Get The App

દુનિયામાં વૈશ્વિકરણનો યુગ ખતમ થયો નાના જૂથોનો પ્રદેશવાદ વધશે : સ્ટાર્મર

Updated: Apr 7th, 2025

GS TEAM

Google News
Google News
દુનિયામાં વૈશ્વિકરણનો યુગ ખતમ થયો નાના જૂથોનો પ્રદેશવાદ વધશે : સ્ટાર્મર 1 - image

સોવિયેત સંઘના પતન પછી ગ્લોબલાઈઝેશનની શરૂઆત થઈ હતી

અમેરિકા સાથે ટ્રેડ ડીલની તૈયારી છતાં યુકેના ઉદ્યોગોને સંરક્ષણ પૂરું પાડવા સરકારની દખલની સંભાવના : બ્રિટિશ વડાપ્રધાન

લંડન: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફ અને અમેરિકા ફર્સ્ટ નીતિના પગલે હવે દુનિયામાં સંરક્ષણવાદનું પ્રમાણ વધશે. આ સાથે હવે વૈશ્વિકરણનો યુગ ખતમ થયો છે. વર્ષ ૧૯૯૧માં સોવિયેત સંઘના પતન પછી દુનિયામાં વૈશ્વિકરણની શરૂઆત થઈ હતી તેમ બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરનું કહેવું છે. આ સાથે તેમણે બ્રિટનના ઉદ્યોગોને ટ્રમ્પના ટેરિફ સામે સંરક્ષણ પૂરું પાડવાનું વચન આપ્યું છે.

બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર્મરે રવિવારે જણાવ્યું હતું કે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વૈશ્વિક વેપાર ટેરિફના તોફાન સામે યુકેના ઉદ્યોગોનું રક્ષણ કરાશે. આ સાથે તેમણે અમેરિકા સાથે વેપાર સોદાની યોજના પર પણ ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું કે વેપાર યુદ્ધથી કોઈનું ભલુ થવાનું નથી. તેમણે શ્રેષ્ઠ વેપાર સોદા માટે યુકે લડત ચલાવી રહ્યું હોવા પર ભાર મૂક્યો હતો. તેમણે ભારપૂર્વક કહ્યું કે, સ્થાનિક ઉદ્યોગોના રક્ષણ માટે સરકારની દખલની સંભાવના છે.

સ્ટાર્મર સોમવારે બ્રિટિશ નાગરિકોને સંબોધન કરવાના છે, જેમાં તેઓ વૈશ્વિકરણનો યુગ પૂરો થઈ ગયાની જાહેરાત કરે તેવી શક્યતા છે. મીડિયા રિપોર્ટ મુજબ વર્ષ ૧૯૯૧માં સોવિયેત સંઘના પતન પછી વૈશ્વિકરણની શરૂઆત થઈ હતી. જોકે, તેમાં વિશ્વાસ ધરાવનારા લોકોને વૈશ્વિકરણે નિરાશ કર્યા છે, કારણ કે ટ્રમ્પના ૧૦ ટકા બેઝલાઈન ટેરિફે વૈશ્વિક બજારોને અનિશ્ચિતતા તરફ ધકેલી દીધા છે.

બ્રિટનના એક વરિષ્ઠ અધિકારીને ટાંકતા ટાઈમ્સના અહેવાલમાં જણાવાયું છે કે સ્ટાર્મર તંત્ર ટ્રમ્પની ટેરિફ પોલિસીથી સહમત નથી, પરંતુ તે સ્વીકારે છે કે એક નવો યુગ શરૂ થઈ ગયો છે, જેમાં અનેક લોકો અમેરિકન પ્રમુખના દૃષ્ટિકોણનું સમર્થન કરે છે. ટાઈમ્સના રિપોર્ટ મુજબ સ્ટાર્મરે કહ્યું, વૈશ્વિકરણ અનેક લોકો માટે ઉપયોગી નથી. અમે નથી માનતા કે ટ્રેડ વોર તેનું એકમાત્ર સમાધાન છે.

ટ્રમ્પ ટ્રેડ બેરિયર્સ હટાવવાની દિશામાં આગળ વધી રહ્યા છે. સ્ટાર્મરે કબૂલ્યું કે, તેના પરિણામસ્વરૂપ પ્રતિસ્પર્ધા વધશે અને દેશ સ્થાનિક ઉત્પાદન વધારવાનો પ્રયાસ શરૂ કરશે. સ્ટાર્મરના દૃષ્ટિકોણ સાથે સહમત થતા એચએસબીસી બેન્કના ચીફ સર માર્ક ટકરે પણ કહ્યું કે, વૈશ્વિકરણનું કામ કદાચ હવે પૂરું થઈ ગયું છે. તેમણે ભવિષ્યવાણી કરી કે વધતા વૈશ્વિક તણાવ અને ટ્રમ્પની આક્રમક વેપાર નીતિઓ વચ્ચે દુનિયાના નાના જૂથોમાં વિભાજિત થવાની સંભાવના છે.