Get The App

'પુતિન જો યુદ્ધ બંધ કરવા સંમત નહીં થાય તો તેનાં ગંભીર પરિણામો આવશે :' : ટ્રમ્પ

Updated: Aug 14th, 2025

GS TEAM

Google News
Google News
'પુતિન જો યુદ્ધ બંધ કરવા સંમત નહીં થાય તો તેનાં ગંભીર પરિણામો આવશે :' : ટ્રમ્પ 1 - image

- મંત્રણા પૂર્વે પુતિન ઠાલી ધમકીઓ આપ્યા કરે છે : ઝેલેન્સ્કી શુક્રવારની મંત્રણા પૂર્વે ટ્રમ્પે યુરોપીય નેતાઓ સાથે વર્ચ્યુઅલ ચર્ચા કરી

વોશિંગ્ટન : પ્રમુખ ટ્રમ્પે બુધવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જો પ્રમુખ પુતિન યુદ્ધ બંધ કરવા સંમત નથી થાય, તો તેના ગંભીર પરિણામો આવશે.

તે સર્વવિદિત છે કે પ્રમુખ ટ્રમ્પ, પ્રમુખ પુતિનને આલાસ્કામાં શુક્રવારે મળવાના છે. જેમાં યુક્રેન-યુદ્ધ બંધ કરવા વિષે ચર્ચા થવાની છે. પછીથી તે ચર્ચામાં યુક્રેનના પ્રમુખ ઝેલેન્સ્કી પણ જોડાવા સંભવ છે.

આ મીટીંગ પૂર્વે પ્રમુખ ટ્રમ્પે યુરોપીય સંઘના નેતાઓ સાથે વર્ચ્યુઅલ મીટીંગ યોજી હતી. જેમાં સૌથી વધુ સમય સુધી તેઓએ ફ્રાંસના પ્રમુખ ઇમેન્યુઅલ મેક્રોં સાથે વાતચીત કરી હતી.

તારીખ ૧૫મી ઓગષ્ટ અને શુક્રવારે આલાસ્કામાં યોજાનારી આ મીટીંગ પૂર્વે પ્રમુખ ટ્રમ્પે આપેલી કેટલીક કડક ચેતવણીઓ માટે ઝેલેન્સ્કીએ કહ્યું હતું કે, તે ઠાલી ધમકીઓ છે.' તેઓએ વધુમાં કહ્યું યુક્રેનના દરેક ક્ષેત્ર ઉપરના ફ્રન્ટે પુતિન દબાણ વધારી રહ્યા છે. વળી પુતિન કહે છે કે રશિયા ઉપર મુકવામાં આવેલા પ્રતિબંધોની કોઈ અસર નથી. તે તેમના ખોટા ફાંકા છે. વાસ્તવમાં તે પ્રતિબંધોની રશિયા ઉપર ગંભીર અસર થઈ રહી છે, તેનું અર્થતંત્ર નબળું પડી ગયું છે.

તેઓ જે કહે તે, પરંતુ એક વાત નિશ્ચિત છે કે, દુનિયાભરના દેશોની આ મંત્રણા ઉપર નજર મંડાઈ રહી છે. સાથે વિશ્વના અગ્રીમ નેતાઓ અને વિચારકો ચિંતામાં છે કે, પુતિન જો યુદ્ધ બંધ કરવા સંમત નહિ થાય તો ટ્રમ્પ રશિયા સામે કેવા પગલા લેશે તે કહી શકાય તેમ નથી. કારણ કે ટ્રમ્પ તેમના પહેલા શાસન કાળમાં પણ સતત ગૂઢ રહ્યા હતા. તેવી જ રીતે આ વખતે પણ ગૂઢ જ રહ્યા છે. તેઓ તેમના મન-કી-બાત જાહેર કરતા જ નથી.