એઆઈનો પ્રભાવ વિશ્વમાં અમીર-ગરીબ વચ્ચેના ભેદને વકરાવી શકે

- યુનોના અહેવાલમાં ટેક વિભાજનની ચિંતા વ્યક્ત કરાઈ
- અહેવાલ મુજબ સમૃદ્ધ દેશો એઆઈના તમામ લાભ આંચકી લેશે જ્યારે નબળા દેશોએ તેના દુષ્પ્રભાવ ભોગવવા પડશે
- એઆઈને વીજળી અને શિક્ષણ સમાન મૂળભૂત માળખામાં સમાવેશ કરીને તમામને ઉપલબ્ધ કરાવવાની ભલામણ
બેંગકોક : આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ)ના બેવડા પ્રકારને ઉજાગર કરતા યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા જારી કરાયેલા તાજેતરના એક અહેવાલમાં તેનાથી થનારા સંભવિત લાભ તેમજ તેનાથી ઊભા થનારા પડકારો બંને પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. ખાસ કરીને વંચિત વસતી માટે તેના નકારાત્મક પ્રભાવ વધુ થઈ શકે છે. અહેવાલમાં ઔદ્યોગિક ક્રાંતિના ગ્રેટ ડાયવર્ઝન સાથે તેની સરખામણી કરવામાં આવી છે અને તર્ક કરાયો છે કે સાવચેતીના પગલા નહિ લેવાય તો સમૃદ્ધ રાષ્ટ્રો એઆઈના મોટાભાગના લાભ આંચકી લેશે.
એઆઈથી ઉદ્યોગોમાં પરિવર્તન આવી શકતું હોવાથી તેમજ તેનાથી પૂરતા સમર્થન અથવા કુશળતાથી વંચિત કામદારો બેરોજગાર થવાની સંભાવના હોવાને કારણે અહેવાલમાં તેના સામાજિક પ્રભાવો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. અહેવાલમાં એઆઈ પર થતી ચર્ચામાં માનવીય તત્વ સામેલ કરવાના મહત્વ પર ભાર મુકાયો છે, ખાસ કરીને પહેેલેથી કૌશલ્ય તાલીમ, વીજળી અને ઈન્ટરનેટ જોડાણ જેવા મૂળભૂત સ્રોતોથી વંચિત રહેલા સમુદાય પર ધ્યાન આપવાની ભલામણ કરાઈ છે. અહેવાલમાં ડાટાના બળે ચાલતા વિશ્વમાં આ જૂથો ગાયબ થવાના જોખમ પર ભાર મુકાયો છે.કૃષિ, આરોગ્ય સંભાળ અને કટોકટી તરફ પ્રતિસાદ જેવા ક્ષેત્રોમાં સુધારા ઓફર કરીને એક તરફ એઆઈમાં ઉત્પાદન વધારવાની તેમજ ઈનોવેશનમાં ઉછાળો લાવવાની ક્ષમતા છે તો બીજી તરફ એવી પણ નોંધ કરાઈ છે કે વિસ્તરતા એઆઈ માળખાથી વીજ અને પાણીની વધતી માગને કારણે કાર્બન ઉત્સર્જન અને આરોગ્ય જોખમ તીવ્ર બની શકે. ઉપરાંત એઆઈના આગમનથી ગોપનીયતા ઉલ્લંઘન, સાયબર સુરક્ષા જોખમ અને ગેરમાહિતી માટે ડીપફેકના ઉદ્ભવ જેવી નૈતિક ચિંતાઓ પણ તોળાઈ રહી છે.
વધુમાં અહેવાલમાં એશિયામાં નોંધપાત્ર અસમાનતાઓ પ્રત્યે પણ ઈશારો કરવામાં આવ્યો છે જ્યાં ચીન અને જાપાન જેવા રાષ્ટ્રો અસરકારક રીતે એઆઈ અપનાવી શકે જ્યારે અફઘાનિસ્તાન અને મ્યાનમાર જેવા દેશો પાસે જરૂરી માળખા અને કૌશલ્યનો અભાવ હોય છે. વધી રહેલા ડિજિટલ ભેદને કારણે વિસ્તરતી એઆઈ પ્રેરિત વૈશ્વિક અર્થવ્યવસ્થામાંથી લાખો લોકો બાકાત રહી શકે છે, અને તેમના પર આ ટેકનોલોજિકલ વિભાજનની ખોટી બાજુએ હોવાનું લેબલ લાગી શકે છે.
અહેવાલમાં ડિજિટલ માળખા, શિક્ષણ, ન્યાયી સ્પર્ધા અને એઆઈ તૈનાતીમાં જવાબદારી અને પારદિર્શિતા નિશ્ચિત કરે તેવા નિયમનોમાં તાત્કાલિક રોકાણની ભલામણ કરાઈ છે. આખરે તેનો હેતુ તમામ દેશો અને સમુદાયોને લાભ અપાવવા એઆઈને લોકભોગ્ય બનાવવાનો તેમજ અનિચ્છનીય વિક્ષેપોથી અસહાય વસતીને સુરક્ષા આપવાનો છે. આ વિઝનમાં એઆઈને ઊર્જા, માર્ગ અને સ્કૂલો જેવા મૂળભૂત માળખા તરીકે ગણવામાં આવ્યું છે જેનો ભાવિ વૈશ્વિક સમાનતા પર નોંધપાત્ર પ્રભાવ પડી શકે.

