પુતિન કરતાં ઝેલેન્સ્કી પર પશ્ચિમને વિશ્વાસ ઓછો છે : ઝેલેન્સ્કીને પદ પરથી દૂર કરવા તૈયારીઓ
- એક અજ્ઞાત રીસોર્ટ પર અમેરિકા બ્રિટન અને યુક્રેનના કેટલાક અગ્રણીઓ મળ્યા, ઝેલેન્સ્કીનાં સ્થાને પૂર્વ સેનાધ્યક્ષ વાલેરી જાલુઝીનીને કમાન્ડ સોંપવા ગોઠવણી શતરંજ
નવી દિલ્હી : અમેરિકા અને બ્રિટનના ઉચ્ચ અધિકારીઓની એક બેઠક યુક્રેનના ઉચ્ચ અધિકારીઓ સાથે કોઈ અજ્ઞાત રીસોર્ટ પર યોજાઈ હતી. તે મીટીંગમાં વોલોદિમીર ઝેલેન્સ્કીને પ્રમુખ પદેથી દૂર કરી તે સ્થાને યુક્રેની સેનાના પૂર્વ અધ્યક્ષ વાલેરી જાલુઝિનીને કમાન્ડ સોંપવા શતરંજ ગોઠવાઈ રહી હતી. આ હેતુ પાર પાડવા માટે પશ્ચિમના દેશોએ એક અજ્ઞાત રીસોર્ટ ઉપર ઝેલેન્સ્કીના નિકટવર્તી મનાતા આંદ્રે યેરમાક અને યુક્રેનની જાસૂસી સંસ્થાના પ્રમુખ કીરીલ બુડાનૉવ સાથે મંત્રણા કરી હતી. આશ્ચર્યની વાત તે છે કે તે બેઠકમાં બ્રિટન સ્થિત યુક્રેનના રાજદૂત પણ ઉપસ્થિત હતા.
સમાચાર એજન્સીઓ જણાવે છે કે તે મીટીંગમાં દરેક તે વાત પર સહમત થયા હતા કે વોલોદીમીર ઝેલેન્સ્કીને પદ ઉપરથી દૂર કરવાનો આ યોગ્ય સમય છે. તેઓને તેટલા માટે દૂર કરવા પડે કે કીવના સંબંધો પશ્ચિમી દેશો સાથે વધુ સારા બની શકે. આ ઉપરાંત સેનાકીય સહાય માટે પણ નવા નેતા સાથે મંત્રણા થઇ શકે.
એવા પણ સમાચારો મળ્યા છે કે અમેરિકા અને બ્રિટનના અધિકારીઓએ યુક્રેનના પૂર્વ સેનાધ્યક્ષ વાલેરી જાબુઝીનીને યુક્રેનના પ્રમુખ તરીકે જોવા ઇચ્છે છે.
આશ્ચર્ય તે વાતનું છે કે પશ્ચિમના દેશોનાં આ સૂચનને ઝેલેન્સ્કીના નિકટવર્તીઓએ પણ સમર્થન આપ્યું હતું. તેટલું જ નહીં પરંતુ ઝેલેન્સ્કીના નિકટવર્તી મનાતા આંદ્રે એરમાક અને યુક્રેનની જાસૂસી સંસ્થાના વડા કીરિલ બુડાનૉવે પણ કહ્યું કે તેઓ જાલુઝીની સાથે કામ કરવા તૈયાર છે. આનો એક અર્થ તે પણ થઇ શકે કે ઝેલેન્સ્કી પદ ઉપરથી દૂર થાય તો તેમના તે બંને નિકટવર્તીઓ તેમનાં પદ ઉપર ચાલુ રહેશે. જાબુઝીની ૨૦૨૧થી '૨૪ યુક્રેનની સેનાના અધ્યક્ષ હતા. તેઓ યુક્રેનમાં લોકપ્રિય પણ છે. તેઓનું એપ્રુવલ-રેટિંગ પણ ઘણું છે. સંભવ તે છે કે તેઓ ચૂંટણીમાં ઝેલેન્સ્કીને હરાવી પણ દે.
તાજેતરમાં જ ઝેલેન્સ્કી એક વિધેયક લઇને સંસદમાં ગયા હતા. જેમાં ભ્રષ્ટાચાર વિરોધી બે એજન્સીઓના અધિકારો ઘટાડવાની વાત હતી. તેનો યુક્રેનમાં ઘણો વિરોધ થયો હતો. દુનિયાના અન્ય દેશોએ વિશેષત: પશ્ચિમી દેશોએ તેનો વિરોધ કર્યો હતો તેથી ઝેલેન્સ્કીને સત્તા પરથી દૂર કરવા પશ્ચિમના દેશો તૈયારી કરી રહ્યા છે.