World

અમેરિકા, રશિયા અને ચીનના અર્થતંત્ર ડામાડોળ, કોઈને યુદ્ધ ભારે પડ્યું તો ક્યાંક મોટી છટણી

By GS TEAM
10 Nov 20253 mins read
TukuTouch Logo
રશિયા, અમેરિકા અને ચીન જેવી મહાસત્તાઓની અર્થ વ્યવસ્થા ડામાડોળ થવા લાગી છે. જ્યારે રશિયા વર્ષના અંત સુધીમાં મંદીની લપેટમાં આવી શકે છે. રશિયાના મીડિયામાં પ્રકાશિત અહેવાલોમાં જણાવાયું છે કે સેન્ટ્રલ બેન્ક દ્વારા મંદી અંગે આ ચેતવણી આપવામાં આવી છે. જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રશિયાનો જીડીપી ગ્રોથ માત્ર 0.6 ટકા રહ્યો જ્યારે અગાઉના ત્રિમાસિકમાં આ 1.1 ટકા રહ્યો હતો. હવે બેન્કની ચેતવણી છે કે ચોથા ત્રિમાસિકમાં જીડીપી 0.5 ટકા ઘટી પણ શકે છે અથવા મામૂલી 0.5ટકા વધી પણ શકે છે. રશિયાની જેમ ચીન અને અમેરિકાનું માર્કેટ પણ ડામાડોળ ચાલી રહ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમેરિકા, રશિયા અને ચીનના અર્થતંત્ર ડામાડોળ, કોઈને યુદ્ધ ભારે પડ્યું તો ક્યાંક મોટી છટણી

- યુક્રેન સાથે યુદ્ધનું ગાંડપણ ભારે પડયું, રશિયાના જીડીપીમાં મોટો કડાકો : સેન્ટ્રલ બેન્ક 

- ચીનના અર્થતંત્રનું એન્જિન ગણાતા રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં મંદી : અમેરિકામાં કોરોના બાદ સૌથી મોટી છટણી, 11 લાખ લોકોની નોકરી ગઇ 

Russia China and USA News : રશિયા, અમેરિકા અને ચીન જેવી મહાસત્તાઓની અર્થ વ્યવસ્થા ડામાડોળ થવા લાગી છે. જ્યારે રશિયા વર્ષના અંત સુધીમાં મંદીની લપેટમાં આવી શકે છે. રશિયાના મીડિયામાં પ્રકાશિત અહેવાલોમાં જણાવાયું છે કે સેન્ટ્રલ બેન્ક દ્વારા મંદી અંગે આ ચેતવણી આપવામાં આવી છે. જુલાઇ-સપ્ટેમ્બર ત્રિમાસિકમાં રશિયાનો જીડીપી ગ્રોથ માત્ર 0.6 ટકા રહ્યો જ્યારે અગાઉના ત્રિમાસિકમાં આ 1.1 ટકા રહ્યો હતો. હવે બેન્કની ચેતવણી છે કે ચોથા ત્રિમાસિકમાં જીડીપી 0.5 ટકા ઘટી પણ શકે છે અથવા મામૂલી 0.5ટકા વધી પણ શકે છે. રશિયાની જેમ ચીન અને અમેરિકાનું માર્કેટ પણ ડામાડોળ ચાલી રહ્યું છે.  

રશિયામાં ગયા વર્ષે અંતિમ મહિનામાં ઉત્પાદનમાં અચાનક ઉછાળો આવ્યો હતો જેને કારણે આ વર્ષની તુલના નબળી પડી ગઇ છે. ઓગસ્ટ મહિનામાં બેન્કે 1.6 ટકા ગ્રોથનું અનુમાન લગાવ્યું હતું જ્યારે આંકડા તેનાથી પણ નીચે પહોંચી ગયા છે. સેન્ટ્રલ બેન્કની ચેતવણી છે કે અર્થવ્યવસ્થા ઓવરહીટ નહીં પણ ફ્રીઝ થઇ ચુકી છે. શ્રમ માર્કેટ પર દબાણ, ચાર ટકાથી વધુની મોંઘવારી અને લાંબા સુધી ઉંચા વ્યાજદરોને પગલે સમગ્ર રશિયન અર્થવ્યવસ્થાની સ્થિતિ ડામાડોળ થવાની તૈયારીમાં છે. માઇનિંગ અને મેટલ ઇન્ડસ્ટ્રી જેવા નિકાસ આધારિત એકમોમાં ઉત્પાદન ઘટયું છે. યુક્રેન સાથે યુદ્ધ વચ્ચે રશિયાની સ્થિતિ ડામાડોળ થવા જઇ રહી હોવાના આ અહેવાલો સામે આવ્યા છે. 

બીજી તરફ બીજી મહાસત્તા ગણાતા અમેરિકાની સ્થિતિ પણ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ડામાડોળ કરી નાખી છે. મનમાનીભર્યા ટેરિફ નાખવાથી લઇને ઇમિગ્રન્ટ્સ પર તવાઇ અને વિઝા નિયમોમાં ધરખમ ફેરફારોને કારણે અમેરિકાના તમામ માર્કેટમાં મોટો ફટકો પડયો છે. અમેરિકામાં ઓક્ટોબર મહિનામાં નોકરીમાં મોટી છટણી જોવા મળી હતી, ચેલેન્જર, ગ્રે એન્ડ ક્રિસમસ દ્વારા જારી કરાયેલા ડેટા મુજબ અમેરિકાની કંપનીઓએ આ વર્ષે અત્યાર સુધીમાં 1.1 મિલિયન એટલે કે આશરે 11 લાખ લોકોની છટણી કરી છે. 2020માં કોરોના મહામારી બાદથી આ સૌથી મોટી છટણી માનવામાં આવે છે. નિષ્ણાતોનો દાવો છે કે આ વ્યાપક છટણી પાછળ કોસ્ટ કટિંગ અને એઆઇ આ બે મુખ્ય કારણો માનવામાં આવે છે. ખાસ કરીને ટેક્નોલોજી ઇન્ડસ્ટ્રીને મોટો ફટકો પડયો છે. આઇટી કંપનીઓએ આ વર્ષે સૌથી વધુ 1410000 નોકરીઓ છીનવી લીધી. 

અમેરિકા અને રશિયા બાદ ચીનને પણ મહાસત્તા માનવામાં આવે છે, જોકે ચીનમાં પણ મંદીનો માહોલ છે, ચીનના અર્થતંત્રનું એન્જિન ગણાતા રિયલ એસ્ટેટ સેક્ટરને મોટો ફટકો પડયો છે અને મંદિના ભરડામાં જતુ રહ્યું છે. ચીનમાં અચાનક જ મકાનોના વેચાણમાં મોટો ઘટાડો નોંધાયો છે. ઓક્ટોબરમાં અગાઉના વર્ષ કરતા 42 ટકાનો ઘટાડો નોંધાયો છે. પ્રોપર્ટી માર્કેટને સમર્થન આપવાના ચીન સરકારના પ્રયાસો છતા આ ઘટાડો જોવા મળી રહ્યો છે. બ્લૂમબર્ગના એક રિપોર્ટ મુજબ ચીનનું પ્રોપર્ટી માર્કેટ છેલ્લા ચાર વર્ષથી સંઘર્ષ કરી રહ્યું છે.