23 લાખમાં ગોલ્ડન વિઝાની હાલ કોઇ યોજના નથી : યુએઇ
- ભારતીયો સહિતનાને વિઝાની વાત યુએઇએ ફગાવી
- ગોલ્ડન વિઝા માટે નિયમોમાં ફેરફાર કર્યા હોવાના અહેવાલોમાં કોઇ હકીકત ન હોવાની સ્પષ્ટતા
દુબઇ : યુએઇ ૨૩ લાખ રૂપિયામાં આજીવન ગોલ્ડન વિઝા આપશે તેવા અહેવાસો સામે આવ્યા હતા. જોકે હવે યુએઇના અધિકારીઓએ કહ્યું છે કે હાલ ગોલ્ડન વિઝા આપવાની સરકારની કોઇ યોજના નથી. સાથે જ ગોલ્ડન વિઝા આપશે તેવા આંતરરાષ્ટ્રીય મીડિયાના રિપોર્ટને પણ ફગાવ્યા છે.
યુએઇની ફેડરલ ઓથોરિટી આઇસીપીએ યુએઇ દ્વારા કેટલાક દેશોના નાગરિકોને આજીવન ગોલ્ડન વિઝા આપવાની વાત ફગાવી હતી. સાથે જ કહ્યું હતું કે યુએઇના તમામ ગોલ્ડન વિઝાની અરજીઓ માટેના તમામ નિયમો અગાઉથી જ કાયદામાં દર્શાવવામાં આવેલા છે. ગોલ્ડન વિઝા અંગે જે પણ લોકો જુઠા અહેવાલો ફેલાવી રહ્યા છે તેમની સામે કાયદાકીય પગલા લેવામાં આવશે. અગાઉ એવા રિપોર્ટ સામે આવ્યા હતા કે યુએઇએ પોતાના વિઝા નિયમોમાં મોટા ફેરફારો કર્યા છે. અને એક ચોક્કસ રકમમાં યુએઇ આજીવન નાગરિકતા આપી શકે છે જેને ગોલ્ડન વિઝા તરીકે ઓળખવામાં આવે છે. આ વિઝા ભારતીયોને મળશે તેવો પણ દાવો આ રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો. જોકે હવે યુએઇએ આવી કોઇ યોજના ના હોવાની વાત કરી છે અને આ રિપોર્ટને ફગાવ્યો છે.