Get The App

જાણો કોણ છે તે 5 લોકો જેઓ સમુદ્રમાં ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયેલા

Updated: Jun 23rd, 2023

GS TEAM

Google News
Google News
જાણો કોણ છે તે 5 લોકો જેઓ સમુદ્રમાં ટાઇટેનિકનો કાટમાળ જોવા ગયેલા 1 - image


                                                         Image Source: Twitter

નવી દિલ્હી, તા. 23 જૂન 2023 શુક્રવાર

એટલાન્ટિક મહાસાગરમાં ડૂબેલા ટાઈટેનિક સબમરીનના કાટમાળને જોવા ગયેલા ટુરિસ્ટ સબમરીનને હજુ સુધી શોધી શકાયુ નથી. આ સબમરીનમાં 5 લોકો સવાર હતા. સબમરીનને શોધવા માટે અમેરિકી એજન્સીઓ દરેક સંભવ પ્રયત્નો કરી રહી છે.

યુએસ કોસ્ટ ગાર્ડ અનુસાર તેમને પાણીની અંદર મોટા અવાજ સંભળાઈ રહ્યા છે પરંતુ ચિંતાની વાત એ છે કે લાપતા સબમરીનમાં હવે 30 કલાકથી પણ ઓછા સમયનો ઓક્સિજન બચ્યો છે. આ સબમરીનમાં પાકિસ્તાની અબજપતિ પ્રિન્સ દાઉદ અને તેમના પુત્ર સુલેમાન દાઉદ સહિત 5 લોકો સવાર હતા. 

સ્ટોકટન રશ

લાપતા થયેલા સબમરીનમાં ઓશનગેટના સીઈઓ સ્ટોકટન રશ પણ સવાર હતા. ઉલ્લેખનીય છે કે આ સબમરીનનું સંચાલન ઓશનગેટ જ કરે છે. આ કંપની પર્યટકોને સમુદ્રના સૌથી ઊંડા વિસ્તારમાં લઈ જાય છે. આ કંપનીની સ્થાપના વર્ષ 2009માં થઈ હતી પરંતુ રશે પોતાનુ કરિયર વર્ષ 1981માં દુનિયાના સૌથી ઓછી ઉંમરના જેટ ટ્રાન્સપોર્ટ રેટેડ પાયલટ તરીકે શરૂ કર્યુ હતુ ત્યારે તેમની ઉંમર માત્ર 19 વર્ષ હતી. 

ઓશનગેટ ટાઈટેનિક જહાજનો કાટમાળ બતાવવા માટે આ કંપની લોકોને 8 દિવસની મુસાફરી કરાવે છે. આ યાત્રા માટેની ટિકિટ કિંમત 2 કરોડ રૂપિયાથી વધુ છે. ન્યૂફાઉન્ડલેન્ડના કિનારાથી જ્યાં ટાઈટેનિકનો કાટમાળ છે તે સ્થળ 600 કિમી દૂર સ્થિત છે.

પ્રિન્સ દાઉદ અને તેમના પુત્ર સુલેમાન દાઉદ

આ સબમરીનમાં પાકિસ્તાની અબજપતિ પ્રિન્સ દાઉદ અને તેમના પુત્ર સુલેમાન દાઉદ પણ સવાર હતા. 48 વર્ષના પ્રિન્સ દાઉદની ગણના પાકિસ્તાનના સૌથી અમીર લોકોમાં થતી હતી. તેઓ બ્રિટન સ્થિત પ્રિન્સ ટ્રસ્ટ ચેરિટીના બોર્ડ સભ્ય હતા. દાઉદની સાથે તેમનો 19 વર્ષીય પુત્ર પણ હતો, જે સમુદ્રમાં 12500 ફૂટ પાણીની અંદર ટાઈટેનિકનો કાટમાળ જોવા માટે ગયા હતા. 

પ્રિન્સ દાઉદ એન્ગ્રો કોર્પોરેશનના વાઈસ ચેરમેન હતા. તેમની કંપની ખાતર, ભોજન અને ઉર્જાનું ઉત્પાદન કરે છે. વર્ષ 2022ના અંત સુધી એન્ગ્રોનુ રેવન્યૂ 1.2 બિલિયન ડોલર હતુ. તેમના પુત્ર સુલેમાનની પાસે બ્રિટિશ નાગરિકતા હતી અને તેઓ યુનિવર્સિટીમાં અભ્યાસ કરી રહ્યા હતા. 

હેમિશ હાર્ડિંગ

58 વર્ષના બ્રિટિશ બિઝનેસમેન હેમિશ હાર્ડિંગ પણ સબમરીનમાં સવાર હતા. તેઓ ત્રણ વખત ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ નોંધાવી ચૂક્યા હતા. તેઓ એક્શન ગ્રૂપના ફાઉન્ડર અને આંતરરાષ્ટ્રીય એરક્રાફ્ટ બ્રોકરેજ કંપની એક્શન એવિએશનના ચેરમેન હતા. આ કંપનીનું મુખ્ય કાર્યાલય દુબઈમાં છે. વર્ષ 2017માં હાર્ડિંગે એન્ટાર્કટિક વીઆઈપી પર્યટન કંપની, વ્હાઈટ ડેઝર્ટ સાથે કામ કર્યુ.

એન્ટાર્કટિકામાં ગલ્ફસ્ટ્રીમ G550નો ઉપયોગ કરતા તેમણે પહેલી રેગ્યુલર બિઝનેસ જેટ સેવા શરૂ કરી. તેમણે વીકેન્ડમાં ટાઈટેનિકના કાટમાળને જોવાની જાણકારી સોશિયલ મીડિયામાં શેર કરી હતી. વર્ષ 2004માં એક્શન એવિએશનની સ્થાપના કર્યા પહેલા, હાર્ડિંગે બેંગ્લુરુમાં પાંચ વર્ષ પસાર કર્યા. તેમણે એક લોજિસ્ટિક કંપનીમાં મેનેજિંગ ડાયરેક્ટર તરીકે કામ કર્યુ.

પોલ-હેનરી નાર્જિયોલેટ

પોલ-હેનરી નાર્જિયોલેટને મિસ્ટર ટાઈટેનિકના નામથી ઓળખવામાં આવે છે. 77 વર્ષના નાર્જિયોલેટ સબમરીનના ક્રૂ મેમ્બર પૈકીના એક હતા. તેમણે ફ્રાંસની નૌસેનામાં 25થી વધુ વર્ષો સુધી સેવા કરી. તેમણે સમગ્ર દુનિયા જોવાનો અનુભવ પ્રાપ્ત કર્યો છે અને તેમણે આ વિશે વાતચીત કરી. તેઓ સમુદ્રમાં દુર્ગમ જળ સ્થળો સુધી ગયા.

નાર્જિયોલેટએ આરએમએસ ટાઈટેનિકના કાટમાળની જાણકારી મેળવ્યા પહેલા 30થી વધુ વખત ગોતાખોરી કરી હતી. તેમની ઓથોરિટીમાં બ્રિટિશ જહાજ સાથે સંબંધિત 5,500 વસ્તુઓને જપ્ત કરી, જેમાં 20 ટનનો એક ટુકડો પણ સામેલ હતો. વર્તમાન સમયમાં આ લોસ એન્જલસમાં રાખવામાં આવ્યો છે.

Tags :