યુક્રેનમાં આક્રમણ નથી કરાયું : તે કીવમાં થયેલા અંતર-વિપ્લવનું પરિણામ છે : પ્રમુખ વ્લાદીમીર પુતિન

- આ અંતર-વિપ્લવ યુક્રેનના પશ્ચિમના સાથીઓના પ્રોત્સાહનથી થયો છે : SCO, યુરો સેન્ટ્રિક કે યુરો એટલાંટિક સિક્યુરિટીનાં સ્થાને યુરેશિયા-સેન્ટ્રિક સિક્યુરિટી સ્થાપવા માગે છે
તિયાનજિન, (ચીન) : યુક્રેન કટોકટી ઉકેલવા માટે ભારત અને ચીન દ્વારા કરાતા પ્રયાસોની પ્રશંસા કરતા રશિયાનાં પ્રમુખ પુતિને કહ્યું હતું કે, અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેઓની વચ્ચે આલાસ્કામાં થયેલી વાતચીત વિષે તેઓ (એસ.સી.ઓ.ના) નેતાઓને જણાવશે જ.
યુક્રેન યુદ્ધ વિષે તેઓએ કહ્યું કે તે યુદ્ધ આક્રમણને લીધે શરૂ નથી થયું પરંતુ પશ્ચિમના દેશોના સમર્થનથી કીવમાં થયેલા 'કૂ-દ-એતેન' (અંતર વિપ્લવ)ને લીધે થયું છે.
રશિયાના પ્રમુખે વધુમાં કહ્યું કે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે આલાસ્કામાં થયેલી સમજૂતીએ યુક્રેનમાં શાંતિ સ્થાપવાનો માર્ગ ખોલી આપ્યો છે.
આ સાથે તેઓએ વધુમાં કહ્યું હવે નવી યુરેશિયન-સિક્યુરિટી-સિસ્ટીમ સ્થાપવાની જરૂર છે, જે 'યુરો-સેન્ટ્રિક' અને 'યુરો-એટલાંટિક સિક્યુરિટી સીસ્ટીમ'નું સ્થાન લઈ શકે.
પુતિને આગળ કહ્યું કે, 'અંતર-રાષ્ટ્રીય પ્રશ્નો ઉકેલવાની દિશામાં એસ.સી.ઓ. તેનો પ્રભાવ દર્શાવી રહ્યું છે. રાષ્ટ્રીય ચલણો એસ.સી.ઓ.ના સભ્યો પારસ્પરિક વ્યવહારમાં વાપરી રહ્યા છે, એસ.સી.ઓ. દેશોમાં વિકાસની ગતિ પણ વેગ પકડી રહી છે.'
આ પૂર્વે ચીનના પ્રમુખ શી જિનપિંગે એસ.સી.ઓ.ની આ ૨૫મી પરિષદમાં પોતાનાં વક્તવ્યમાં સમાનતા અને ન્યાયને સમર્થન આપવાનું કહેતા જણાવ્યું હતું કે, 'દ્વિતીય વિશ્વયુદ્ધ' પછી શરૂ થયેલાં 'શીત-યુદ્ધ' સમયની માનસિકતા છોડી દેવી જોઈએ. તેમજ જૂથો રચી જૂથો વચ્ચેના સંઘર્ષ તથા દાદાગીરી કરવાની પદ્ધતિ પણ છોડી દેવી જોઈએ.
ટ્રમ્પે રચેલા વેપાર અંગેના નિયમો (ટેરિફ વગેરે)ને લીધે એસ.સી.ઓ.ના નેતાઓ નજીક આવી રહ્યા છે સાથે બહુધુ્રવીય વિશ્વ વ્યવસ્થા માટે અનુરોધ કરી રહ્યાં છે.
આ એસ.સી.ઓ. પરિષદ પૂર્વે વડાપ્રધાન મોદીએ પ્રમુખ પુતિન અને પ્રમુખ શી-જિનપિંગ સાથે યોજેલી વાતચીતનો વિડીયો વાયરલ કર્યો હતો. તેમાં એ પુતિન સાથેની તેમની 'બિરાદરી' સ્પષ્ટ દેખાતી હતી.
પુતિનની આ ઉક્તિઓ વ્હાઇટ હાઉસના સહાયક પીટરનેવેશેવના તે કથનને પરાસ્ત કરે છે કે જેમાં તેઓએ કહ્યું હતું કે, 'યુક્રેન યુદ્ધ વાસ્તવમાં મોદીનું યુદ્ધ છે. તેઓ તો ક્રેમ્બીનનાં પાપ ધોઈ રહ્યા છે.' આ દ્વારા તેઓએ ભારતીય ચીજવસ્તુઓ ઉપર ટ્રમ્પે લાદેલા ૫૦ ટકા જેટલા આયાત કર (ટેરિફ)નો બચાવ કર્યો હતો. આ સાથે ભારત દ્વારા રશિયાનું ક્રૂડ ખરીદી તેને પૈસા આપી યુક્રેન યુદ્ધમાં રશિયાને સીધી સહાય કરવાનો મોદી પર આક્ષેપ મુકતા કહ્યું હતું કે, આ કારણસર જ અમેરિકાને યુક્રેનને વધુ સહાય કરવી પડે છે. તેથી તે 'મોદીનાં યુદ્ધ' માટે અમેરિકાના ટેક્ષ-પેયર્સને વધુને વધુ ટેક્ષ ભરવો પડે છે.








