કેન્ટુકી-મિસુરીને ટોર્નેડોએ ધમરોળતાં 21નાં મોત, ટેક્સાસમાં હીટ વેવ
- યુએસના મીડવેસ્ટમાં વિષમ હવામાનનો તરખાટ
- શુક્રવારે રાત્રે ધૂળની ડમરીઓ ઉડતાં સાઉથવેસ્ટ શિકાગોથી નોર્ધન ઇન્ડિયાના રોડ પર કશું દેખાતું નહોતુ
સેંટ લુઇસ, યુએસ : યુએસના મીડ વેસ્ટ ઇલાકામાં વિષમ હવામાનના કારણે આવેલાં વાવાઝોડામાં ૨૧ જણાંના મોત થયા હોવાનું જણાયું છે. સાઉથ વેસ્ટર્ન કેન્ટુકીમાં ટોર્નેડો શુક્રવારે લોરેલ કાઉન્ટીને ચીરીને પસાર થતાં ૧૪ જણાંના મોત થયા હતા એને ઘણાં ઘાયલ થયા હતા. મિસુરીમાં પણ વાવાઝોડાને કારણે સાત જણાંના મોત થયા હતા. શુક્રવારે આકરાં હવામાનને કારણે વિસ્કોન્સિનમાં ટોર્નેડો ફરી વળ્યા હતા જેને કારણે ગ્રેટ લેક રિજિયનમાં વીજળી ગુલ થઇ ગઇ હતી અને ટેક્સાસમાં હીટ વેવ ફરી વળ્યું હતું. વાવાઝોડાને કારણે મરણાંક વધવાની સંભાવના છે.
આ વાવાઝોડું શુક્રવારે મિસુરી પર બપોરે ત્રાટકતાં મકાનોના છાપરાં અને બારીઓને ઉડી ગયા હતા અને ઝાડો વીજલાઇન પર તુટી પડતાં વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. સેંટ લુઇસના મેયર કારા સ્પેન્સરે શહેરમાં પાંચ મોત થયા હોવાનું તથા વાવાઝોડાંમાં પાંચ હજાર ઘરને અસર થઇ હોવાનું જણાવ્યું હતું. શહેરની બાર્નેસ જ્યુઇશ હોસ્પિટલમાં વાવાઝોડાંને કારણે ઇજા પામેલાં ૩૦ દર્દીઓને એડમીટ કરવામાં આવ્યા હતા. સેંટ લુઇસ ચિલ્ડ્રન હોસ્પિટલમાં પણ ઘાયલ પંદર બાળ દર્દીઓને એડમીટ કરવામાં આવ્યા હતા.
નેશનલ વેધર સર્વિસના રડારના નિર્દેશ અનુસાર ટોર્નેડો બપોરે અઢીથી વીસ મિનિટ સુધી મિસુરીના ક્લેટનમાં ફરી વળ્યો હતો. તેની અસર સેંટ લુઇસ ઝુ જ્યાં આવેલું છે તે ફોરેસ્ટ પાર્ક માં પણ થઇ હતી. સેન્ટેનિયલ ક્રિશ્ચિયન ચર્ચનો એક હિસ્સો પણ વાવાઝોડાને કારણે તુટી પડયો હતો જેમાં ત્રણ જણાં દબાઇ ગયા હતાં તેમાંથી એક વૃદ્ધા પેટ્રિસિયાનું મોત થયું હતું. વાવાઝોડું ત્રાટકતાં સેંટ લુઇસ મ્યુઝિયમના મુલાકાતીઓને ભોંયરામાં સહીસલામત મોકલી દેવામાં આવ્યા હતા. આશરે દોઢસો જણાંને આ રીતે બચાવવામાં આવ્યા હતા. સેંટ લુઇસથી બસો કિમીનાઅંતરે આવેલી સ્કોટ કાઉન્ટીના શેરીફે સોશ્યલ મિડિયા પર જણાવ્યું હતું કે ટોર્નેડો ત્રાટકતાં બે જણાંના મોત થયા છે અને સંખ્યાબંધ લોકો ઇજા પામ્યા છે. મોટભાગે ગ્રામીણ વિસ્તારોમાં ફરી વળેલો ટોર્નેડો મધરાત પહેલાં લંડન કોર્બિન એરપોર્ટ પર પણ ત્રાટક્યો હતો. લડનના મેયર રેન્ડેલ વેડેલે વાવાઝોડાંએ વેરેલાં વિનાશને અભૂતપૂર્વ ગણાવી લોકોના જીવન કાયમ માટે બદલાઇ ગયા હોવાનો દાવો કર્યો હતો.
દરમ્યાન શિકાગોમાં શુક્રવારે રાત્રે ધૂળની ડમરીઓ ઉડતાં સાઉથવેસ્ટ શિકાગોથી નોર્ધન ઇન્ડિયાના સુધી રોડ પર કશું દેખાતું નહોતું. નેશનલ વેધર સર્વિસની આગાહી અનુસાર કેન્ટુકી, સધર્ન ઇન્ડિયાના, સધર્ન ઇલિનોય, ટેનેસી, મિસુરી, આરાકાન્સાસ અને ઓહાયોમાં જોરદાર પવન સાથે બેઝબોલના કદના કરાં પડી શકે છે. મીડલ ટેનેસીમાં ૧૧૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઇ શકે છે અને ત્રણ ઇંચ બરફવર્ષા પણ થઇ શકે છે. દરમ્યાન ટેકસાસમાં સાન એન્ટોનિયો અને ઓસ્ટિનમાં તાપમાન વધીને ૪૦.૫ સેન્ટીગ્રેડ થવાનો વરતારો છે. ઇસ્ટ કોસ્ટ પર વર્જિનિયાથી ફલોરિડામાં પણ ૩૭ ડિગ્રી સુધી ગરમીનો પારો વધી શકે છે. ભેજને કારણે હવામાન વધારે ગરમ થવાની સંભાવના પણ વેધર સર્વિસ દ્વારા જણાવાઇ હતી.