Zelensky statement : રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલુ છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સંઘર્ષનો અંત લાવવા માટે પ્રયત્નશીલ છે. આ દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ એક મહત્ત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે રશિયા સાથે ચાલી રહેલા યુદ્ધનો અંત લાવવા માટે 'યોગ્ય સમય' ની વાત કરી અને સહયોગી દેશોને મોસ્કો પર રાજદ્વારી દબાણ વધારવા વિનંતી કરી હતી.
આ પણ વાંચો: આસિયાન સમિટમાં PM મોદી અને ટ્રમ્પની મુલાકાત થશે? સત્તાવાર જાહેરાત નહીં પરંતુ હલચલ તેજ
ઝેલેન્સકીએ સોમવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોસ્ટ શેર કરીને જણાવ્યું હતું કે, તેમણે ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે શાંતિ નિર્માણના હેતુથી તાજેતરના વિકાસ અને રાજદ્વારી પ્રયાસોની ચર્ચા કરી હતી.
તેમની પોસ્ટમાં ઝેલેન્સકીએ લખ્યું, 'મેં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમેન્યુઅલ મેક્રોન સાથે વાત કરી. યુદ્ધનો અંત લાવવાનો હવે યોગ્ય સમય છે. સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે, દરેક તકનો સંપૂર્ણ ઉપયોગ કરવો અને રશિયા પર યોગ્ય દબાણ લાવવું.' તેમણે વધુમાં કહ્યું કે, 'યુદ્ધ શરૂ કરનાર પક્ષ પર દબાણ એ અંતની ચાવી છે. ઇમેન્યુઅલ અને મેં તમામ વર્તમાન કૂટનીતિક પાસાઓ અને ભાગીદારો સાથે તાજેતરના સંપર્કોની ચર્ચા કરી હતી. હું તેમના સમર્થન માટે આભારી છું. અમે નજીકના ભવિષ્યમાં મુલાકાત કરવા પર સંમત થયા છીએ.'
આ નિવેદન ગયા શુક્રવારે યુક્રેનિયન રાષ્ટ્રપતિ અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થયેલી મુલાકાત પછી આવ્યું છે. ટ્રમ્પે જણાવ્યું હતું કે, ઝેલેન્સકી સાથેની તેમની ચર્ચામાં તેમણે બંને પક્ષોને યુદ્ધવિરામ માટે વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, 'મારો મુખ્ય ઉદ્દેશ્ય જીવન બચાવવા અને દરરોજ થઈ રહેલા હજારો મૃત્યુને રોકવાનો છે.'


