દલાઈ લામાને મળેલા 'શાંતિ નોબેલ પ્રાઇઝ'ના 36મા વર્ષની તિબેટીઓએ કરેલી ઉજવણી

- 'હીઝ-હોલિનેસ'નો શાંતિ અને સુખનો સંદેશ અમે ઉજવીએ છીએ
- આજનો દિવસ વિશ્વ માનવ અધિકાર દિવસ છે, ત્યારે વિશ્વભરના તિબેટીઓએ આ દિવસ ઉત્સાહથી ઉજવ્યો
સિમલા : બૌદ્ધ ધર્મના સૌથી મહાન ધર્મગુરૂ હીઝ હોલીનેસ દલાઈ લામાને મળેલા 'શાંતિ નોબેલ પારિતોષિક'ની ૩૬મી જયંતિની વિશ્વભરના તિબેટીઓએ ઉત્સાહભેર ઉજવણી કરી હતી. વિશેષત: ભારત સ્થિત નિર્વાસિત તિબેટીઓમાં તો તેનો અદમ્ય ઉત્સાહ દેખાતો હતો.
ઉલ્લેખનીય તે છે કે, આજનો તા. ૧૦ ડીસેમ્બરનો દિવસ વિશ્વભરમાં 'માનવ અધિકાર દિન' તરીકે ઉજવવામાં આવે છે. તે દિવસે જ આજથી ૩૬ વર્ષ પૂર્વે મહા-મહીમ-દલાઈ લામાને શાંતિ માટેનું 'નોબેલ પ્રાઇઝ' એનાયત કરાયું હતું. વર્તમાન દલાઈ-લામા ૧૪મા દલાઈ લામા છે.
આ પ્રસંગે મેન્ડેલ તેનસુમે દલાઈ લામાનાં તૈલ ચિત્ર સમક્ષ પુષ્પાંજલિ અર્પી હતી. તેમજ તે સમયે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત જોનાંગ મઠના વડા ક્યાબ્જે ખેન્ત્રુલ કુંગા ચૌફેલ ચોક પણ ઉપસ્થિત હતા. ભારત તરફથી ઈતિહાસનાં અધ્યાપિકા પ્રો. ડો. વિદ્યાસાગર નેગિ ઉપસ્થિત રહ્યાં હતાં. આમંત્રિતોને મેન્ડેલ તેનસુમે શ્વેત દુપટ્ટો પહેરાવી સ્વાગત કર્યું હતું. તેઓએ તિબેટી અને ભારતીય રાષ્ટ્ર ગીતોનું પણ ગાન કર્યું હતું અને તિબેટનો 'રાષ્ટ્રધ્વજ' પણ લહેરાવ્યો હતો.
આ સમયે ઉપસ્થિત રહેલા તિબેટીયન બૌદ્ધ ધર્મગુરૂ વાંગ્યેલ લામાએ પત્રકારોને કહ્યું હતું કે, 'જ્યાં જ્યાં વિશ્વભરમાં તિબેટીઓ વસતા હશે, ત્યાં ત્યાં પરમ પૂજ્ય દલાઈ લામાને મળેલા નોબેલ શાંતિ પારિતોષિકની ઉજવણી થઈ હશે.' મહામહીમનો તે વિશ્વને એક જ સંદેશો છે, અત્યારે વિશ્વને શાંતિ અને સુખની જરૂર છે. અમો મહામહીમનો તે સંદેશો વિશ્વભરમાં પ્રસારી રહ્યા છીએ.








