World

બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પરના અત્યાચારનો મુદ્દો બ્રિટનની સંસદમાં ગાજ્યો

By GS TEAM
19 Oct 20252 mins read
બાંગ્લાદેશમાં લઘુમતી હિન્દુઓ પરના અત્યાચારનો મુદ્દો બ્રિટનની સંસદમાં ગાજ્યો

- બાંગ્લાદેશમાં હિન્દુઓના ઘર અને મંદિરો સળગાવાયા હતા

- બાંગ્લાદેશમાં હિન્દુઓ તહેવારો ઊજવી શકે તેમ નથી : બ્લેકમેન

લંડન : બાંગ્લાદેશમાં શેખ હસીના સરકારના પતન બાદ લઘુમતી હિન્દુઓ પર અત્યાચારમાં અસાધારણ વધારો થયો છે, જેને કાબુમાં કરવામાં વચગાળાની યુનુસ સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે. આવા સમયે આંતરરાષ્ટ્રીય સ્તરે યુનુસ સરકારની આકરી ટીકા થઈ રહી છે. બ્રિટનની સંસદમાં બાંગ્લાદેશમાં હિન્દુઓ પર અત્યાચારના મુદ્દે સાંસદોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને તેમણે તેની આકરી ટીકા કરી હતી.

બ્રિટન સરકારે બાંગ્લાદેશમાં હિન્દુઓ અને અન્ય લઘુમતીઓ વિરુદ્ધ હિંસા અને અત્યાચારની આકરી ટીકા કરી છે. સંસદમાં સરકારે જણાવ્યું કે, યુકે શાંતિપૂર્ણ લોકતાંત્રિક પરિવર્તન અને ધાર્મિક સ્વતંત્રતાની સુરક્ષા માટે કટિબદ્ધ છે. જોકે, સરકારે લઘુમતીઓના રક્ષણ મુદ્દે તાત્કાલિક કોઈ વિશેષ પગલું લેવાનું આશ્વાસન આપ્યું નથી.

બ્રિટનના હાઉસ ઓફ કોમન્સમાં વિપક્ષ કન્ઝર્વેટિવ પાર્ટીના સાંસદ બોબ બ્લેકમેને કમ્યુનિટી સંગઠન ઈનસાઈટ યુકેના રિપોર્ટને ટાંકીને બાંગ્લાદેશમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચારનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ સમયે યુકે સરકારે ધાર્મિક લઘુમતી સમુદાયો વિરુદ્ધ હિંસા અને હેટ સ્પીચની ઘટનાઓની આકરી ટીકા કરી હતી. 

બ્રિટિશ હિન્દુઓ માટેના ઓલ પાર્ટી પાર્લામેન્ટરી ગુ્રપના અધ્યક્ષ બ્લેકમેને સાંસદોને કહ્યું કે, હાલમાં દુનિયામાં હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ દિવાળીના તહેવારો અને નવા વર્ષની ઊજવણી કરી રહ્યા છે, પરંતુ દુર્ભાગ્યવશ બાંગ્લાદેશમાં હિન્દુઓ તેમના તહેવારોની ઊજવણી કરી શકે તેવી સ્થિતિમાં નથી. આ રિપોર્ટ દિવાળીના તહેવારોના સમયમાં જ બાંગ્લાદેશમાં હિન્દુ સમુદાય વિરુદ્ધ વધી રહેલા અત્યાચારો પર પ્રકાશ પાડે છે. આ રિપોર્ટમાં જણાવાયું છે કે બાંગ્લાદેશમાં હિન્દુઓના ઘર સળગાવાઈ રહ્યા છે, દુકાનો તોડી પડાઈ રહી છે અને મંદિરોમાં તોડફોડ થઈ રહી છે.

હાઉસ ઓફ કોમન્સના નેતા સર એલન કેમ્પબેલે કહ્યું, અમે બધા જ ધાર્મિક લઘુમતી સમુદાયો  વિરુદ્ધ નફરત અથવા હિંસાની ઘટનાઓની આકરી ટીકા કરીએ છીએ. અમે બાંગ્લાદેશમાં માનવતાવાદી સ્થિતિ સુધારવા અને વચગાળાની સરકારનું સમર્થન કરીને શાંતિપૂર્ણ લોકતાંત્રિક પરિવર્તન સુનિશ્ચિત કરવા માટે સક્રિયરૂપે કામ કરી રહ્યા છીએ. અમે ધાર્મિક સ્વતંત્રતાની સુરક્ષા માટે સંપૂર્ણપણે કટિબદ્ધ છીએ. બ્લેકમેન ગયા વર્ષે શેખ હસીના સરકારના પતન પછી બાંગ્લાદેશમાં હિન્દુઓ સહિત લઘુમતીઓ પર વધી રહેલા અત્યાચારનો મુદ્દો સતત બ્રિટિશ સંસદમાં ઉઠાવી રહ્યા છે.