- ચીન અમેરિકા સામેની સૌથી મોટી ભીતિ છે : યુએસ વિદેશમંત્રી
''ચીન આપણા ભોગે વિશ્વમાં સૌથી સબળ સત્તા બનવા માગે છે તેથી યુદ્ધ તો ન જ કરાય, પરંતુ પરિસ્થિતી ઉપર પૂરતું ધ્યાન રાખીશું''
વોશિંગ્ટન : અમેરિકાના વિદેશ મંત્રી માર્કો રૂબિયોએ કહ્યું હતું કે, '૨૧મી સદીનો ઈતિહાસ, ચીન-અમેરિકા સંબંધોનો ઈતિહાસ બની રહેશે.' આ સાથે તેઓએ કહ્યું હતું કે ચીન અમેરિકાની સલામતી સામેની સૌથી મોટી ભીતિ બની રહ્યું છે.
ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્રમાં વિદેશ મંત્રીનું સ્થાન મળ્યા પછી પહેલી જ વખત 'મેગીન-કેવી-શો'માં આપેલી મુલાકાત દરમિયાન કહ્યું હતું કે, 'ચીનને રોકવા માટે કશું ન કરવું તે મૂર્ખતા છે.' પૂર્વેની વિદેશ નીતિઓમાં ચીનને વિકાસશીલ દેશ માનવામાં આવતો હતો, પરંતુ તે વાસ્તવમાં તો એક સમૃદ્ધ અને સમર્થ દેશ બની ગયું છે. ૨૧મી સદીનો ઈતિહાસ અમેરિકા-ચીન સંબંધોનો ઈતિહાસ બની રહેશે.
માર્કો રૂબિયોએ વધુમાં જણાવ્યું હતું કે, 'ચીન, દુનિયામાં સૌથી વધુ શક્તિશાળી દેશ તરીકે આગળ આવવા માંગે છે. પરંતુ તે આપણા ભોગે બનવા માગે છે. તે કારણસર યુદ્ધ તો ન જ થઈ શકે પરંતુ આપણે પરિસ્થિતિ ઉપર ધ્યાન ચોક્કસ રાખીશું.'
ગ્રીનલેન્ડ ખરીદવા અંગે ડોનાલ્ડ ટ્રમ્પના મત અને અભિગમ સાથે તેઓએ કહ્યું હતું કે, 'તે ગંભીર રીતે વિચારાઈ રહ્યું છે, તે કંઈ કોઈ વિનોદ કે વ્યંગ માત્ર નથી.'
ચાયના વિષે ફરી આગળ કહેતાં માર્કો રૂબિયોએ જણાવ્યું હતું કે, 'ચાયના પોતાને ૨૦૩૫ કે મોડામાં મોડા ૨૦૫૦ સુધીમાં વિશ્વની સૌથી સબળ સત્તા બનવા માગે છે અને અમેરિકાનાં હાથમાંથી વૈશ્વિક નેતૃત્વ લઈ લેવા માગે છે સાથે તે એમ પણ માને છે કે અમેરિકા ધીમે ધીમે નિર્બળ બનતું જાય છે.'
પનામા કેનાલ અંગે તેઓએ કહ્યું હતું કે, તેની ઉપર અમેરિકાનો કબ્જો હોવા જ જોઈએ તેવા પ્રમુખ ટ્રમ્પનાં મંતવ્ય સાથે હું પૂરેપૂરો સહમત છું. તેઓએ તેના ઉદઘાટન પ્રવચનમાં જ સ્પષ્ટ રીતે કહ્યું હતું કે, તેઓ તે જનમાર્ગ ચીન પાસેથી પાછો લઈ લેવા માગે છે. કોઈ વિદેશી સત્તા તે કેનાલ ઉપર સત્તા જમાવે તો તે આપત્તિરૂપ જ બને, તેમાંએ ચીનને તો ત્યાં સત્તા જમાવવા ન જ દેવાય. હોંગ-કોંગ સ્થિત કંપનીઓ તે કેનાલનાં એન્ટ્રી અને એક્ઝિટ પોઈન્ટ પર કબ્જો જમાવે, તે સ્વીકાર્ય જ ન બને. પ્રમુખ ટ્રમ્પનું કહેવું સાચું જ છે કે ચીનને ત્યાંથી ફગાવી દેવું જ જોઈએ અને અમેરિકાએ જ તે કેનાલ બાંધી હોવાથી તેને મુક્ત જહાજ-વ્યવહારની છૂટ આપવી જોઈએ અથવા ઓછામાં ઓછું તદ્દન ઓછો ચાર્જ લઈને તેના વ્યાપારી કે લશ્કરી જહાજોને જવા દેવાં જોઈએ.


