World

યુનુસ સરકારમાં રાષ્ટ્રપતિને 'રબર સ્ટેમ્પ' બનાવી દેવાયા : અંતરિમ સરકારની મુદત પૂરી થતા શહાબુદ્દીને કરેલો પર્દાફાશ

By GS TEAM
23 Feb 20262 mins read
યુનુસ સરકારમાં રાષ્ટ્રપતિને 'રબર સ્ટેમ્પ' બનાવી દેવાયા : અંતરિમ સરકારની મુદત પૂરી થતા શહાબુદ્દીને કરેલો પર્દાફાશ

- શહાબુદ્દીને કહ્યું 'યુનુસે મારી ઘોર ઉપેક્ષા કરી છે : સંવૈધાનિક નિર્ણયો કે વિદેશયાત્રા વિષે પણ યુનુસે મને કદી કશું જણાવ્યું ન હતું'

ઢાકા : બાંગ્લાદેશમાં અંતરિમ સરકારની મુદત પૂરી થઈ છે અંતરિમ સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસને કોઈ સ્થાન નવી સરકારમાં નથી રહ્યું તેનો લાભ લઈ બાંગ્લાદેશના પ્રમુખ શહાબુદ્દીને મોહમ્મદ યુનુસ ઉપર ઉગ્ર પ્રહારો કરવા સાથે તેમની કાર્યવાહીનો પર્દાફાશ કરી દીધો છે.

મોહમ્મદ યુનુસ ઉપર સીધા આક્ષેપો મૂકતા તેમણે કહ્યું હતું કે, આટલી ટૂંકી મુદત દરમ્યાન પણ યુનુસ ૧૪થી ૧૫ વખત વિદેશયાત્રાએ ગયા હતા. વાસ્તવમાં વિદેશ યાત્રાએ જતા પહેલાં અને વિદેશયાત્રાથી પરત આવ્યા પછી સરકારના વડાપ્રધાને કે વિદેશમંત્રીએ રાષ્ટ્રપતિની મુલાકાત લેવી જ જોઈએ અને તેઓ ત્યાં શી કાર્યવાહી કરવાના છે અને કરી છે તેથી રાષ્ટ્રપતિને માહિતગાર કરવા જોઈએ પરંતુ યુનુસ ૧૪- ૧૫ વખત વિદેશ યાત્રાએ ગયા પરંતુ એક વખત મને મળ્યા પણ ન હતા. તેઓ વર્ષમાં એકાદી વખત માંડ મળવા આવ્યા હતા અને તે પણ ટૂંક સમય માટે.

આ ઉપરાંત પોતાનો આક્રોશ ઠાલવતા તેઓએ કહ્યું હતું કે, 'કોઈ પણ દેશના વડાએ વિદેશની બે-ત્રણ યાત્રા તો કરવી જ જોઈએ મને કતાર અને કોસાવો તેમ બંને દેશ તરફથી એક પછી એક તેમ આમંત્રણ મળ્યા હતા. પરંતુ યુનુસે મારા નામનો જ બનાવટી પત્ર ઉભો કરી તે દેશોની 'ક્ષમા માંગતા' જણાવ્યું હતું કે, 'હું અત્યારે સંવૈધાનિક કાર્યમાં એટલો વ્યસ્ત છું તેથી આવી શકું તેમ નથી તો મને માફ કરશો.' આટલં્ કહેતા શહાબુદ્દીન ભાવુક થઈ ગયા હતા અને પૂછ્યું હતું કે, કોઈપણ રાષ્ટ્રપતિ એટલા વ્યસ્ત હોઈ શકે કે આંતરરાષ્ટ્રીય મંચ ઉપર જઈ ન શકે ? વાસ્તવમાં કોસાવોમાં એક અંતરરાષ્ટ્રીય પરિષદ હતી તેમાં મને આમંત્રણ હતું પરંતુ યુનુસે મને જણાવ્યા સિવાય જ બારોબાર 'ના' કહી દીધી.

આટલું જ નહીં પરંતુ એવા કેટલાય સંવિધાનને લગતા પગલા યુનુસે લીધા હતા અને તે વિષે મને તો અંધારામાં જ રાખ્યો હતો. તેઓએ કહ્યું કે, પછીથી મને ખબર પડી કે યુનુસે ઘડાવેલા કેટલાક કાનૂનો સંવિધાન વિરૂદ્ધના હતા પરંતુ તેમાં સંમતિ કે સહી કે મૌખિક સંમતિ પણ લીધા સિવાય અમલી કરાવી દીધા હતા. મને ખબર પડી અને વધુ માહિતી મેળવી તો જાણી શક્યો કે તે કાનૂનોથી દેશની પ્રતિષ્ઠા ખરડાઈ છે.