૧૯૩૧માં અંગ્રેજોના જમાનામાં અંતિમવાર જાતિગણના થઇ હતી
વિપક્ષો સરકારના નિર્ણયને પોતાની જીત ગણાવી રહયા છે.
દર ૧૦ વર્ષે જાતિગણના કરવી એવું નકકી કરવામાં આવ્યું હતું.
નવી દિલ્હી,૩૦ એપ્રિલ,૨૦૨૫,બુધવાર
કેન્દ્રની મોદી સરકારે છેવટે વસ્તીની સાથે જાતિ ગણના કરવાનો પણ નિર્ણય લીધો છે. લાંબા સમય સુધી આ માંગ ચાલતી હતી અને આ મુદ્વાને વિપક્ષોએ સંસદ અને સંસદની બહાર પણ ઉઠાવ્યો હતો.જાતિગણનાની જાહેરાતથી ભારતના રાજકારણમાં ફરી હલચલ પેદા થઇ છે વિપક્ષો સરકારના નિર્ણયને પોતાની જીત ગણાવી રહયા છે. આથી જાતિ ગણના શું છે અને તેની કેમ જરુર પડી છે તે જાણવું જરુરી છે.
જાતિગત જનગણનાનો સીધો મતલબ દેશમાં કઇ જાતિના કેટલા લોકો છે તે જાણવાનો છે.દેશમાં જાતિગત જનગણના પહેલા પણ થઇ હતી પરંતુ તેમાં ઓબીસીને સામેલ કરવામાં આવ્યા ન હતા. આથી કયાં સમાડને કેટલા લોકો રહે છે તે જાણવા માટે આ પ્રકારની જનગણના જરુરી છે. જાતિગત જનગણનાની શરુઆત છેક અંગ્રેજોના જમાનાથી થઇ હતી. સૌ પ્રથમ જાતિગણના ૧૯૩૧માં થઇ હતી. અંગ્રેજ શાસનમાં આમ પણ હિંદુસ્તાનમાં લોકોને જાતિના આધારે જ જોવામાં આવતું હતું.
એ સમયે આ પ્રકારની જનગણના સહજ ગણાતી હતી. એ સમયે પણ દર ૧૦ વર્ષે જાતિગણના કરવી એવું નકકી કરવામાં આવ્યું હતું. ૧૯૪૧માં જાતિગણના થયા પછી પ્રથમવાર જ આંકડા જાહેર કરવામાં આવ્યા ન હતા. જાતિ આધારિત ટેબલ તૈયાર કરવામાં આવ્યું નથી એવું કારણ આપવામાં આવ્યું હતું.
દેશ આઝાદ થયો ત્યારે ૧૯૫૧માં ફરી જાતિ ગણના થઇ હતી. એ સમયે મોટા સર્વેમાં ઓબીસી વર્ગને સમાવિષ્ટ કરવામાં આવ્યો ન હતો. માત્ર અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિઓનો જ સમાવેશ થતો હતો. વર્ષ ૨૦૧૧ સુધી આ ચાલ્યું જેમાં ઓબીસી વર્ગ અંગે ખાસ કોઇ માહિતી બહાર આવી નહી. ઓબીસી વર્ગ માટે મંડલ કમિશન લાગુ પાડવામાં આવ્યું ત્યારે દેશમાં ઓબીસી વર્ગની વસ્તી ૫૨ ટકા હોવાનું જણાવવામાં આવ્યું હતું જેનો આધાર ૧૯૩૧ના સેન્સેસ પરથી લેવામાં આવ્યો હતો. જો કે આ સેન્સેસ કેટલો સટિક હતો તે અંગે પણ ખાતરી થઇ શકી ન હતી.
સમયની સાથે ઓબીસી વસ્તીમાં વધારો પણ થયો છે પરંતુ વિશ્વસનિય આંકડો હોવો જરુરી છે. આ મુદ્વાને લઇને જ ઓબીસી વર્ગનો જાતિ ગણનામાં સમાવેશ કરવાની માંગણી બુલંદ બની હતી. જાતિગણનાનો વિરોધ કરનારાનું માનવું છે કે આ પ્રકારના સેંસેસથી દેશમાં ભાગલાવાદ વધશે. જો કે જાતિજનગણનાના સમર્થકોનું માનવું છે કે આ સેંસેસથી પછાત અને અતિ પછાત વર્ગની સ્થિતિ અંગે જાણવા મળશે. તેમની શૈક્ષણિક, સામાજિક, રાજકિય અને આર્થિક સ્થિતિ અંગે પણ સ્પષ્તા થશે.સરકાર ગણનાને આધારે મજબૂત નીતિઓ બનાવી શકશે અને યોગ્ય સહાય પણ કરી શકશે.