Updated: May 26th, 2023
લંડન,૨૬ મે,૨૦૨૩,શુક્રવાર
મૈસૂર કર્ણાટકના ૧૮મી સદીના શાસક અને અંગ્રેજો સામે લડાઇ લડનારા ટીપુ સુલતાનનું નામ ઇતિહાસમાં જાણીતું છે. ખાસ કરીને ટીપુની તલવારની અનેક દંતકથાઓ છે. આ શાસકના અંગત કક્ષમાંથી મળેલી તલવારની લંડનના બોનહમ્સ ખાતે ઓકશન (નીલામી) થઇ જેમાં વેચાણના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. આ સપ્તાહ ઇસ્લામી અને ભારતીય કલા વેચાણમાં ૧.૪૪ કરોડ પાઉન્ડ (144 કરોડ રુપિયા)માં વેચાઇ હતી. ઇસ ૧૭૮૨થી ૧૭૯૯માં ટીપુ સુલતાને મૈસૂર રાજય પર શાસન કર્યુ હતું.
ટીપુની તલવારનું નામ સુખેલા હતું આ સુખેલા સત્તાનું પ્રતિક ગણાતી હતી. સ્ટીલની સુખેલા તલવાર પર સોનાથી જડેલું અદભૂત નકશીકામ હતું. ઇસ્ટ ઇન્ડિયા કંપનીએ લડાઇ દરમિયાન તેના સાહસ અને આચરણને લઇને ઉચ્ચ સમ્માનના પ્રતિક તરીકે જનરલ ડેવિડ બેયર્ડને ભેટમાં આપી હતી. ટાઇગર ઓફ મૈસુર તરીકે ઓળખાતા ટીપુ સુલતાનની લડાઇ દરમિયાન હત્યા થઇ હતી. ઇસ ૧૭૯૯માં શાહીગઢ શ્રીરંગપટ્ટનમનો વિનાશ થયા પછી મહેલમાં રહેલા શસ્ત્રોને બીજે શિફટ કરવામાં આવ્યા હતા. સુલતાનને આ તલવાર સાથે વિશિષ્ટ લગાવ હતો. ફોન દ્વારા બે લોકોએ બોલી લગાવી હતી જેેને કક્ષમાં બેઠેલા એક વ્યકિતએ સારી એવી ટકકર આપી હતી.