તિયાનમેન નરસંહાર: અનેક લોકોને મારી નાખ્યા! પાપનો ભાગીદાર ન બનેલા કમાન્ડરનો 35 વર્ષ જૂનો VIDEO લીક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tiananmen Square Massacre: ચીનના ઇતિહાસના કલંકિત પ્રકરણ એવા ‘તિયાનમેન સ્ક્વેર નરસંહાર’માં નિર્દોષ લોકો પર ગોળી છોડવાનો ઇનકાર કરનાર ચીની જનરલ ઝુ કિન્ક્સિયાન (Xu Qinxian) નો એક જૂનો વિડીયો હાલમાં ઇન્ટરનેટ પર વાયરલ થયો છે. લગભગ છ કલાક લાંબા કોર્ટ માર્શલની પ્રક્રિયા દર્શાવતા આ વિડીયોમાં જનરલ ઝુને સજા સંભળાવવામાં આવે છે. વિડીયોમાં ઝુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, તેમણે સરકારનો વિરોધ કરી રહેલા લોકો પર ગોળી ચલાવવાના આદેશનો ઇનકાર અંતરાત્મા અને વ્યાવસાયિક જવાબદારીના આધારે કર્યો હતો. તેમના મતે, જે કમાન્ડર નાગરિકો પર ગોળી ચલાવશે, તે ‘ઇતિહાસમાં પાપી’ તરીકે ઓળખાશે. માનવઇતિહાસના એ કાળા પ્રકરણ પર પ્રકાશ પાડતો આ વિડીયો વિશ્વભરમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયો છે.
તિયાનમેન સ્ક્વેર: ચીનના ઇતિહાસનું લોહિયાળ પ્રકરણ, 10 હજાર લોકોને કચડી માર્યા
1989ના વસંતકાળમાં બેઇજિંગનું તિયાનમેન સ્ક્વેર લોકશાહી, પારદર્શિતા અને રાજકીય સુધારાની માંગ કરતા હજારો વિદ્યાર્થીઓ અને નાગરિકોથી ભરાઈ ગયું હતું. અઠવાડિયાઓ સુધી ચાલેલું શાંતિપૂર્ણ પ્રદર્શન ‘ચીની કોમ્યુનિસ્ટ પાર્ટી’ (CCP) માટે ગંભીર પડકાર બની ગયું હતું. પાર્ટીના નેતૃત્વને આશંકા હતી કે આ ચળવળ પાર્ટીની સત્તાને હચમચાવી શકે છે.
3 અને 4 જૂન 1989ની રાત્રે, તત્કાલીન સર્વોચ્ચ નેતા ડેંગ ઝિયાઓપિંગના આદેશથી ચીની સૈન્ય ‘પીપલ્સ લિબરેશન આર્મી’ (PLA)ને બેઇજિંગમાં ઉતારવામાં આવ્યું. સૈનિકોએ નિર્દયતાપૂર્વક ગોળીબાર કર્યો. સત્તાવાર આંકડાઓ મુજબ આશરે 300 લોકો માર્યા ગયા, પરંતુ સ્વતંત્ર સંશોધકો અને પ્રત્યક્ષદર્શીઓના મતે મૃત્યુઆંક દસ હજાર જેટલા લોકો માર્યા ગયા હતા.
નરસંહારની ઓળખ બની ગઈ એક તસવીર
આ લોહિયાળ પ્રકરણ ‘તિઆનમેન સ્ક્વેર નરસંહાર’ તરીકે ઓળખાયું અને વિશ્વભરમાં એની ટીકા થઈ. હરોળબંધ ઊભેલી લશ્કરી ટેન્કો સામે એક વિરોધકર્તા અડગપણે ઊભો હોય એવી તસવીર ‘ટેન્ક મેન’ તરીકે આખી દુનિયાના મીડિયામાં છપાઈ ગઈ. એક રીતે કહીએ તો એ તસવીર જ આ નરસંહારની ઓળખ બની ગઈ.

શરમજનક પ્રકરણ આજે પણ સેન્સરશિપ હેઠળ છે
આ પ્રકરણ આજ સુધી ચીનમાં કડક સેન્સરશિપ હેઠળ છે. તિઆનમેન સ્ક્વેર નરસંહાર અંગે ખુલ્લેઆમ વાત કરવી અથવા તેની વિગતો જાહેર કરવી ચીનમાં ગુનાસમાન ગણાય છે. ચીની સરકાર આ ઘટનાને ‘1989ની રાજકીય અશાંતિ’ તરીકે ઓળખે છે અને તેને નરસંહાર કહેવું, તેના પર લેખ લખવો, સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવી કે સ્મૃતિસભા યોજવા જેવી પ્રવૃત્તિઓને કડક રીતે સેન્સર કરવામાં આવે છે. આવા પ્રયાસોને ‘સત્તા સામે પ્રવૃત્તિ’, ‘અફવા ફેલાવવી’ અથવા ‘સામાજિક અસ્થિરતા ઊભી કરવી’ જેવા વ્યાપક કાયદાઓ હેઠળ દબાવવામાં આવે છે. એના પરિણામ સ્વરૂપ પોલીસ પૂછપરછ, નજરબંધી, નોકરી ગુમાવવી કે જેલની સજા સુધીની કાર્યવાહી થઈ શકે છે. તેથી તિયાનમેનની ઘટના આજ સુધી ચીનમાં દબાયેલો અને બોલવા અયોગ્ય વિષય બની રહી છે.
એક અસામાન્ય ઇનકાર: જનરલ ઝુ કિન્ક્સિયાન કોણ હતા?
જનરલ ઝુ કિન્ક્સિયાન પીપલ્સ લિબરેશન આર્મીની પ્રતિષ્ઠિત 38મી ગ્રુપ આર્મીના કમાન્ડર હતા. આ યુનિટ ચીનની સૌથી વિશ્વસનીય અને શક્તિશાળી લશ્કરી રચનાઓમાં ગણાતી. 1989માં, જ્યારે માર્શલ લો લાગુ કરવાનો અને સૈનિકોને તિયાનમેન સ્ક્વેર તરફ મોકલવાનો આદેશ આવ્યો, ત્યારે ઝુએ આ આદેશ માનવાનો ઇનકાર કર્યો. ઝુનું કહેવું હતું કે, આ એક રાજકીય અને સામાજિક સમસ્યા છે, જેને ગોળીબારથી નહીં પરંતુ સંવાદથી ઉકેલવી જોઈએ. નાગરિકો સામે સૈનિકો ઉતારવાથી રક્તપાત થશે અને ગોળીબાર કરનાર ઇતિહાસમાં પાપી તરીકે યાદ કરાશે, એવી સ્પષ્ટ ચેતવણી તેમણે આપી હતી.
લીક થયેલો ટ્રાયલ વિડીયો શા માટે ઐતિહાસિક છે?
લગભગ છ કલાક લાંબા કોર્ટ માર્શલ વિડીયોમાં જનરલ ઝુનો ટ્રાયલ જોવા મળે છે. આ વિડીયો અત્યંત દુર્લભ છે, કારણ કે તે CCP અને PLAની આંતરિક પ્રક્રિયાઓ દર્શાવે છે, જે સામાન્ય રીતે સંપૂર્ણ રીતે ગુપ્ત રાખવામાં આવે છે. વિડિયોમાં ઝુ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે, તેમણે આદેશનો ઇનકાર અંતરાત્મા અને વ્યાવસાયિક જવાબદારીના આધારે કર્યો હતો.
જવાબદારીથી બચવા માટે મૌખિક આદેશો અપાયેલા
ટ્રાયલ દરમિયાન ખુલાસો થાય છે કે તિયાનમેન ખાતેની લશ્કરી કાર્યવાહી માટેના આદેશો લેખિતમાં નહીં પરંતુ મૌખિક રીતે આપવામાં આવ્યા હતા. તેનો હેતુ સ્પષ્ટ હતો— ભવિષ્યમાં કોઈ દસ્તાવેજી પુરાવો ન રહે અને જવાબદારી ટાળી શકાય. ઝુને પણ અન્ય જનરલોની જેમ વ્યક્તિગત રીતે બોલાવવામાં આવ્યા હતા, પરંતુ તેમણે નાગરિકો સામે કાર્યવાહીમાં ભાગ લેવા માટે સ્પષ્ટ અસંમતિ દર્શાવી હતી. તેમણે કહ્યું કે, જો સૈનિકોને ઉતારવા જ હોય, તો તેમને શહેરની બહાર મર્યાદિત સંખ્યામાં રાખવા જોઈએ, ન કે સીધા નાગરિકો સામે.
ઝુએ ઉઠાવેલો મહત્ત્વપૂર્ણ પ્રશ્ન- લશ્કર પક્ષનું કે રાષ્ટ્રનું?
ટ્રાયલનું સૌથી મહત્ત્વપૂર્ણ પાસું એ છે કે, ઝુએ PLAની ભૂમિકા પર મૂળભૂત પ્રશ્ન ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, લશ્કર ફક્ત CCPને નહીં, પરંતુ રાષ્ટ્ર અને બંધારણીય સત્તાને પણ જવાબદાર હોવું જોઈએ. તેમના મતે, માર્શલ લો જેવા ગંભીર નિર્ણયો માત્ર સેન્ટ્રલ મિલિટરી કમિશન દ્વારા નહીં, પરંતુ નેશનલ પીપલ્સ કોંગ્રેસ જેવી વિધાનસભા દ્વારા ચર્ચા કરીને લેવાં જોઈએ. આ વિચાર CCP માટે અત્યંત અસ્વીકાર્ય હતો.

ઇનકારની કિંમત કોર્ટ માર્શલ અને જેલવાસ વડે ચૂકવી
બંધ દરવાજા પાછળ, કોઈ દર્શકો વિના ચાલેલા કોર્ટ માર્શલમાં ઝુને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી. તેમની નોકરી છીનવી લેવાઈ. તેમને જીવનભર બેઇજિંગથી દૂર રાખવામાં આવ્યા. 2021માં 85 વર્ષની વયે તેમનું અવસાન થયું. રહી રહીને દુનિયાએ એમની નોંધ લીધી— એક એવા માણસ તરીકે, જેમણે સત્તા સામે અંતરાત્માનો પક્ષ લીધો હતો.
વિડીયોના મહત્ત્વ બાબતે ઇતિહાસકારો શું કહે છે?
અમેરિકન યુનિવર્સિટીના ચીન-નિષ્ણાત જોસેફ ટોરિજિયનના મતે, આ વિડીયો બતાવે છે કે તિયાનમેન નરસંહાર સમયે લશ્કરમાં પણ એકસમાન વિચારધારા નહોતી. ઘણા અધિકારીઓ માનતા હતા કે વિદ્યાર્થીઓ સાથે સંવાદનો વિકલ્પ હજી ખુલ્લો હતો.
તિયાનમેન આંદોલનના નેતા ઝોઉ ફેંગસુઓ કહે છે કે, જનરલ ઝુના ઇનકાર વિશે ચીનમાં વર્ષોથી વાતો થતી રહી છે. આ વિડીયો એ વાતોને સાચી સાબિત કરે છે. એ સમયની કોઈ વ્યક્તિનો સ્પષ્ટ દૃષ્ટિકોણ સામે આવ્યો હોય એવું પહેલીવાર બન્યું છે.
તિયાનમેન પછીનું ચીન: સત્તાનો કડપ વધ્યો
તિઆનમેન હત્યાકાંડ બાદ CCPએ PLA પર પોતાની પકડ વધુ મજબૂત કરી. ખુલ્લેઆમ જાહેર કરવામાં આવ્યું કે લશ્કર પક્ષનું છે, રાષ્ટ્રનું નહીં. તાજેતરના વર્ષોમાં રાષ્ટ્રપતિ શી જિનપિંગ દ્વારા ઘણા વરિષ્ઠ લશ્કરી અધિકારીઓને દૂર કરવામાં આવ્યા છે, જે દર્શાવે છે કે CCP માટે લશ્કરની વફાદારી હજી પણ સૌથી સંવેદનશીલ મુદ્દો છે.

દબાયેલો અવાજ, જીવંત સત્ય
જનરલ ઝુ કિન્ક્સિયાનની અડગતાની કહાણી તિયાનમેન હત્યાકાંડના ઢાંકી દેવાયેલા ઇતિહાસમાં એક માનવીય ચીરો પાડે છે. તેમણે સાબિત કર્યું કે, ઉગ્ર સત્તા-વ્યવસ્થામાં પણ અંતરાત્માનો અવાજ સંપૂર્ણપણે મરતો નથી. લીક થયેલો આ વિડીયો માત્ર એક ટ્રાયલ નથી, તે સત્ય અને માનવતાના સંઘર્ષનો જીવંત દસ્તાવેજ છે.
તસવીરો : વિકિપીડિયા









