેમોક્રેટિક છે તે ચૂંટાઈ આવતા ખુબ જ રોષે ભરાયા છે કેમ કે ન્યુ યોર્ક અમેરિકાનું હાર્દ છે. મમદાનીના પિતા મહમુદ અને માતા ફિલ્મ મેકર મીરા નાયરનો જન્મ ભારતમાં થયો છે. મમદાની સામ્યવાદી પ્રકારની વિચારસરણી ધરાવે છે જે અમેરિકાની નીતિથી વિરુદ્ધ છે.









