આ દેશોની કરન્સીની સરખામણીમાં ભારતના રુપિયાની વેલ્યુ વધારે છે
ભારતના ૧ રુપિયા બરાબર ૩૧૪.૪૨ વિયેતનામી ડોંગ થાય છે
પારાગ્વે દેશની કરન્સી ગ્વારાની કરતા ભારતનો રુપિયો મજબૂત છે
નવી દિલ્હી, ૧ ફેબ્રુઆરી, ૨૦૨૨,મંગળવાર
છેલ્લા કેટલાક વર્ષોમાં યુએસ ડોલરની સરખામણીમાં ભારતનો રુપિયો ઘણો નબળો પડયો છે. એક ડોલર ખરીદવા માટે ૭૪ રુપિયાની જરુર પડે છે. ભારતનો રુપિયો યૂરોપિયન યૂનિયનના ચલણ યૂરો અને બ્રિટનના પાઉન્ડની સરખામણીમાં પણ ઘણો પાછળ છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે કેટલાક એવા દેશો પણ છે જેમની કરન્સીની સરખામણીમાં ભારતના રુપિયાની વેલ્યુ ઘણી જ વધારે છે. આથી આ દેશોમાં ઓછા બજેટમાં પણ પ્રવાસ કરી શકાય છે. ૧૫ ઓગસ્ટ ૧૯૪૭ના રોજ ભારતને આઝાદી મળી ત્યારે પાઉન્ડની સરખામણીમાં ભારતનો રુપિયો ઘણો મજબૂત હતો. આથી જ તો અંગ્રેજો કયારેય પાઉન્ડને ભારતની મુખ્ય કરન્સી તરીકે સ્થાપિત કરી શકયા ન હતા.
૧૯૫૨ સુધી ભારતીય રુપિયા દુનિયાના અનેક દેશોમાં પાવરફૂલ કરન્સી ગણાતી હતી. આંતરરાષ્ટ્રીય કારોબારમાં ભારતીય રુપિયાને ખૂબજ મહત્વ આપવામાં આવતું હતું. ઓમાન, કતાર, બહેરીન અને મધ્ય પૂર્વના કેટલાક દેશોમાં ભારતીય રુપિયાનો કાયદેસરની કરન્સીની જેમ ઉપયોગ થતો હતો. ૧૯૫૧માં પ્રથમ પંચવર્ષિય યોજના માટે સરકારે જવાહરલાલ નેહરુ સરકારે દેવું કર્યુ હતું. ૧૯૪૮ થી ૧૯૬૬ વચ્ચે એક ડોલર ૪.૬૬ રુપિયામાં મળતો હતો. ભારતની કરન્સી એકસચેન્જમાં વિયતનામ સૌથી સારો દેશ માનવામાં આવે છે. દક્ષિણ પૂર્વ એશિયામાં આવેલા વિયેતનામની કરન્સીનું નામ ડોંગ છે. ભારતના ૧ રુપિયા બરાબર ૩૧૪.૪૨ વિયેતનામી ડોંગ થાય છે.
૨૨ હજાર ટાપુઓથી બનેલા ઇન્ડોનેશિયા દેશમાં ભારતના ૧ રુપિયા બરાબર ઇન્ડોનેશિયાના ૧૯૪.૪૦ આઇડીઆર બરાબર થાય છે. હિંદ અને પ્રશાંત મહાસાગરમાં આવેલા આ દેશમાં અનેક ટ્રાવેલિંગ લોકેશન આવેલા છે આથી એકસચેન્જ રેટમાં ફાયદો થાય છે. કંબોડિયામાં ભારતના એક રુપિયા બરાબર ૫૫.૮૬ રિયાલ થાય છે. રિયાલએ કંબોડિયાની કરન્સી છે. કંબોડિયામાં જગ પ્રસિધ્ધ અંકોરવાટ ટેમ્પલ અને બૌધ્ધ મંદિર આવેલા છે. પ્રવાસીઓ દૂર દૂરથી જોવા માટે આવે છે. પારાગ્વે દેશની કરન્સી ગ્વારાની કરતા ભારતનો રુપિયો ખૂબજ મજબૂત સ્થિતિમાં છે. ૧ રુપિયા બરાબર ૯૧.૭૨ ગ્વારાની થાય છે. પારાગ્વે કુદરતી સૌદર્યથી સમૃધ્ધ દેશ હોવાથી પ્રવાસીઓને ખૂબ આકર્ષે છે.