આ છે વિશ્વની સૌથી મોંઘી શક્કરટેટી, એક નંગની કિંમત 15 લાખથી વધુ
ટોક્યો, તા. 10 એપ્રિલ 2023 સોમવાર
ગરમીની ઋતુમાં તરબૂચ અને શક્કરટેટી દરેક ઘરમાં ખૂબ ખવાય છે, પરંતુ આ શક્કરટેટી વિશ્વનું સૌથી મોંઘુ ફળ છે. આ શક્કરટેટીને લોકો જાપાની તરબૂચ Yubari King નામથી ઓળખે છે. આ હોક્કાઈડો દ્વીપસમૂહમાં ઉગાડવામાં આવે છે અને આની કિંમત ઘણા હજાર ડોલરમાં હોય છે. આ ફળ ખાસ કરીને પોતાના મીઠા સ્વાદ, ઓછા બી અને ફીક્કી સુગંધ માટે ઓળખાય છે. આ ફળનું ઓછુ ઉત્પાદન તેને મોંઘુ બનાવે છે. યુબારી કિંગ શક્કરટેટી માત્ર જાપાનના હોક્કાઈડો દ્વીપસમૂહમાં જ ઉગાડવામાં આવે છે અને આનું મોટા પાયે ઉત્પાદન કરવામાં આવતુ નથી જેના કારણે આની કિંમત ખૂબ વધુ હોય છે.
યુબારી કિંગ શક્કરટેટીની કિંમત અલગ-અલગ દુકાનોમાં અલગ-અલગ હોય છે પરંતુ વર્ષ 2019માં ટેસ્ટ એટલાસે પોતાના એક રિપોર્ટમાં જણાવ્યુ હતુ કે બે જાપાની શક્કરટેટી 42,450 અમેરિકી ડોલરમાં વેચાયા હતા. આજના સમયમાં ભારતીય રૂપિયા મુજબ તે 34 લાખની પાર પહોંચી જાય. યુબારી કિંગ શક્કરટેટીનું ઉત્પાદન ઓક્ટોબરથી માર્ચ સુધી થાય છે અને તેની ખેતી માટે ખાસ પ્રકારની ટેકનિકનો ઉપયોગ કરવામાં આવે છે. ઉત્પાદન દરમિયાન ફળોના આકાર અને તેના રસના પ્રમાણને નિયંત્રિત કરવા માટે ખાસ ધ્યાન આપવામાં આવે છે. આ સિવાય યુબારી કિંગ શક્કરટેટીના ઉત્પાદન માટે ખાસ ખાતરનો પણ ઉપયોગ કરવામાં આવે છે.
આ ફળની ખાસિયત શું છે
યુબારી કિંગ શક્કરટેટીની ખાસિયતોમાંની એક એ છે કે આ ફળ અત્યંત સંક્રમણ રોધી હોય છે જે આને સુરક્ષિત બનાવે છે. આ સિવાય, આ ફળમાં ખૂબ ખનીજ તત્વો અને વિટામિન હોય છે. જેમ કે વિટામિન સી, વિટામિન એ, પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ વગેરે. આ ફળની કિંમતના કારણે આને સામાન્ય માણસ ખાઈ શકતા નથી. સમગ્ર દુનિયામાં આને ખરીદનાર અમુક જ ગ્રાહક છે.