World

''... તો ચૂંટણી નહીં થવા દઈએ'' : વિદ્યાર્થીઓએ આપેલું આખરીનામું યુનુસ સરકાર ટેન્શનમાં

By GS TEAM
22 Dec 20253 mins read
''... તો ચૂંટણી નહીં થવા દઈએ'' : વિદ્યાર્થીઓએ આપેલું આખરીનામું યુનુસ સરકાર ટેન્શનમાં

- દ.પશ્ચિમનાં શહેર ખુલનામાં અન્ય વિદ્યાર્થી નેતાની હત્યા

- ઇન્કીલાબ-મંચના મંત્રી અબ્દુલ્લા-અલ્-જાબેરે ચેતવણી આપી છે કે હાદી-હત્યા કેસમાં ટ્રાયલ પૂરી થયા વિના ચૂંટણી નહીં થવા દઈએ

ઢાકા : બાંગ્લાદેશમાં દિવસે દિવસે સ્થિતિ બગડતી જાય છે. શરીફ ઉસ્માન હાદીની મોતની બબાલ હજી શાંત થઈ નથી. તેવામાં દક્ષિણ પશ્ચિમનાં શહેર ખુલનામાં એક અન્ય વિદ્યાર્થી નેતાની ગોળી મારીને હત્યા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે ચૂંટણીની જાહેરાત પછી વિદ્યાર્થી નેતાઓ ઉપર થતા ગોળીબારોની સંખ્યા વધતી જાય છે. તે સંયોગોમાં ઇકીલાબ-મંચના મંત્રી અબ્દુલ્લા-અલ-જાબેરે યુનુસ સરકારને ચેતવણી આપી છે કે, હાદી હત્યા કેસનું કોકડું નહીં ઉકેલે તો અમે દેશમાં સામાન્ય ચૂંટણી નહીં થવા દઈએ. આ અમારૃં આખરીનામું છે.

ઇકીલાબ-મંચનાં આ આખરીનામાથી યુનુસ સરકાર ભીંસમાં આવી ગઈ છે. કારણ કે હજી સુધી હત્યારાનો કોઈ સુરાગ મળ્યો નથી.

ગમે તેમ કરીને શાંતિ રહે તે હેતુથી બાંગ્લાદેશની અંતરિમ સરકારે સોમવારે જ ઉસ્માન હાદી કેસમાં ફાસ્ટ ટ્રેક ટ્રાયલ કોર્ટની રચનાની જાહેરાત કરી હતી. તે સામે ઇંકીલાબ-મંચના નેતાઓ અને કાર્યકરો સહિત તેના સમર્થકોએ આખરીનામું આપતાં સરકારને જણાવ્યું હતું કે, મતદાન શરૂ થયા પહેલાં ન્યાય નહીં મળે તો મતદાન કરવા દેશું નહીં.

અહીંના શાહબાગ સ્થિત નેશનલ મ્યુઝિયમની સામે યોજેલી એક પ્રેસ કોન્ફરન્સમાં ઇંકીબાલ મંચના મંત્રી અબ્દુલ્લા-અલ-જાબેરે ચેતવણી આપી હતી કે હાદી હત્યા કેસમાં ટ્રાયલ પૂરી થયા પહેલાં ચૂંટણી નહીં થવા દઈએ. સાથે તેવી પણ ધમકી આપી હતી કે જો તેમની માગણીની ઉપેક્ષા કરવામાં આવશે તો વિદ્યાર્થીઓ સડક ઉપર ઉતરી પડશે. આ આખરીનામાથી યુનુસ સરકાર ભીંસમાં આવી ગઈ છે.

ઉલ્લેખનીય છે કે ઉસ્માન હાદી ગત વર્ષે જુલાઈમાં થયેલા વિદ્યાર્થી વિદ્રોહનો એક મુખ્ય આયોજક અને ઇંકીબાલ-મંચનો સંયોજક હતો.

આગામી વર્ષે યોજાનારી ચૂંટણીની તૈયારીઓમાં વ્યસ્ત હતો અને પોતે ઢાકા-૮ની સીટ ઉપરથી ચૂંટણી લડવાનો હતો. ૧૨મી ડિસેમ્બરે ઢાકાના પલ્ટન વિસ્તારમાં બોક્સ-કલ્વરટર રોડ પર અજ્ઞાાત હુમલાખોરોએ તેને ગોળી મારી હતી તેને એરલિફટ કરી સિંગાપુર લઈ જવાયો હતો. પરંતુ ૧૮ ડિસેમ્બરે તેનું મૃત્યુ થયું હતું. વિદ્યાર્થીઓ આ ગોળીબાર કરનારને પકડવા યુનુસ સરકાર પર દબાણ કરે છે અને કહે છે કે તે બીજા દેશમાં પણ ચાલ્યો ગયો હોય તો સરકારે તેનું પ્રત્યાર્પણ માગવું જોઈએ. પરંતુ યુનુસ સરકારની મુખ્ય મૂંઝવણ તે છે કે ખરેખરો ગુનેહગાર કોણ છે, તેનો પત્તો જ મળી શકતો નથી આથી વિદ્યાર્થીઓએ અમેરિકાની એફબીઆઈ અને ઇંગ્લેન્ડની સ્કોટલેન્ડ યાર્ડ જેવી જાસૂસી સંસ્થાઓની સહાય લેવા પણ જણાવ્યું હતું અને જો તે વિદેશમાં હોવાની પણ ખબર પડે તો પ્રત્યાર્પણ માગવા, વિદ્યાર્થીઓએ અનુરોધ કર્યો હતો.

આ સાથે ઇંકીલાબ મંચે ફરી કહ્યું હતું કે ન્યાય મળે તે પૂર્વે તેઓ ચૂંટણી નહીં થવા દે સાથે તેમ પણ કહ્યું કે તે પછી મંચ શાહબાગથી સેન્ટ્રલ શહીદ મીનાર સુધી વિરોધ માર્ચ કરશે અને તે પછી ભાવિ કાર્યક્રમ જાહેર કરશે. પરંતુ તે કાર્યક્રમ શો હશે તે વિષે કશું કહ્યું નથી.

સહજ છે કે, યુનુસ સરકાર ભીંસમાં આવી ગઈ છે.