દુનિયાના આ શક્તિશાળી દેશની વસતીમાં મોટો ઘટાડો થયો, કોરોનાની અસર કે અન્ય કોઇ કારણ?
નવી દિલ્હી, તા. 30 જાન્યુઆરી 2021, શનિવાર
ભારત અને ચીન જેવા દેશો જ્યાં વસતી વધારાથી ચિંતિ છે, ત્યાં બીજી તરફ દુનિયાના સૌથી શક્તિશાળી દેશોમાં જેનો સમાવેશ થાય છે તેવા એક દેશની વસતીમાં લગભગ પાંચ લાખનો ઘટાડો થયો છે. આ ઘટાડા પાછળ ક્યા કારણો જવાબદાર છે તેના વિશે તર્ક વિતર્ક ચાલી રહ્યા છે. એક મોટો વર્ગ એવું પણ માને છે કે કોરોના વાયરસના કારણે આ ઘટાડો થયો છે. તો આ સિવાય પણ સ્થળાંતર અને જન્મદરમાં ઘટાડાની વાતો પણ સામે આવી છે. આ દેશનું નામ છે રશિયા.
છેલ્લા 15 વર્ષોમાં આ પ્રથમ વખત છે જયારે રશિયાની વસતીમાં પાંચ લાખનો ઘટાડો થયો હોય. વસતીના આ આંકડા રશિયાની સરકારે જાહેર કર્યા છે. એક ન્યૂઝ વેબસાઇટ પર પ્રકાશિત સમાચાર પ્રમાણે રશિયાની વસતી વર્તમાન સમયે 14.62 કરોડ છે. આ આંકડા પ્રમાણે રશિયાની વસતીમાં ઘટાડો થયો છે.
ગયા વર્ષે જાન્યુઆરીથી નવેમ્બર સુધી રશિયામાં કુલ 2,29,700 લોકોના મોત થયા છે. તો વર્ષ 2019માં આટલા જ સમયગાળામાં થયેલી મોતોનો આંકડો 13 ટકા ઓછો હતો. ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને વસતી વધારવાના લઇને જોર આપ્યું હતું.
નિષ્ણાંતોએ આ ઘટાડા માટે બે કારણો આપ્યા છે. પહેલું કારણ છે યુવાનો ને શિક્ષિત લોકોનું બીજી દેશોમાં સ્થળાંતર અને બીજુ છે જન્મદરમાં ઘટાડો. રશિયા સિવાય આ વર્ષે પોલેન્ડ અને બ્રિટનની વસતીમાં પણ ઘટાડો થયો છે.