World

ઈન્ડોનેશિયામાં જવાળામુખી ફાટવાથી હજારોનું સ્થળાંતર, ઉડ્ડયનો રદ

By GS TEAM
19 Jun 20252 mins read
ઈન્ડોનેશિયામાં જવાળામુખી ફાટવાથી હજારોનું સ્થળાંતર, ઉડ્ડયનો રદ

- ડેન્જર ઝોનની બહાર અનેક સ્થળોએ રાખ અને કાટમાળના ઢગલા

લેમ્બાટા(ઈન્ડોનેશિયા) : ઈન્ડોનેશિયાનો જવાળામુખી માઉન્ટ લેવોટોબિ લાકિ લાકિ ધુમાડાના ગોટેગોટા સાથે બુધવારે ફરીથી ફાટતા રાખના ઢગલા થઈ ગયા હતા. જવાળામુખી ફાટતા ગામોને ખાલી કરવા પડયા તથા બાલિના રિસોર્ટ ટાપુ ખાતે જતી-આવતી ફલાઈટો સાથેના વિમાન-ઉડ્ડયનો રદ કરવા પડયા.

અગાઉ કેટલીક વાર જવાળામુખી ફાટતા મંગળવાર સાંજથી બુધવાર બપોર પછીના સમયગાળામાં આકાશમાં ૫૦૦૦ મીટર ઊંચે સુધી રાખ ઊડતી રહી હતી. મંગળવારે બપોર પછી ફાટેલા જવાળામુખીના પરિણામે આકાશમાં ૧૦,૦૦૦ મીટરની ઊંચાઈએ રાખના જાડા વાદળો રચાઈ ગયા હતા. એ વિશાળ થઈને બિલાડીના ટોપના આકારવાળા રાખના વાદળ બની રહ્યા હતા, જે ૧૫૦ કિલોમીટરના અંતરેથી જોઈ શકાતા હતા.

મંગળવારે જવાળામુખી ફાટવા સંબંધી એલર્ટ મહત્તમ તીવ્રતા સાથે જારી કરાયું હતું. એ વખતે લોકોને જે સ્થળ છોડી દેવા માટે ભલામણ કરવામાં આવે છે એ જોખમી સ્થળ, જવાળામુખીના મુખથી આઠ કિલોમીટરના વિસ્તારમાં પથરાયું હતું. 

અધિકારીઓ, જવાળામુખી ફાટવાથી પડતા પત્થરોથી બચવા માટે, જવાળામુખીના મુખથી ૭ કિલોમીટરના અંતરે આવેલી માઉન્ટ લેવોટોબિ લાકિ લાકિની મોનિટરિંગ પોસ્ટથી પણ સ્થળાંતર કરી ગયા. દુર્ઘટનામાં કોઈનું મોત થયું નથી. 

રાખ અને કાટમાળ જોખમી ઝોનની બહાર અનેક સ્થળોએ વેરાયા, જેમાં બોરુ, હેવા અને વાટોબુકુના ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. બુરા પેટા જિલ્લાના કેટલાક નાગરિકો જવાળામુખી ફાટવાની અસરથી બચવા માટે કોન્ગાની સ્થળાંતર માટેની જગ્યાઓએ જતા રહ્યા, એમ નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એજન્સીએ કહ્યું.

રિસોર્ટ ટાપુ બાલિને, ભારત, ચીન, ઓસ્ટ્રેલિયા તથા મલેશિયાના શહેરો સાથે જોડતા ડઝનબંધી ઉડ્ડયનોને બુધવારે રદ કરાયા છે. જવાળામુખીની રાખથી વિમાનના એન્જિન સામે જોખમ ઊભું થઈ શકે છે.