For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

પ્રદર્શનકારીઓના ગુસ્સા સામે ઝુકી ઈરાન સરકાર, હિજાબના કાયદા અંગે લેવાઈ શકે છે મોટો નિર્ણય

બે મહિનાથી ચાલી રહેલા હિંસક પ્રદર્શનો વચ્ચે ઈરાનની સરકારે હિજાબને ફરજિયાત બનાવતા જૂના કાયદાની સમીક્ષા કરવાનો સંકેત આપ્યો

Updated: Dec 4th, 2022

Article Content Image

ઈરાનમાં હજુ પણ હિજાબ વિરુદ્ધ હિંસક પ્રદર્શનો ચાલી રહ્યા છે. સરકાર વિરોધીઓના અવાજને દબાવવા માટે બળપ્રયોગ પણ કરી ચુકી છે. અહેવાલો અનુસાર ઈરાનની પોલીસે મોટી સંખ્યામાં દેખાવકારોની ધરપકડ કરીને જેલમાં ધકેલી દીધા છે. જો કે તે પછી પણ લોકોનો રોષ ઓછો થઈ રહ્યો નથી. આખરે સરકાર પ્રદર્શનકારીઓ સામે ઝૂકી રહી હોય તેવું લાગી રહ્યું છે.

લગભગ બે મહિનાથી ચાલી રહેલા હિંસક પ્રદર્શનો વચ્ચે ઈરાનની સરકારે હિજાબને ફરજિયાત બનાવતા  જૂના કાયદાની સમીક્ષા કરવાનો સંકેત આપ્યો હતો. આ કાયદા હેઠળ ઈરાનમાં મહિલાઓએ માથું ઢાંકવાનું હોય છે. આ કાયદા હેઠળ 22 વર્ષીય મહસા અમીનીની ધરપકડ કરવામાં આવી હતી. અહેવાલો અનુસાર, પોલીસ કસ્ટડીમાં તેને ખૂબ જ ત્રાસ આપવામાં આવ્યો હતો તેના લીધે તેમનું મૃત્યુ થયું હતુ. 

હિજાબના કાયદામાં બદલાવ થશે!
ઈરાનના એટર્ની જનરલ મોહમ્મદ ઝફર મોંતાજેરીએ જણાવ્યું હતું કે ઈરાનની સરકારે હવે ફરજિયાત હિજાબ સંબંધિત જૂના કાયદામાં ફેરફાર કરવાનો નિર્ણય લીધો લેવો પડશે. તેમણે કહ્યું કે, સંસદ અને ન્યાયતંત્ર બંને આ મુદ્દે કામ કરી રહ્યા છે. બંને જોશે કે કાયદામાં કોઈ ફેરફારની જરૂર લાગે છે કે નહિ. એક અહેવાલમાં કહેવામાં આવ્યું હતુ કે, તેઓએ સ્પષ્ટ કર્યું નથી કે સંસદ અને ન્યાયતંત્ર દ્વારા આ કાયદામાં શું સુધારા કરવામાં આવશે.

પ્રમુખ રાયસીએ પણ સંકેત આપ્યો હતો
ઈરાનના એટર્ની જનરલે કહ્યું કે એક-બે અઠવાડિયામાં પરિણામ જોવા મળશે. તેમણે કહ્યું કે 30 નવેમ્બર સમીક્ષા ટીમ સંસદના સાંસ્કૃતિક આયોગને મળી છે. બીજી તરફ રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીએ પણ કાયદામાં સુધારો કરવાનો સંકેત આપ્યો છે. રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ કહ્યું કે ઈરાનના પ્રજાસત્તાક અને ઈસ્લામિક પાયા બંધારણીય રીતે મજબૂત છે, પરંતુ બંધારણને સારી રીતે લાગુ કરવાની પદ્ધતિઓ લચીલી છે જેના દ્વારા કાયદામાં ફેરફાર કરવામાં આવી શકે છે.

1983 પહેલા હિજાબ ફરજિયાત નહોતું
એક સમય હતો કે જ્યારે ઈરાનમાં મહિલાઓ પશ્ચિમી દેશોની જેમ નિખાલસતાના વાતાવરણમાં રહેતી હતી, પરંતુ 1979માં ઈસ્લામિક ક્રાંતિ પછી બધું બદલાઈ ગયું. ઇસ્લામિક ક્રાંતિએ યુએસ સમર્થિત રાજાશાહીને ઉથલાવી દીધી અને આયાતુલ્લા ખોમેનીએ ગાદી સંભાળી. આયાતુલ્લાએ સૌપ્રથમ શરિયા કાયદો લાગુ કર્યો. એપ્રિલ 1983માં ઈરાનમાં તમામ મહિલાઓ માટે હિજાબ ફરજિયાત બની ગયું હતું. હવે દેશમાં 9 વર્ષથી વધુ ઉંમરની દરેક મહિલા માટે હિજાબ પહેરવું ફરજિયાત છે. પ્રવાસીઓએ પણ આ નિયમનું પાલન કરવું પડશે. મહસા અમીનીની મૃત્યુ પછી હિંસક પ્રદર્શન બન્યું હતુ જેના લીધે આ આંદોલનમાં 300થી વધારે લોકોના મૃત્યુ થયા છે. ઉપરાંત UNના એક અહેવાલમાં એવું જાણવા મળી રહ્યું છે કે, બાળકો અને મહિલાઓ મળી ને કુલ 14000 લોકોની ધરપકડ કરવામાં આવી છે. 

Gujarat