દક્ષિણ જર્મનીમાં ટ્રેઇન ડીરેલ થતાં ત્રણનાં મૃત્યુ અનેકને ઈજા : કેટલીક બોગીઓ આડી પડી ગઈ
- બાવેરિયાનાં મુખ્ય શહેર મ્યુનિચથી 158 કી.મી. પશ્ચિમે રીડલિંગનથી થોડે દૂર વન વિસ્તારમાં બનેલી આ દુર્ઘટના વિષે તપાસ હાથ ધરાઈ રહી છે
મ્યુનિચ : દક્ષિણ જર્મનીમાં બાવેરિયા રાજ્યનાં મુખ્ય શહેર મ્યુનિચથી આશરે ૧૫૮ કી.મી. પશ્ચિમે રહેલાં રીડ-લિંગન નજીકના વનવિસ્તારમાં એક પેસેન્જર ટ્રેઈન ખડી પડતા ત્રણનાં મૃત્યુ થયા છે, અનેકને ઈજાઓ થઈ છે.
પ્રાપ્ય માહિતી પ્રમાણે તે ટ્રેનમાં ૧૦૦થી વધુ પ્રવાસીઓ પ્રવાસ કરી રહ્યાં હતાં.
આ માહિતી મળતાં ઝડપભેર બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી અને બચાવ કર્મીઓ આડા પડી ગયેલા ડબ્બાઓમાંથી અન્ય પ્રવાસીઓને બહાર ખેંચી રહ્યા હતા.
જર્મનીના વડાપ્રધાન ફ્રેડ્રિક મર્ઝે સોશ્યલ પ્લેટફોર્મ 'ટ' ઉપર મૃતકો પ્રત્યે શોક દર્શાવ્યો હતો, અને તેઓનાં કુટુમ્બીજનોને આશ્વસ્ત કર્યા હતા.
આ અકસ્માતનું કારણ હજી જાણવા મળ્યું નથી, પરંતુ તેવું અનુમાન બંધાઈ રહ્યું છે કે, આગળની રાત્રીએ આ વિસ્તારમાં ફરી વળેલાં ભયંકર વાવાઝોડાંને લીધે પણ ટ્રેનના પાટા લપસણા થઈ ગયા હોઈ શકે અને તેથી ડબ્બાઓ ખડી પડયા હશે, તેથી આજે સવારે (રવિવારે સવારે) આ દુર્ઘટના બની હશે. આમ છતાં ખરૃં કારણ શું હશે ? તે શોધવા તપાસ ચાલી રહી છે.
આ ટ્રેન જર્મનીના સૌથી મોટા ટ્રેન ઓપરેટર 'ડયુશ-બાન' ચલાવે છે. તેણે એક નિવેદન પ્રસિધ્ધ કરી જણાવ્યું હતું કે તેઓ તપાસમાં પૂરેપૂરો સાથ આપી રહ્યાં છે. આ સાથે કંપનીએ માર્યા ગયેલાઓ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું એવું મનાય છે કે મૃતકોના પરિવારજનોનો તેમજ ઈજાગ્રસ્તોને સરકાર તેમજ ટ્રેન કંપની આર્થિક સહાય તો આપશે જ.