Get The App

ભારત-પાકિસ્તાન સાથે વેપાર નહીં કરવાની ધમકી આપી પરમાણુ યુદ્ધ અટકાવ્યું : ટ્રમ્પ

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
ભારત-પાકિસ્તાન સાથે વેપાર નહીં કરવાની ધમકી આપી પરમાણુ યુદ્ધ અટકાવ્યું : ટ્રમ્પ 1 - image


- વેપારનો ઉપયોગ કોઈએ કલ્પ્યો નહીં તે રીતે મેં કર્યો

- વિદેશ પ્રધાન રૂબિયોનો દાવો : બંને દેશને વિવાદનો ઉકેલ લાવવા તટસ્થ દેશમાં વાતચીત કરવા તૈયાર કર્યા

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું પરમાણુ યુદ્ધ તેમણે રોકાવ્યો છે. તેમણે બંને દેશને વેપાર બંધ કરવાની ધમકી આપીને પરમાણુ યુદ્ધ રોકાવ્યું છે. આમ તેમણે વેપારનો ઉપયોગ કૂટનીતિક શસ્ત્ર તરીકે કર્યો છે. આ યુદ્ધને રોકવા બદલ તેમને પોતાના પર ગર્વ પણ છે. તેની સાથે ટ્રમ્પે જણાવ્યું હતું કે અમે બંને દેશો સાથે વેપાર વધારવાની દિશામાં કામ કરીશું. 

ટ્રમ્પે એક પત્રકાર પરિષદ દરમિયાન જણાવ્યું હતું કે મારા વહીવટીતંત્રએ શનિવારે ભારત-પાક વચ્ચે એક પૂર્ણ અને તત્કાલીન યુદ્ધવિરામ કરાવ્યો. મને લાગે છે કે આ કાયમી રહેશે બંને દેશ પાસે ઘણા બધા પરમાણુ શસ્ત્રો છે અને આ એક ખતરનાક ટકરાવની સ્થિતિ હતી. અમે તેને રોકી. ટ્રમ્પે એમ પણ જણાવ્યું હતું કે તેમણે વેપારને દબાણ તરીકે અપનાવ્યું.

ટ્રમ્પે જણાવ્યું હતું કે અમેરિકાએ ભારત-પાક. વચ્ચે શાંતિ સ્થાપિત કરવામાં મહત્ત્વની ભૂમિકા નીભાવી. તેમણે જણાવ્યું હતું કે જો તમે બંને દેશ યુદ્ધ જારી રાખશો તો અમે તમારી સાથે વેપાર નહીં કરીએ અને જો યુદ્ધ બંધ કરશો તો અમે તમારી સાથે વેપાર કરીશું. અમારી આ ધમકી કે દબાણ કામ કરી ગયું. ટ્રમ્પે દાવો કર્યો કે કોઈએ કારોબારનો ઉપયોગ આ રીતે નહીં કર્યો હોય જેવી રીતે મેં કર્યો. હાલમાં ભારત અને અમેરિકા વચ્ચે વર્ષે ૧૦૦ અબજ ડોલરથી પણ વધુ રકમનો કારોબાર છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે આ પહેલા પણ ભારત-પાકિસ્તાન વચ્ચે મધ્યસ્થીનો દાવો કર્યો હતો, તેને ભારતે ફગાવી દીધો હતો. ટ્રમ્પે ઘણી વખત તેના ઉતાવળિયા અભિગમના કારણે વિશ્વસ્તરે નીચા જોણું અનુભવવું પડયું છે. આ યુદ્ધવિરામ થયો છે એટલું જ નહીં અમેરિકન વિદેશ પ્રધાન માર્કો રૂબિયોએ તો ત્યાં સુધી જણાવી દીધું છે કે બને દેશ કોઈ તટસ્થ દેશમાં બેસીને વિવાદો પર વાતચીત કરશે. જો કે ભારતે સ્પષ્ટ કરી દીધું છે કે આ યુદ્ધવિરામમાં કોઈ ત્રીજા દેશની ભૂમિકા નથી. 

Tags :