સમયને જાણવો જીવનને સમજવું તે વિજ્ઞાન : જ્યોતીષ
જ્યોતીષ તે જ્યોતિ + ઇશ તે રીતે શબ્દ બન્યો છે : જ્યોતીષ તે દિવ્ય પ્રકાશ છે, કોસ્પિક બ્લ્યુ પ્રિન્ટ છે : ડૉ. શ્રીવાસ્તવ
નાડી એવં વૈદિક જ્યોતિષાચાર્ય પંડિત ડૉ. સંજીવકુમાર શ્રીવાસ્તવે પોતાનાં પ્રભાવશાળી સંબોધન ધી સાયન્સ ઓફ ટાઈમ જ્યોતીષમાં કહ્યું કે જ્યોતીષ માત્ર ભવિષ્યવાણી નથી પરંતુ તે સમયને સમજવા સાથે જીવનને સમજવાનું વિજ્ઞાન છે.
ડૉ. શ્રીવાસ્તવે કહ્યું : આપણો જન્મ કોઈ સંયોગ નથી, તે એ સમયનું બિંદુ છે જ્યાં બ્રહ્માંડનો સમય અને આપણું જીવન પરસ્પરને મળે છે. જન્મ કુંડળી એક કોસ્મિક બ્લ્યુ પ્રિન્ટ છે. જે આપણને દર્શાવે છે કે ક્યારે શું કરવું જેથી જીવન સહજ અને સરળ બને.
તેઓએ સરળ શબ્દોમાં સમજાવ્યું કે જેમ કોઈ નાવિક તારાઓ જોઇને દિશા નિશ્ચિત કરે છે તેવી જ રીતે મનુષ્ય બ્રહ્માંડના સંકેતો સમજી પોતાની દિશા નિશ્ચિત કરી શકે છે.
આમ ઓક્સફર્ડ વિશ્વ વિદ્યાલય કે જ્યાંથી વિજ્ઞાન તર્ક અને વિચારની નદીઓ વહે છે ત્યાં ભારતનો આત્મા ગૂંજી ઉઠયો.
વિદેશી વિદ્વાનો પણ મંત્ર મુગ્ધ બનીને ડૉ. શ્રીવાસ્તવને સાંભળી રહ્યા હતા. તેમાંયે જ્યારે ડૉ. શ્રીવાસ્તવે કહ્યું કે જ્યોતિષ શબ્દ જ્યોતિ એટલે કે પ્રકાશ અને ઇશ એટલે દિવ્યતા. આ રીતે જ્યોતીષનો અર્થ છે દૈવી પ્રકાશનું વિજ્ઞાન જે આપણને દર્શાવે છે કે સમય માત્ર ઘડીયાળનું જ ટિક ટિક નથી, પરંતુ ચેતનાની ધડકન છે. ત્યારે તો સભા તાળીઓથી ગૂંજી ઉઠયો હતો. તેઓએ આધુનિક સમાજમાં વ્યાપ્ત વ્યસ્તતા અને માનસિક ઉધામા પર ટીપ્પણી કરતાં કહ્યું : આજે માનવી પાસે બધું જ છે. ટેકનોલોજી છે, સંસાધનો છે. પરંતુ આંતરિક શાંતિ નથી. જ્યોતીષ આપણને અંતરનો માર્ગ દર્શાવે છે. તે આત્માનું હોકા યંત્ર છે. સમયને જાણનારો કદી અસમયમાં (અયોગ્ય સમયમાં) જીવતો નથી.
આ વિદ્વાને તે વિચારને આગળ ધપાવ્યો કે ઓક્સફર્ડ તર્કનું પ્રતીક છે, ભારત અંર્તજ્ઞાનનું. જો બંને સાથે ચાલે તો નવસર્જન થાય છે એવું સર્જન જે માત્ર જ્ઞાન જ નહીં પરંતુ કરૂણા પણ જગાવે છે.
પોતાનાં પ્રવચનના સમાપનમાં તેઓએ કહ્યું જો આપણે સમયને સમજીએ તો જીવનમાં સમરસતા ચાલે છે. જો સમયથી અજ્ઞાત રહીએ તો સંઘર્ષ વધે છે. જ્યોતીષ આપણને શીખવાડે છે કે યોગ્ય સમયે યોગ્ય સ્થાને યોગ્ય ચેતના સાથે રહેવું તે જ જીવનની સૌથી મોટી સફળતા છે. ડૉ. શ્રીવાસ્તવે ૭૫થી વધુ દેશોમાં ભારતનું જ્ઞાન પ્રસાર્યું છે.


