પૃથ્વી પરનો અનોખો અમર જીવ , માઇનસ ૨૭૨ ડિગ્રી તાપમાનમાં પણ મરતો નથી
સહનશકિતની રીતે દુનિયાનો સૌથી મજબૂત જીવ છે.
અંતરિક્ષમાં કાળની ગર્તામાં ફેકી દો તો પણ મોજથી રહે છે.
ન્યૂયોર્ક,5 એપ્રિલ,2025,શનિવાર
નામ છે તેનો નાશ છે. આ પૃથ્વી પર અનેક વાર વિનાશ અને નવ સર્જન થયેલું છે. કલાયમેટ ચેન્જ એટલે કે જળવાયુ પરીર્વતનના કારણે પૃથ્વી પર અનેક પ્રજાતિઓ નામશેષ થવાનો ખતરો મંડાયેલો છે પરંતુ એ જાણીને નવાઇ લાગશે કે જવાળામુખી ફાટે કે ગમે તેવો પ્રલય આવે પૃથ્વી પર એક અનોખો જીવ રહે છે તેનું અસ્તિત્વ રહેવાનું છે. આ કોઇ ચમત્કારની વાત નથી સંપૂર્ણ વાસ્તવિકતા છે. તેનું નામ ટાર્ડિગ્રેડ એટલે કે વોટર બેયર છે.
સહનશકિતની રીતે દુનિયાનો સૌથી મજબૂત જીવ છે. તેને ઓકસીજનની અછત કે ગરમીથી કોઇ ફર્ક પડતો નથી. બરફ હોય કે જવાળામુખીનો લાવા જીવતો રહી શકે છે. પાણીમાં ઉકાળો તો પણ તેને કોઇ ફર્ક પડતો નથી. ભારે વજન મુકીને કચડવા પ્રયાસ કરો તો પણ કચડાતો નથી. અંતરિક્ષમાં કાળની ગર્તામાં ફેકી દો તો પણ મોજથી રહે છે. ૨૦૦૭માં ટાર્ડિગ્રેડસને સેટલાઇટસનાં નાખીને સ્પેસમાં મોકલવાનો પ્રયોગ કરવામાં આવ્યો હતો.
ફોટોન એમ ૩ નામનું સ્પેસક્રાફટ પૃથ્વી પર પરત ફર્યુ ત્યારે તપાસ કરી તો ટાર્ડિગ્રેડસ જીવતો હતો. વૈજ્ઞાનિકો આજે પણ આ અનોખા જીવ વિશે જાણવા સમજવાની કોશિષ કરે છે. પાણીમાં મળતો આ માઇક્રો જીવ માઇક્રોસ્કોપની મદદથી જ જોઇ શકાય છે. આ જીવ ૦.૧ મિલીમીટરથી ૧.૫ મિલીમીટર સુધી લાંબો હોય છે. તેના આકારના લીધે લિટલ વોટર બિયર એવું નામ પાળવામાં આવ્યું છે.
ટાર્ડિગ્રેડને પરમાણુ બોંબના રેડિએશનની પણ કોઇ અસર થતી નથી.
ટાર્ડિગ્રેડનો અર્થ ધીમે ધીમે આગળ વધવા વાળો એવો થાય છે. ૧૫૦ સેલ્સિયસ ગરમી પડે ત્યારે પોતાના શરીરને મડદા જેવું બનાવી દે છે. તેનું મેટાબોલિઝમ લગભગ ખતમ થઇ જાય છે.આ જ સ્થિતિમાં તે વર્ષો સુધી પડયો રહે છે. જેવું તેને માફક આવે તેવું હવામાન બને કે તરત જ સજીવન થઇ જાય છે. આવી જ રીતે માઇનસ ૨૭૨ ડિગ્રી તાપમાન થાય તો પણ કોઇ જ ફર્ક પડતો નથી. જેને રુમ ટેમ્પરેચર કહીએ એટલી ગરમીમાં પણ રહી શકે છે. હવે આનાથી આગળ વધીને પરમાણુ બોંબના રેડિએશનની પણ કોઇ અસર થતી નથી.
તેના શરીર પરની ખાસ શિલ્ડની બનાવટ જ એવી છે કે રેડિએશનથી બચી શકે છે.શિલ્ડમાં મળતા ખાસ જીનને પેરાક્રોબિયોટસ નામ આપવામાં આવ્યું છે.એ એક પ્રકારનું સુરક્ષાત્મક ફલોરોસેંટ ઢાલ છે જે રેડિએશનને શોષીને નુકસાન ના કરે તેવા નીલા પ્રકાશમાં ફેરવી નાખે છે. કોઇ પણ વાયરસ હોય કે બેકટેરિયા દરેક માઇક્રો જીવનું એક આયુષ્ય હોય છે પરંતુ ટાર્ડિગ્રેડ એટલે કે વોટર બેયર જેવી જીજીવિષા કોઇ ધરાવતું નથી.