સૈન્ય કસ્ટડીમાં રહેલો આતંકી મસૂદ હવે કયાં છે, તેની પાકિસ્તાન સરકારને ખબર નથી !
- બ્લેક લિસ્ટથી બચવાનો પાક.નો નવો પેતરો
- ચમત્કાર : પાક. સૈન્યએ મસૂદ અને તેના સાથીઓને નજર કેદ કર્યા હતા, હવે ગાયબ થઇ ગયો હોવાનો દાવો કર્યો
ઇસ્લામાબાદ, તા. 17 ફેબ્રુઆરી, 2020, સોમવાર
પાકિસ્તાને ફરી જૈશ-એ-મોહમ્મદના વડા આતંકી મસૂદ અઝહર અંગે જુઠ ફેલાવ્યું હતું. પાકિસ્તાને દાવો કર્યો છે કે મસૂદ અઝહર સૈન્યની કસ્ટડીમાં હતો પણ હાલ તે ક્યાં છે તેની કોઇ જ જાણકારી નથી, એટલે કે મસૂદ અઝહર કસ્ટડીમાંથી ભાગી ગયો છે.
જોકે એવા અહેવાલો પણ છે કે પાકિસ્તાને જ મસૂદને ભગાડી દીધો છે અને બાદમાં ગાયબ હોવાની અફવાઓ ફેલાવી છે. પાકિસ્તાનના આ દાવા ત્યારે સામે આવી રહ્યા છે જ્યારે ફાઇનાન્સિયલ એક્શન ટાસ્ક ફોર્સ (એફએટીએફ)ની રવિવારે બેઠક શરૂ થવા જઇ રહી છે.
તે પહેલા જ પાકિસ્તાની સૈન્યના કબજામાંથી મસૂદ અઝહર ગાયબ થઇ ગયો છે. પાકિસ્તાનની એવો ડર છે કે આતંકવાદ સામે કાર્યવાહી કરવામાં નિષ્ફળ રહેશે તો એફએટીએફ તેને ગ્રે લિસ્ટમાંથી બહાર તો નહીં કાઢે પણ બ્લેક લિસ્ટમાં મુકી શકે છે.
આ પહેલા પાકિસ્તાને હાફિઝ સઇદને ગેરકાયદે ફન્ડિંગના કેસમાં 11 વર્ષની કેદની સજા કરી હતી, જોકે હવે મસૂદ અઝહર સામે કાર્યવાહી કરવાથી હાથ ઉંચા કરી લીધા છે અને આટલા સમય સુધી તેને સૈન્યની જ છત્રછાયામાં સાચવીને રાખવામાં આવ્યો હતો.
જોકે હાલ મસૂદ સામે કોઇ જ કાર્યવાહી ન કરવાની હોવાથી તેને ગાયબ કરી દેવામાં આવ્યો છે અને બીજી તરફ વિશ્વમાં એવી વાત ફેલાવી કે મસૂદ ક્યાં ગયો તેનો ખ્યાલ નથી પણ હાલ તે પાક. સૈન્યના કબજામાં નથી.
મસૂદ અઝહરે જ ગયા વર્ષે ફેબુ્રઆરી મહિનામાં કાશ્મીરના પુલવામામાં આતંકી હુમલો કરાવ્યો હતો, જેમાં સીઆરપીએફના 40થી વધુ જવાનો શહીદ થયા હતા. આ ઘટના બાદ ભારતીય એરફોર્સે પાક.ના બાલાકોટમાં એરસ્ટ્રાઇક કરી હતી. જેમાં મસૂદના અન્ય સાથી આતંકીઓના કેમ્પો ઉડાવાયા હતા.
જોકે તે બાદ મસૂદ ફરી સક્રિય થઇ ગયો હતો અને તેને ખુદ પાક. સૈન્ય દ્વારા સહાય મળવા લાગી હતી. જોકે હાલ એફએટીએફ દ્વારા કોઇ આકરી કાર્યવાહી કરવામાં આવે તે પહેલા જ મસૂદને ગાયબ કરી દેવાયો છે અને પોતે છટકવાનો પ્રયાસ પણ પાકિસ્તાને કર્યો છે.