Get The App

વિશ્વે 2019માં 5.36 કરોડ ટન ઈ-વેસ્ટ ઠાલવ્યો : ચીન સૌથી મોટું ઉત્પાદક

- સંયુક્ત રાષ્ટ્રસંઘનો ગ્લોબલ ઈ-વેસ્ટ મોનિટર રિપોર્ટ

- દર વર્ષે ઈ-વેસ્ટ સાથે 10 અબજ ડૉલરની કિંમતની સોનુ-ચાંદી-પ્લેટિનમ જેવી ધાતુ પણ ભંગારમાં જાય છે

Updated: Jul 3rd, 2020

GS TEAM

Google News
Google News
વિશ્વે 2019માં 5.36 કરોડ ટન ઈ-વેસ્ટ ઠાલવ્યો : ચીન સૌથી મોટું ઉત્પાદક 1 - image


યુનાઈટેડ નેશન્સ, તા. 3 જુલાઇ, 2020, શુક્રવાર

ઈલેક્ટ્રોનિક ગેજેટ્સના વધતા વપરાશ સાથે ઈલેક્ટ્રોનિક (ઈ) વેસ્ટનું પ્રમાણ પણ જગતભરમાં વધી રહ્યું છે. કમ્પ્યુટર, મોબાઈલ, લેપટોપ, વિવિધ ઈલેક્ટ્રોનિક્સ ઉપકરણો વપરાય ગયા નકામા ઠરે એટલે તેને ઈ-વેસ્ટ તરીકે ગણવા રહ્યા. આવા ઈ-વેસ્ટ અંગેનો રાષ્ટ્રસંઘનો 120 પાનાંનો ગ્લોબલ ઈ-વેસ્ટ મોનિટર રિપોર્ટ રજૂ થયો  હતો.

એ પ્રમાણે આખા જગતમાં 2019ના વર્ષ દરમિયાન 5.36 કરોડ ટન ઈલેક્ટ્રોનિક કચરો પેદા થયો હતો. એટલે કે ધરતી પરના દરેક રહેવાસીએ સરેરાશ 7.3 કિલોગ્રામ ઈ-વેસ્ટ પેદા કર્યો હતો. આ જથૃથો અત્યાર સુધીનો સૌથી મોટો છે. છેલ્લા પાંચ વર્ષમાં ઈ-વેસ્ટનું પ્રમાણ 21 ટકા વધ્યું છે. 2014માં કચરાનું પ્રમાણ 4.44 કરોડ ટન હતું, જે 2030 સુધીમાં વધીને 7.47 કરોડ ટન થવાનો અંદાજ છે. 

સૌથી વધુ ઈ-વેસ્ટ પેદા કરનારો દેશ બેશક ચીન છે. ચીને 2019માં 1.01 કરોડ ટન ઈ-વેસ્ટ પેદા કર્યો હતો. એ પછી અમેરિકા 69 લાખ ટન સાથે બીજા ક્રમે અને 32લાખ ટન સાથે ભારત ત્રીજા ક્રમે છે.

આ ત્રણ દેશોએ મળીને કુલ ઈ-વેસ્ટમાંથી 38 ટકા કચરો પેદા કર્યો હતો.  કુલ ઈ-વેસ્ટ પૈકી માંડ 17.4 ટકા ઇ-વેસ્ટ ગયા વર્ષે રિ-સાઈકલ થઈ શક્યો હતો.  રિપોર્ટમાં એ વાતની ખાસ ચિંતા કરાઈ છે, કે ઇ-વેસ્ટ મેનેજમેન્ટ માટે જગતના ઘણા દેશોએ કોઈ નીતિ જ બનાવી નથી.

રિપોર્ટ પ્રમાણે ઈ-વેસ્ટ સાથે દર વર્ષે અંદાજે 10 અબજ ડૉલરની કિંમતની સોના-પ્લેટિનમ જેવી ધાતુ ભંગારમાં જાય છે. કેમ કે ઈલેક્ટ્રોનિક ઉપકરણમાં વપરાતી સર્કિટમાં સોનાનો ઉપયોગ અનિવાર્ય છે. સાથે સાથે ઇ-વેસ્ટમાં પર્યાવરણ અને સ્વાસ્થ્ય માટે નુકસનકારક સીસાં જેવી ઝેરી ઘાતુઓ પણ હોય છે.

વિવિધ ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાં વિવિધ 69 પ્રકારની ધાતુનો ઉપયોગ થાય છે. હવે સરેરાશ વ્યક્તિ દીઠ એકાદ ઈલેકટ્રોનિક ગેજેટ્સનો વપરાશ થતો જ હોય છે. ડિજિટલ યુગમાં વધુને વધુ ઈલેક્ટ્રોનિક ઉપકરણો વપરાઈ રહ્યાં છે અને ભવિષ્યમાં વપરાશે એટલે ઈ-વેસ્ટ આગામી યુગની મોટી સમસ્યા  છે.

વ્યક્તિદીઠ સૌથી વધુ ઈ-વેસ્ટ ઉત્પાદન

દુનિયાના ક્યા વિસ્તારમાં 2019વના વર્ષ દરમિયાન પ્રતિ-વ્યક્તિ સૌથી વધુ ઈ-વેસ્ટનું ઉત્પાદન થયું?

પ્રદેશ

ઇ-વેસ્ટ (કિલોગ્રામ)

ઉત્તર યુરોપ

22.4

ઓસ્ટ્રેલિયા-ન્યુઝિલેન્ડ

21.3

અમેરિકા-કેનેડા

20.9

ઈસ્ટર્ન યુરોપ

11

એશિયા

5.6

આફ્રિકા

2.5

Tags :