જે દેશના રાષ્ટ્રપતિ કોરોના મહામારીને નકારતા હતા એમને જ કોરોના થયો
માસ્ક પહેરતા નહી અને સોશિયલ ડિસ્ટન્સિસ પાળતા નહી
અત્યાર સુધી કુલ ૪ કોરોના ટેસ્ટ તેમના પર થયા હતા
રિઓડિજાનેરો,૭, જુલાઇ, ૨૦૨૦, મંગળવાર
દુનિયા આખી કોરોના સામે જંગ લડવા જાગૃત થઇ હતી ત્યારે બ્રાઝિલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારો અતિ આત્મવિશ્વાસમાં રાચતા હતા.તેમને લોકડાઉનનો વિરોધ કર્યો હતો અને કોરોના સંક્રમણથી બચવા જાહેરમાં માસ્ક પહેરવાની ના પાડી દીધી હતી. તેઓ પોતાના સમર્થકો સાથે ખુલ્લામાં ફરતા હતા અને સોશિયલ ડિસ્ટન્સિસનું પાલન કરતા ન હતા. આનું પરીણામ નજર સમક્ષ છે એક તો પોતાના દેશમાં કોરોના સંક્રમણ ધરાવતા દર્દીઓની સંખ્યા ૧૬૨૮૨૮૩ થઇ છે અને ૬૫૬૩૧થી પણ વધુના મોત થયા છે. બીજુ કે કોરોનાને નકારતા રહેલા ખુદ રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. બ્રાઝિલમાં વિરોધપક્ષો એવું માને છે કે જો રાષ્ટ્રપતિએ કોરોના વાયરસને ગંભીરતાથી લીધો હોતતો દેશમાં આટલી મોટી સંખ્યામાં સંક્રમણ ફેલાયું હોત નહી.
પ્રાપ્ત માહિતી અનુસાર બોલસોનારો પોતાના ચોથા ટેસ્ટમાં કોરોના પોઝિટિવ આવ્યા છે. અગાઉ માર્ચમાં ફલોરિડા ખાતે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને મળ્યા પછી તેમનો ત્રણ વાર કોરોના ટેસ્ટ થયો હતો અને એ સમયે તમામ રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. બોલસોનારોએ પોતાની તબિયત અંગે જણાવ્યું છે કે પોતે નોર્મલ હોવાનું ફિલ કરે છે. થોડંુ વોકિંગ પણ કર્યુ છે પરંતુ મેડિકલ નિષ્ણાતોની સલાહના કારણે આરામ પર છું. પ્રાપ્ત માહિતી અનુસાર તેમના ફેફસાનો એકસ કે કાઢવામાં આવ્યો તેમાં પણ ઇન્ફેકશન જોવા મળતું ન હતું. બ્રાઝિલમાં કોરોનાના કેસ સતત વધતા જાય છે અને હવે ખૂદ રાષ્ટ્રપતિ કોરોનાની લપેટમાં આવતા છે. નવાઇની વાત તો એ છે કે કોરોના વાયરસનો પ્રકોપ બ્રાઝિલના એમેઝોન જંગલમાં કુદરતી રીતે જીવન જીવતા અને મુખ્ય પ્રવાહથી અલિપ્ત એવા ઇન્ડિજિનિયસ લોકો સુધી પણ ફેલાયો છે.