- ભૌતિકશાસ્ત્રી થોમસ પાર્નેલે શરૂઆત કરી હતી
- પિચ ડ્રોપ એક્સપેરિમેન્ટ હેઠળ સોલિડ અને લિક્વિડ મેટરને સમજવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે
સિડની : ઓસ્ટ્રેલિયાની યુનિવસટી ઓફ ક્વીન્સલેન્ડની લેબોરેટરીમાં એક અનોખો પ્રયોગ ચાલી રહ્યો છે. આ પ્રયોગ લગભગ ૧૦૦ વર્ષથી ચાલી રહ્યો છે. આ પ્રયોગને પિચ ડ્રોપ એક્સપેરિમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રયોગ દ્વારા સોલિડ અને લિક્વિડ મેટરને સમજવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
રિપોર્ટ મુજબ, ૧૯૨૭માં ભૌતિકશાી થોમસ પાર્નેલે આ પ્રયોગ શરૂ કર્યો હતો. તેઓ સાબિત કરવા માંગતા હતા કે પિચ નામનો પદાર્થ જે દેખાવમાં કઠણ છે પરંતુ, તે વાસ્તવમાં દ્રવ્યની જેમ વહે છે. ઉલ્લેખનીય છે કે, પિચ એક તાર જેવી ચીપચીપી વસ્તુ છે. જે નો ઉપયોગ જહાજોને પાણીથી બચાવવા માટે કરવામાં આવતો. પિચને દુનિયાનું સૌથી ગાઢ દ્રવ્ય માનવામાં આવે છે. તે પાણી કરતાં આશરે ૧૦૦ અબજ ગણું વધુ ગાઢ છે.
૧૯૩૦માં પાર્નેલે કાચના ફનલમાં ભરેલા પિચનો તળિયો કાપ્યો જેથી ગુરુત્વાકર્ષણના કારણે તે ધીમે ધીમે નીચે ટપકવા લાગે. પ્રયોગમાં સામે આવ્યું કે, રૂમના તાપમાને પિચ કઠણ લાગે છે અને તેને તોડવાના પ્રયાસ કરવામાં આવે તો તે તૂટી પણ શકે છે. પ્રયોગમાં સામે આવ્યું કે, તેનું પહેલું ટીપું પડવામાં આઠ વર્ષ લાગી ગયા. ત્યાર પછી લગભગ દરેક આઠ વર્ષે એક ટીપું પડતું રહ્યું. ૧૯૮૦ના દાયકામાં લેબમાં એર કન્ડિશનિંગ લગાડવામાં આવતા તાપમાન ઓછું થયું હતું. જેના કારણે ગતિ વધુ ધીમી થઈ ગઈ હતી.
આજ સુધી લગભગ ૧૦૦ વર્ષમાં માત્ર નવ ટીપાં પડયા છે. છેલ્લું ટીપું એપ્રિલ ૨૦૧૪માં પડયું હતું. વૈજ્ઞાનિકો માને છે કે દસમું ટીપું ૨૦૨૦ના દાયકાના અંતમાં પડી શકે છે. આશ્ચર્યની વાત એ છે કે આજ સુધી કોઈએ પણ પોતાની આંખે ટીપું પડતું જોયું નથી. કેમેરા અને લાઇવ સ્ટ્રીમ હોવા છતાં દરેક વખત તકનિકી ખામી કે સમયના કારણે તે ક્ષણ ચૂકાઈ ગઈ છે.થોમસ પાર્નેલના અવસાન પછી ૧૯૬૧માં ભૌતિકશાી જ્હોન મેનસ્ટોન પ્રયોગના ઈન્ચાર્જ બન્યા. તેમણે ૫૨ વર્ષ સુધી આ પ્રયોગ પર નજર રાખી. પરંતુ તેઓ પણ કોઈ ટીપું પડતું જોઈ શક્યા નહીં.


