Get The App

ઈઝરાયલના એક નિર્ણય સાથે દુનિયા બે ભાગમાં વહેંચાઈ! જાણો સોમાલીલેન્ડનો શું છે વિવાદ?

Updated: Dec 28th, 2025

GS TEAM

Google News
Google News
ઈઝરાયલના એક નિર્ણય સાથે દુનિયા બે ભાગમાં વહેંચાઈ! જાણો સોમાલીલેન્ડનો શું છે વિવાદ? 1 - image


Israel News : સોમાલિયાથી અલગ થયેલા ક્ષેત્ર સોમાલીલેન્ડને એક સ્વતંત્ર રાષ્ટ્ર તરીકે માન્યતા આપવાના ઈઝરાયેલના નિર્ણયને લઈને સમગ્ર દુનિયા બે જૂથોમાં વહેંચાતી જોવા મળી રહી છે. ઈઝરાયેલ સોમાલીલેન્ડને રાષ્ટ્ર તરીકે માન્યતા આપનારો પ્રથમ દેશ બન્યો છે, પરંતુ તેના આ પગલાનો અમેરિકા અને આફ્રિકન દેશો દ્વારા સખત વિરોધ કરવામાં આવી રહ્યો છે.

ઈઝરાયેલનો ઐતિહાસિક નિર્ણય અને વૈશ્વિક પ્રતિક્રિયા

ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ જાહેરાત કરી કે, "હું સોમાલીલેન્ડના પ્રમુખ ડૉ. અબ્દીરહમાન મોહમ્મદ અબ્દુલ્લાને અભિનંદન આપું છું અને તેમના નેતૃત્વની પ્રશંસા કરું છું. હું તેમને ઈઝરાયેલની મુલાકાત માટે આમંત્રણ આપું છું." છેલ્લા 30 કરતાં વધુ વર્ષોમાં આ પ્રથમ વખત છે જ્યારે કોઈ દેશે સોમાલીલેન્ડને માન્યતા આપી હોય.

અમેરિકા જ અસહમત 

જોકે, ઈઝરાયેલના આ નિર્ણય સાથે તેના હંમેશના મિત્ર અમેરિકાએ પણ અસહમતિ દર્શાવી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સ્પષ્ટપણે કહ્યું છે કે અમેરિકા આવો કોઈ નિર્ણય લેવાનું નથી. આફ્રિકન યુનિયનના અધ્યક્ષ મહમૂદ અલી યુસુફે પણ આ નિર્ણયનો વિરોધ કરતાં કહ્યું કે સોમાલિયાની સાર્વભૌમત્વને નબળું પાડવાનો કોઈપણ પ્રયાસ મહાદ્વીપની શાંતિ અને સ્થિરતા માટે ખતરો છે.

શું છે સોમાલીલેન્ડનો મામલો?

સોમાલીલેન્ડે 1991માં સોમાલિયાથી પોતાની સ્વતંત્રતાની જાહેરાત કરી હતી. તેની પોતાની સરકાર અને ચલણ હોવા છતાં, શુક્રવાર સુધી વિશ્વના કોઈપણ દેશે તેને સત્તાવાર રીતે માન્યતા આપી ન હતી. સોમાલિયાની સંઘીય સરકારે પણ ઈઝરાયેલના આ પગલાને ગેરકાયદેસર ગણાવ્યું છે અને કહ્યું છે કે આ ઉત્તરીય ક્ષેત્ર સોમાલિયાનો જ એક અભિન્ન અંગ છે.

ઈઝરાયેલના નિર્ણય પાછળનું કારણ શું?

ઈઝરાયેલે આ સમયે આ જાહેરાત શા માટે કરી તે હજુ સ્પષ્ટ થયું નથી. જોકે, આ વર્ષની શરૂઆતમાં એવા અહેવાલો હતા કે ઈઝરાયેલે અમેરિકાની તત્કાલીન યોજના હેઠળ ગાઝામાંથી પેલેસ્ટિનિયન શરણાર્થીઓને આશ્રય આપવા માટે સોમાલીલેન્ડનો સંપર્ક કર્યો હતો, પરંતુ બાદમાં અમેરિકાએ તે યોજના પડતી મૂકી હતી.

ઈઝરાયેલ-હમાસ યુદ્ધમાં મધ્યસ્થીની ભૂમિકા ભજવનાર ઇજિપ્ત અને સોમાલિયાના નજીકના સાથી તુર્કિયેએ પણ ઈઝરાયેલના આ નિર્ણયની સખત નિંદા કરી છે. રિપોર્ટ્સ અનુસાર, ઈઝરાયેલ હવે અન્ય દેશોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કરશે જેથી સોમાલીલેન્ડને વૈશ્વિક સ્તરે ઓળખ મળી શકે. આ સ્થિતિમાં, આ મુદ્દાને લઈને વિશ્વ બે અલગ-અલગ જૂથોમાં વહેંચાઈ જવાની પૂરી સંભાવના છે.