આફ્રિકા અને એશિયાને અલગ પાડતો સુએઝનો અખાત પહોળો થઇ રહ્યો છે

- સુએઝનો અખાત દર વર્ષે 0.5 મિલિમીટર પહોળો થઇ રહ્યો છે
- સુએઝનો અખાત વિસ્તરવાનું બંધ થઇ ગયો હોવાની સમજ ખોટી પડી, ભૂકંપ આવવાની સંભાવના વધી
નવી દિલ્હી : મહાસાગર પૃથ્વીની સપાટી પર ધીમે ધીમે થતાં પરિવર્તનોની અસર મોટી હોય છે. આફ્રિકા અને એશિયા ખંડને અલગ પાડતો સુએઝનો અખાત ૫૦ લાખ વર્ષ પહેલાં જ વિસ્તરવાનો બંધ થઇ ગયો હોવાનું માનવામાં આવતું હતું પણ હવે ચીનમાં થયેલાં સંશોધન અનુસાર સુએઝનો અખાત હજી દર વર્ષે ૦.૫ મિલિમીટર પહોળો થઇ રહ્યો છે.
સુએઝનો અખાત લાલ સમુદ્રનો ઉત્તરી હિસ્સો છે જે મિસરમાં આવેલો છે. સુએઝની નહેર પણ તેની સાથે જોડાયેલી છે. લગભગ ૨.૮ કરોડ વર્ષ અગાઉ અરેબિયન પ્લેટ આફ્રિકન પ્લેટ થી અલગ થવા માંડી હતી. જેને કારણે પૃથ્વીની સપાટી ફાટતાં અખાત સર્જાયો હતો. આ રીતે અલગ થવાની પ્રક્રિયાને રિફ્ટ તરીકે ઓળખવામાં આવે છે. આ રિફ્ટમાંથી મહાસાગર બને છે. લાલ સમુદ્ર પણ હવે પહોળો થઇ મહાસાગર બની રહ્યો છે. સુએઝના અખાત બાબતે એવી સમજ પ્રવર્તતી હતી કે ૫૦ લાખ વર્ષ અગાઉ આ રિફ્ટ અટકી ગઇ હતી. તેથી તે મહાસાગર બનવાને બદલે અખાત બનીને રહી ગઇ હતી. આ સ્થિતિને ફેઇલ્ડ રિફ્ટ કહેવામાં આવે છે.
જિયોફિઝિકલ રિસર્ચ લેટર્સ નામની જર્નલમાં તાજેતરમાં પ્રકાશિત સંશોધન અનુસાર આ રિફ્ટ કદી સંપૂર્ણપણે અટકી નહોતી. તેની ગતિ અતિશય ધીમી થઇ ગઇ હતી. આજે પણ ૦.૫ મિલિમીટરના દરે તે પહોળી થઇ રહી છે. ચાઇનીઝ એકેડમી ઓફ સાયન્સીઝમાં કામ કરતાં સંશોધક ડેવિડ ફર્નાન્ડિઝ બ્લેન્કોએ જણાવ્યું હતું કે અમારું સંશોધન દર્શાવે છે કે રિફ્ટ યાને મહાસાગર બનવાની પ્રક્રિયા બને કે ન બને એ વિકલ્પ ઉપરાંત ધીમી ગતિએ તે સર્જાઇ રહ્યો હોવાનો વિકલ્પ પણ છે.
૫૦ લાખ વર્ષ અગાઉ પ્લેટોની દિશા બદલાઇ અને આફ્રિકન અને અરબ પ્લેટની વચ્ચે ડેડ સી પાસે નવી સીમા બનવા માંડી જેને કારણે સુએઝના અખાતમાં ખેંચાણ ઘટયુ હતું પણ તે સંપૂર્ણ અટકી ગયું નહોતું. અમેરિકાના પશ્ચિમી ઇલાકાની જેમ તે ધીમે ધીમે વિસ્તરી રહ્યું છે, જ્યાં પહાડ અને ખીણો બની રહી છે. આને કારણે આ ઇલાકામાં ભૂકંપ આવવાની સંભાવના વધી છે. દુનિયામાં ઘણી અસફળ રિફ્ટ છે તેને તપાસી નક્કી કરવામાં આવશે કે તે પણ સક્રિય તો નથીને. પૃથ્વીની પ્લેટો ઘણી જટિલ અને સતત ગતિશીલ છે.

