હિંદ મહાસાગરમાં 1 હજાર વર્ષ પહેલાં ભયાનક સુનામી આવ્યું હતું
- અંદાજે ૧.૫ મીટર ઉંડી એક રેતની પરત નીચે માનવ અવશેષો જોવા મળ્યા હતા
- રેડિયો કાર્બન ડેટિંગથી સુનામીની ઘટનાનો સમય નકકી થયો આફ્રિકી તટ પર તાંઝાનિયામાં સુનામીએ કાળો કેર વરતાવ્યો હતો
ડોડોમા, તા. 30 મે 2020, શનિવાર
હિંદ મહાસાગરમાં ભૂકંપ,સુનામી અને વાવાઝોડા સમયાંતરે આવતા રહે છે. ૨૦૦૪માં આવેલું સુનામી રિકટર સ્કેલ પર ૯.૨ના ભૂકંપના કારણે આવ્યું હતું જેમાં ભારત, ઇન્ડોનેશિયા, શ્રીલંકા,થાઇલેન્ડ દેશના કુલ ૨ લાખથી વધુ લોકોના મોત થયા હતા. આ ઘટના પછી સુનામી વિજ્ઞાાન અંગે ખૂબજ શોધ અને સંશોધનો થયા છે. પૃથ્વી અને પર્યાવરણ વિજ્ઞાાન વિભાગના સહાયક પ્રોફેસર વિટોરિયો મસેલીના નેતૃત્વમાં એક સ્ટડી થયો છે જેમાં હિંદ મહાસાગરમાં ૧ હજાર વર્ષ પહેલા આવેલા ભયાનક સુનામી આવ્યું હોવાનું જણાયું હતું, સામાન્ય રીતે હિંદ મહાસાગરના સુનામીની અસર આફ્રિકી તટો પર ઓછી થતી હોય છે પરંતુ ૧૦૦૦ વર્ષ પહેલા તાંઝાનિયામાં કાળો કેર વરતાવ્યો હતો. આથી પૂર્વી આફ્રિકામાં સુનામીનો ખતરો પહેલા જેટલો વિચાર્યો હતો તેના કરતા વધારે હોઇ શકે છે. નેશનલ જિઓગ્રાફિક સંશોધકે ૨૦૧૬માં પ્રથમ વાર પૂર્વી આફ્રિકાના તટિય દેશોમાં સુનામીના સંશોધનમાં રસ લીધો હતો. ડો માસેલી જયારે ફીલ્ડ નોટ્સ પર કામ કરતા હતા ત્યારે તેમને પૂર્વીય આફ્રિકાના કાંઠા પરના દેશોમાં સુનામી અંગે સંશોધન નહી થયું હોવાનું જણાયું હતું. પુરાતત્વ વિભાગ તથા દાર એસ સલામ યૂનિવર્સિટીની મદદથી પૈગાની ચેનલની નજીક સ્થળની મુલાકાત લઇને સુનામીના સ્થળની શોધ કરી હતી. અંદાજે ૧.૫ મીટર ઉંડી એક રેતની પરત નીચે માનવ અવશેષો જોવા મળ્યા હતા. જેની પરંપરાગત રીતે દફન વિધી કે થઇ હોય એમ જણાતું ન હતું. હાડકા પર યુધ્ધ,બીમારી કે આઘાતના પણ નિશાન જોવા મળતા ન હતા. આથી આ ક્ષેત્રમાં કોઇ વિનાશકારી સુનામી જેવી ઘટના બની હોવાનું જણાયું હતું. ડો માસેલી અને તેમની ટીમે પૂરાવાઓને રેડિયો કાર્બન ડેટિંગ સાથે આ ઘટનાની સમય સીમા અને ઉંમર નકકી કરી હતી.
આ શકિતશાળી સુનામીએ આફ્રિકાના તટને ઘમરોળ્યો હતો
ઇટલીના ઇન્સ્ટીટયૂટ ઓફ મરિન સાયન્સે પણ સુનામીની લહેરોએ આ વિસ્તારને ઉજાડયો હોવાની વાતને પુષ્ટી આપી હતી. રેડિયો કાર્બનમાં સંકેત મળ્યા કે પૈગાની ખાડીની રેતની સપાટી બની તે ઘટના ૧ હજાર વર્ષ પહેલા બની હતી. આવા જ પુરાવા ભારત, ઇન્ડોનેશિયા, દક્ષિણી શ્રીલંકા અને માલદિવથી પણ મળતા હતા. ૧ હજાર વર્ષ પહેલા પશ્ચિમી અને પૂર્વી હિંદ મહાસાગરમાં સુનામીથી કેટલી જાનહાની થઇ તે જાણવા મળતું નથી પરંતુ આફ્રિકાના તટ સુધી અસર થઇ તેનો અર્થ તે ૨૦૦૪ના સુનામી કરતા પણ ઘણું શકિતશાળી હશે. આ અંગે જિઓલોજી નામની પત્રિકામાં લેખ પ્રકાશિત થયો છે.