ફ્રાંસમાં ૩૦ હજાર વર્ષ જુની ૧.૬ કિમી લંબાઇ ધરાવતી વિશ્વની અનોખી પ્રાચીન ગુફા
ફ્રાંસના ઓફિસર્સ કોઇને આ પ્રાચીન ગુફામાં જવાની મંજુરી આપતા નથી.
માત્ર રિસર્ચ માટે વર્ષમાં માત્ર ચાર અઠવાડિયા જ મંજુરી મળે છે
નવી દિલ્હી,30 એપ્રિલ,2025, બુધવાર
દક્ષિણ પશ્ચિમી ફ્રાંસની એક ગુફામાં ૩૦૦૦૦ વર્ષ પહેલા માનવીઓ રહેતા હતા. ગુફાની દીવાલો પર ઘોડા,મેમથ અને ગેંડાઓની આકૃતિઓ પણ દોરવામાં આવી છે. આમ તો વર્ષ ૨૦૦૦માં એક સંશોધકે પ્રથમ વાર આ ગુફાની શોધ કરી હતી. દોદોન્ય કયૂસાચ નામની આ ગુફામાં જોવા મળતા પ્રાચીન માનવ અવશેષો, ખૂબ સમય પહેલા લૂપ્ત થયેલા રીંછની નિશાનીઓ અને અહીંયાની નાજુક કલાકૃતિઓ હેરત પમાડે તેવી છે.
આ કલાકૃતિઓને સંરક્ષિત રાખવા માટે ખૂબ મહેનત કરવામાં આવી છે. ફ્રાંસના ઓફિસર્સ કોઇને આ પ્રાચીન ગુફામાં જવાની મંજુરી આપતા નથી. માત્ર રિસર્ચ માટે વર્ષમાં માત્ર ચાર અઠવાડિયા એટલે કે એક મહિનાની જ મંજુરી મળે છે. ગુફાની શોધ થઇ પછી પ્રથમવાર જ એક આંતરરાષ્ટ્રીય સમાચાર સંસ્થાની ટીમને વૈજ્ઞાનિકો સાથે જવાની પરવાનગી આપવામાં આવી હતી. આ દરમિયાન કેટલાક કક્ષોની અંદર સંશોધકોને ૬ માનવ શરીરના અવશેષ મળ્યા હતા. માનવ અવશેષોના કાળ પણ દીવાલો પર ઘોડા, મેમથ અને ગેંડાઓની આકૃતિઓના સમય જેટલો છે.
અત્યાર સુધી મળી આવેલી ગુફાઓમાં આ પ્રથમ એવી ગુફા છે જેનો પ્રાગેતિહાસિક કાળમાં માણસોને દફનાવવાની સાથે કળાકૃતિઓના સર્જન માટે પણ ઉપયોગ થતો હતો. પ્રાગેતિહાસિક કાળની આ લાંબી ગુફામાં હજુ અનેક રહસ્યો બહાર આવવાના બાકી છે. પ્રવેશદ્વારમાં પહોંચવાની સાથે જ સમગ્ર મુલાકાતી ટીમને સફેદ રંગના સુરક્ષાત્મક કપડા પહેરાવવામાં આવ્યા હતા. માથા પર ટોપી અને હાથમાં ગ્લોવ્ઝ ઉપરાંત પગરખાના સોલને પણ કીટાણુરહિત કરવામાં આવ્યા હતા. અગાઉ ફ્રાંસની બીજી એક મશહૂર ગુફા લાસ્કુમાં પ્રવાસીઓના પ્રવેશથી સુક્ષ્મજીવોને ભારે નુકસાન થયું હતું.
આ ગુફાની કલાકૃતિઓની નકલ તૈયાર કરીને ઓકટોબર ૨૦૨૪માં એક પ્રદર્શન પણ આયોજિત કરવામાં આવ્યું હતું. આ ગુફાની લંબાઇ ૧.૬ કિલોમિટર જેટલી છે જેમાં ૧૦૦૦થી વધુ આકૃતિઓ જેમાં જાનવર અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે. કેટલાક વૈજ્ઞાાનિકો આ ગુફાને ૨૬૦૦૦થી ૩૫૦૦૦ વર્ષ જેટલી પ્રાચીન ગણાવે છે. યુરોપમાં પ્રાચીન ગ્રેવેટિયન સંસ્કૃતિ ફૂલી ફાલી હતી એ સમયે ગુફા કદાંચ અસ્તિત્વમાં આવી હતી. અંદરથી ગુફા અત્યંત સ્વચ્છ અને સુરક્ષિત સ્થિતિમાં છે. સંશોધકોની ટીમને ગુફાના નીરિક્ષણ સમયે ખૂબજ સાંકળી ગલી જેવા રસ્તા પરથી પસાર થવું પડયું હતું.