તે માર્ગ ક્યાંય લઈ જશે નહીં : યુક્રેનની સલામતીનો ઉકેલ રશિયાને સાથે રાખ્યા સિવાય આવી ન શકે

- રશિયન વિદેશ મંત્રી સર્ગી લેવરૉવ કહે છે
- ટ્રમ્પ અને યુરોપીય નેતાઓ ઝેલેન્સ્કીને મળ્યા તે પછી બે દિવસે રશિયન વિદેશ મંત્રીએ તે મંત્રણા વિષે રશિયાનો પ્રતિભાવ જણાવ્યો
મોસ્કો : રશિયા અને યુક્રેન વચ્ચે સંભવિત સમજુતી સાધવા વોશિંગ્ટનમાં ટ્રમ્પ યુરોપીય નેતાઓ અને ઝેલેન્સ્કી સાથે થયેલી મંત્રણા અંગે રશિયાનો પ્રતિભાવ આપતાં તેના વિદેશ મંત્રી સર્ગી લેવરૉવે ચેતવણી આપતાં કહ્યું કે, રશિયાને સાથે રાખ્યા સિવાય યુક્રેનની સલામતીનો ઉકેલ આવી ન શકે, તે માર્ગ ક્યાંય લઈ જશે નહીં.'
આ માહિતી આપતાં અલ-જઝીરા જણાવે છે કે સાર્ત લેવરૉવે સ્પષ્ટ રીતે જણાવ્યું હતું કે, રશિયન ફેડરેશનને સાથે રાખ્યા સિવાય સલામતી, સામુહિક સલામતી માટે લેવાયેલા નિર્ણયો અમોને સ્વીકાર્ય બને તેમ નથી. આ ચાલી જ ન શકે.
આ સાથે તેઓએ તેમ પણ કહ્યું કે, મને ખાતરી છે કે, પશ્ચિમ તેમાંયે અમેરિકા પણ તે સમજે જ છે કે, રશિયન ફેડરેશન સિવાય સલામતી વિષેની ચર્ચા એક દિવા-સ્વપ્ન સમાન બની રહેશે.
વ્લાદીમીર પુતિનને મળ્યા પછી માત્ર થોડા જ દિવસમાં પ્રમુખ ટ્રમ્પે અગ્રીમ યુરોપીય નેતાઓને સાથે રાખી, યોજેલી મંત્રણા પછી તેમ પણ કહ્યું હતું કે, હજીએ કેટલાક અવરોધો તો દૂર કરવા જ પડશે.'
જ્યારે લેવરોવે કહ્યું કે તે યુરોપીય નેતાઓને યુક્રેન અંગે અમેરિકાના પ્રમુખનું વલણ બદલવાના વિચિત્ર પ્રયત્નો કર્યા હતા. અમને તેમાં પરિસ્થિતિ વધુ ને વધુ ગંભીર બનતી લાગે છે. યુરોપીય નેતાઓ તરફથી કોઈ રચનાત્મક સૂચન થયું હોય તેવું લાગતું નથી.
ટૂંકમાં યુક્રેન યુદ્ધ અંગે તત્કાળ કોઈ સરળ ઉકેલ આવે તેવી સંભાવના અત્યારે તો લાગતી નથી, તેમ વિશ્લેષકોનું મંતવ્ય રહ્યું છે.








