World

રશિયા-ઈંડીયા-ચાયનાનાં 'ટ્રોઈકા'ની 'મીટ'નું આ તબક્કે કોઈ આયોજન નથી

By GS TEAM
18 Jul 20251 min read
રશિયા-ઈંડીયા-ચાયનાનાં 'ટ્રોઈકા'ની 'મીટ'નું આ તબક્કે કોઈ આયોજન નથી

- ચાયનાએ કહ્યું 'આ ત્રિપક્ષીય સહકારને આગળ વધારવા અમે તૈયાર છીએ' 2020માં ચીને લડાખમાં કરેલા આક્રમણ પછી 'ટ્રોઈકા' લગભગ પડી ભાંગ્યું છે

નવી દિલ્હી : એક તરફ અમેરિકા અને તેના નાટોના સાથી દેશો રશિયા ઉપર યુક્રેન યુદ્ધ બંધ કરવા દબાણ કરી રહ્યાં છે, અને તે સાથે ભારતને તેવી પણ ધમકી આપી રહ્યાં છે કે, 'જો તે રશિયા તરફથી તેલ ખરીદવાનું ચાલુ રાખશે તો તેની ઉપર બીજા પણ આનુષંગિક પ્રતિબંધો લાદશે.' તેવે સમયે ચાયનાએ કહ્યું હતું કે તે રશિયા ઈન્ડીયા અને ચાયનાનાં બનેલા ત્રિપક્ષીય સંગઠનમાં પારસ્પરિક સહકાર વધારવા તૈયાર છે.

આ સંગઠન Ric  (રિક) સંગઠન તરીકે પણ જાણીતું છે.

જોકે ભારતનો તે અંગે પ્રતિસાદ ઘણો મંદ રહ્યો છે, તે અમેરિકા સાથેના ભાવિ વ્યાપાર કરારોનો પણ વિચાર કરે છે, જે સહજ છે.

ગુરૂવારે સવારે ચીનનાં વિદેશ મંત્રાલયના પ્રવકતા પિન જિયાંગે કહ્યું હતું કે, 'રશિયા, ઈંડીયા અને ચાયના વચ્ચે પારસ્પરિક સમજૂતી માટે ચીન તૈયાર છે.'

બીજી તરફ ભારત તેમાં હજી સઘન રીતે સક્રિય થવા તૈયાર લાગતું નથી તેનું કારણ બહુ સ્પષ્ટ છે. ચીને ભારતની સેંકડો એકર જમીન લડાખમાં પચાવી પાડી છે. તેથી બંને દેશો વચ્ચે લડાખ ઉપરાંત દમિ-મોક અને અરૂણાચલમાં પણ ચીને વિવાદ ઉભો કર્યો છે તે સંયોગોમાં 'ટ્રોઈકા' ફરી સક્રિય બને તે સંભાવના ઘણી ઓછી છે.