World

ઇરાનની ન્યુકલિયર સાઇટ પર ઇઝરાયેલના હુમલાની આ અરબ દેશે કરી ટીકા, ગંભીર પરિણામ ભોગવવા પડશે

By GS TEAM
17 Jun 20252 mins read
ઇરાનની ન્યુકલિયર સાઇટ પર ઇઝરાયેલના હુમલાની  આ અરબ દેશે કરી ટીકા, ગંભીર પરિણામ ભોગવવા પડશે

તેલઅવીવ,૧૭ જૂન,૨૦૨૫,મંગળવાર 

ઇઝરાયેલ અને ઇરાન વચ્ચે છેલ્લા ૪ દિવસથી ભીષણ જંગ ચાલે છે જેમાં ઇઝરાયેલે ઇરાનના પરમાણુ સ્થળો પર કરેલા હુમલાની  અરબ દેશ કતારે ટીકા કરી છે. કતારના વિદેશમંત્રાલયના પ્રવકતા માજિદ અલ અંસારી તરફથી એક નિવેદન બહાર પાડવામાં આવ્યું છે જેમાં ઇઝરાયેલના હુમલાને વગર વિચાર્યુ પગલું ગણાવીને આના ગંભીર પરિણામ ભોગવવા પડશે એવી ચેતવણી આપી છે. 

કતારના વિદેશ મંત્રાલયના પ્રવકતાએ ઉમેર્યુ હતું કે પોતાનો દેશ આ ત્રાસદીના અંત માટે બધા જ પક્ષો સાથે વાતચિત કરી રહયો છે એટલું જ નહી કતાર ખાડી દેશોમાંથી પ્રસરવાની શકયતા ધરાવતા રેડિએશન પર પણ ધ્યાન રાખી રહયું છે. ઇઝરાયેલી સેનાએ જાણકારી આપી છે કે ઇરાન તરફથી અત્યાર સુધી અંદાજે ૪૦૦ જેટલી મિસાઇલો વડે ઇઝરાયેલ પર છોડવામાં આવી છે. આ ઉપરાંત સેંકડો ડોન પણ રવાના કરવામાં આવ્યા છે. જો કે છેલ્લા કેટલાક કલાકોથી ઇરાની હુમલાની ગતિમાં ઘટાડો થયો છે. 

પરમાણુ સ્થળો પર હુમલાની યુએનની પરમાણુ એજન્સીએ પુષ્ટી કરી

ઇઝરાયેલના મિસાઇલ હુમલાથી ઇરાનના નતાંજ શહેરમાં પરમાણુ કાર્યક્રમના જમીનની અંદર રહેલા એકમોને પણ અસર થઇ છે આ વાતની યુએનની પરમાણુ એજન્સીએ પુષ્ટી કરી છે. આંતરરાષ્ટ્રીય પરમાણુ ઉર્જા એજન્સી એટલે કે આઇએઇએ પોતાના એકસ એકાઉન્ટ પર લખ્યું હતું કે સારી ગુણવત્તાવાળી તસ્વીરોનું સતત પૃથ્થકરણ કરતા કેટલોક અંદાજ આવે છે કે નતાંજના જે હોલમાં પરમાણુ સંવર્ધન કરવામાં આવતું હતું તેને સીધી અસર થઇ છે. ઇઝરાયેલી હુમલામાં ૧૫૦૦૦ સેન્ટ્રીફયૂઝનો નાશ થયો છે આથી  ઇરાનનું પરમાણુ બોંબ તૈયાર કરવાનું સપનું વર્ષો સુધી પાછળ રહી ગયું છે. 

ઇઝરાયેલી હુમલામાં ૧૫૦૦૦ સેન્ટ્રીફયૂજનો નાશ 

નતાંજ પરમાણુ પ્લાન્ટમાં સંચાલિત ૧૫૦૦૦ સેન્ટ્રીફયૂજ ઇઝરાયેલી હુમલામાં વીજળી કટોકટીના લીધે અત્યંત ક્ષતિગ્રસ્ત થયા છે અથવા તો નાશ પાંમ્યા છે. નતાંજ ઇરાનના પરમાણુ કાર્યક્રમનું સૌથી મોટું યૂરેનિયમ સંવર્ધન કેન્દ્ર છે. સંયત્ર રાખનારા હોલને ભલે નુકસાન થયું ના હોય પરંતુ નતાંજમાં જમીનની અંદર રાખેલા સેૈન્ટ્રી ફયૂજને ભારે નુકસાન થયું છે. સેંટ્રીફયૂઝ ખૂબજ નાજૂક અને સંતુલિત મશીન હોય છે જે અત્યંત તેજગતિએ ફરે છે. અચાનક જ વીજ પુરવઠો ખોરવાઇ જવાથી ક્ષતિગ્રસ્ત થવાનો ખતરો વધી ગયો છે.