બાંગ્લાદેશમાં પરિસ્થિતિ અત્યંત તંગ, અસ્થિર અને જાણી ન શકાય તેવી બની રહી છે : જાતીયો પાર્ટીના મહામંત્રી-

- ભારત જ સાચુ પાડોશી છે : મ્યાનમાર તો ગૃહયુદ્ધમાં ફસાયું છે
- બાંગ્લાદેશની ત્રીજા ક્રમની સૌથી મોટી પાર્ટીએ દેશની ભાંગી પડેલી રાજકીય પરિસ્થિતિ અને લઘુમતિઓ પર થતા જુલ્મો અંગે બળાપો ઠાલવ્યો
ઢાકા : બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના સત્તા પરથી દૂર થયા પછી દેશમાં વ્યાપી રહેલી રાજકીય અરાજકતાભરી પરિસ્થિતિ અંગે દેશની ત્રીજી સૌથી મોટી પાર્ટી જાતીયો પાર્ટીના મહામંત્રી શમીમ હૈદર પટવારીએ ભારે બળાપો ઠાલવ્યો હતો.
પત્રકારોને કરેલા સંબોધનમાં કહ્યું, પરિસ્થિતિ અત્યંત તંગ, અસ્થિર અને જાણી જ ન શકાય તેવી બની રહી છે. સરકાર કહે છે કે ફેબુ્રઆરીમાં સામાન્ય ચૂંટણી યોજાશે પરંતુ તે અંગે કોઈ પૂર્વ સંકેતો જ મળતા નથી. સરકારી તંત્ર હજી સળવળતું દેખાતું નથી.
પૂર્વ લશ્કરી શાસક જનરલ હુસૈન મોહમદ ઈર્શાદે સ્થાપેલી આ જાતીયો પાર્ટીએ પહેલા શેખ હસીનાની આવામી લીગ સાથે 'ગ્રાન્ડ-એલાયન્સ' સ્થાપ્યું હતું.
પટવારી માને છે કે જે પાર્ટી નેશનલ સીટીઝન્સ પાર્ટી (એન.સી.પી.) જેણે શેખ હસીનાને સત્તા ભ્રષ્ટ કરવામાં અગ્રીમ ભૂમિકા ભજવી હતી તેના કાર્યકરો શેખ હસીનાની જન્મભૂમિ ગોપાલગંજમાં ઘૂસી ગયા હતા અને ત્યાં ભારે તોડફોડ પણ કરી તેનું એક મહત્વનું કારણ ગોપાલગંજને પૂરતું સુરક્ષા કવચ તદ્દન નહીંવત્ સમાન હતું.
સાથે ગોપલગંજમાં પણ થઈ રહેલ હિન્દુ-લઘુમતિ તેમજ અન્ય લઘુમતિઓ ઉપર થયેલા હુમલા અંગે જાતીય પાર્ટીના મહામંત્રીએ આક્રોશ વ્યક્ત કરતાં કહ્યું હતું કે શેખ હસીના વડાપ્રધાન પદેથી દૂર થયા પછી આવા હુમલા ઘણા વધી ગયા છે. લઘુમતિઓનું પણ આ દેશમાં સ્થાન છે તેઓનું પ્રદાન પણ પ્રશંસનીય છે તેમ કહેવા સાથે પટવારીએ કહ્યું હતું કે આપણો સાચો પાડોશી દેશ ભારત જ છે. વાસ્તવમાં તેની મદદની આપણે બાંગ્લાદેશને સ્વતંત્ર કરી શક્યા હતા. ભારત આપણને અનેક રીતે સહાયભૂત છે. મ્યાનમાર પાડોશી છે પરંતુ તે ગૃહયુદ્ધમાં ફસાયેલું છે. આપણે ભારત સાથે સંબંધો ગાઢ કરવા જોઈએ તેમ પણ તેમણે કહ્યું હતું.









