'પ્રમુખે મોદીને આમંત્રણ પાઠવ્યું છે,' વ્હાઈટ-હાઉસ અધિકારીએ જણાવ્યું
- જાન્યુ. 27મીએ પ્રમુખ ટ્રમ્પે નરેન્દ્ર મોદી સાથે ફોન ઉપર વાત કરી આમંત્રણ આપ્યું : મહત્વના મુદ્દાઓ જણાવ્યા
વોશિંગ્ટન : પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આગામી સપ્તાહે અમેરિકા આવવા આમંત્રણ આપ્યું છે. આ માહિતી આપતાં અનામી રહેવા માગતા વ્હાઈટ હાઉસના અધિકારીઓએ જણાવ્યું હતું કે, બંને વચ્ચે થયેલી વાતચીતમાં ભારત દ્વારા અમેરિકાની શસ્ત્ર-સામગ્રી ખરીદવા ઉપર ભાર મુકાયો હતો.
આ ફોન-કોલ પછી મોદીએ ઠ ઉપર પોસ્ટ કરતાં લખ્યું હતું કે, પ્રિય મિત્ર, તમો બીજી વખત અમેરિકાના પ્રમુખ પદે ચૂંટાયા તે માટે તમોને અભિનંદન. આપણે બંને, પરસ્પરને હિતકારી બને તેવી અને વિશ્વસનીય ભાગીદારીથી જોડાયેલ છીએ. આપણે બંનેએ પરસ્પરના દેશોને, તેમજ વિશ્વ સમસ્તને હિતકર બને, વિશ્વ શાંતિ સ્થપાઈ રહે, સલામતી મજબૂત થાય સાથે સમૃદ્ધિ પણ વધે તે માટે સક્રિય રહીએ.
વધુમાં જાણવા મળે છે કે, વડાપ્રધાન મોદી, ફેબ્રુઆરીની ૧૩મી તારીખે અમેરિકા જવાના છે. પ્રમુખ ટ્રમ્પ તેઓ માટે ભોજન સમારંભ પણ યોજવાના છે.
નિરીક્ષકો સ્પષ્ટ રીતે કહે છે કે, ડોનાલ્ડ ટ્રમ્પ જાણે જ છે કે એશિયામાં ચાયના સામે એક માત્ર ભારત જ કાઉન્ટર-વેઈટ બની શકે તેમ છે. તેથી ભારત સાથે ગાઢ મૈત્રી અનિવાર્ય છે.