દુનિયાનું એક માત્ર મંદિર જયાં મસ્તક વિનાના શ્રી ગણેશ વિરાજમાન
પુત્ર ગણેશ અને પિતા ભગવાન શીવ વચ્ચે યુધ્ધ થયું હતું
આ સ્થળ રુદ્વપ્રયાગથી ગૌરી કુંડ હાઇવે પરક સોનપ્રયાગની નજીક છે.
દહેરાદૂન,28 ઓગસ્ટ,2025,ગુરુવાર
ગણેશ ઉત્સવની દેશમાં ધૂમ ઉજવણી શરુ થઇ છે. સુંઢાળા અને દુંદાળા ગણપતિની વિવિધ શણગાર સજેલી પ્રતિમાઓ પંડાલોમાં ધ્યાન ખેંચી રહી છે. ભારતના ગણેશ મંદિરોમાં વિધ્નહર્તાની કાયમી આરાધના કરવામાં આવે છે જો કે એ જાણીને નવાઇ લાગશે કે ભારતમાં એક માથા વિનાના ગણેશ બિરાજમાન છે, દુનિયાનું એક માત્ર મંદિર છે જયાં ગણપતિ માથા વિનાના જોવા મળે છે. પૌરાણિક કથા મુજબ પુત્ર ગણેશ અને પિતા ભગવાન શીવ વચ્ચે યુધ્ધ થયું ત્યારે ગણેશનો શીવના ત્રિશુલથી શિરચ્છેદ થયો હતો.
ત્યાર પછી ધડ પર હાથીનું મસ્તક બેસાડીને ગણેશને જીવંત કરવામાં આવ્યા હતા. માથા વિનાના ગણપતિનું મંદિર ઉતરાખંડના રુદ્રપ્રયાગ જિલ્લામાં આવેલું છે. ભગવાન ગણેશના આ મંદિરને સ્થાનિક લોકો મુંડકટિયા મંદિર તરીકે ઓળખે છે. મુંડ એટલે મસ્તિક અને કટિયા એટલે કપાએલું એવો અર્થ થાય છે. આ સ્થળ રુદ્વપ્રયાગથી ગૌરી કુંડ હાઇવે પરક સોનપ્રયાગની નજીક આવેલું છે. ગણેશ ઉત્સવની શરુઆત થાય એટલે ભકતોની ભીડ જામે છે.લોકો મુડકટિયા ગણપતિ પર ખૂબ શ્રધ્ધા ધરાવે છે.
મસ્તક વગરના ગણપતિ જોઇને લોકો શિવ પાર્વતી અને પુત્રની ગણેશની કથાને યાદ કરે છે. વિધ્નહર્તાના દર્શન માટે કેદારનાથ અને રુદ્વપ્રચાગ આવતા પ્રવાસીઓ આ મંદિરે અચૂક આવે છે. ઉતરાખંડમાં ગણેશ સાથે સંકળાયેલું બીજુ એક તીર્થ આવેલું છે જેમાં માઁણા ગામંની વ્યાસ ગુફામાં ગણેશજીએ મહાભારતની કથા લખી હતી. આ સ્થળ બદ્રીનાથથી 5 કિમી દૂર છે જેને વ્યાસપોથી ગુફા તરીકે ઓળખવામાં આવે છે. અહીં ગણેશજી અને વેદ વ્યાસના દર્શન કરવા આવે છે.